Tuesday, 12 December 2023

સરદાર પટેલ યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગદ્વારા આયોજિત મિલેટ ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ

SHARE
સરદાર પટેલ યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગદ્વારા આયોજિત મિલેટ ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ 

૧૦૦ વર્ષનું જીવન જીવવું હશે તો મિલેટ તરફ વળવું પડશે - ડૉ.સી.કે.ટીંબાડિયા
યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ દ્વારા તા. ૧૨ થી ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન સવારે ૧૦ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી યુનિવર્સિટી સ્ટાફ કોલોની મેદાન, વલ્લભવિદ્યાનગર ખાતે મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ સરદાર પટેલ યુનિવર્સિટીના કા. કુલપતિ પ્રો.નિરંજન પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઇરમાના અધ્યક્ષ ડૉ.મીનેશ શાહ, ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.કે.ટીંબાડિયા, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પેટેલ, હોમ સાયન્સ વિભાગના વડા ડૉ. વી. એચ. પટેલ, યુનિવર્સિટી પરિવાર તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અભ્યાસની સાથે સાથે લોકજીવનની સુખાકારી માટેના કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. જેના ભાગ રૂપે અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગે ત્રિદિવસીય મિલેટ ફૂડ ફેસ્ટિવલની શરૂઆત યુનિવર્સિટી ગીત અને દિપપ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત મિલેટ(જાડા ધાન્ય) આપી કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં મિલેટસમાંથી બનાવેલી રંગોળી, મિલેટસ બેકગ્રાઉન્ડ વાળું ફોટો બુથ,ફૂડ પિરામિડ મોડલનું આકર્ષણ રહ્યું હતું. ઉપરાંત મિલેટમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ, પરંપરાગત વાનગીઓ, પૌષ્ટિક વાનગીઓ, હસ્તકલાની વસ્તુઓ અને બોર્ડ ગેમ્સ જેવા ૫૦ જેટલા સ્ટોલ પર પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ડૉ. વી. એચ. પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતાં મિલેટનું મહત્ત્વ સમજાવ્યું અને તેના દ્વારા આપણે નિરોગી જીવન જીવી શકાય એ અંગે વાત કરી હતી.
મુખ્ય મહેમાન ડૉ.મીનેશ શાહે વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે દિવસે દિવસે મિલેટનું મહત્ત્વ વધતું જઈ રહ્યું છે તેનો વધુમાં વધુ ઉપયોગ કઈ રીતે કરી શકાય એ અંગે આપણે વિચારવું જોઈએ. પહેલાના સમયમાં આપણે દિવસમાં એક વખત મિલેટનો ઉપયોગ કરતાં જ હતાં. આપણે આઝાદી પછીના વર્ષોમાં આત્મનિર્ભર તો બની ગયા છીએ, હવે આપણે આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે અને ખેડૂતોને વધુમાં વધુ કઈ રીતે લાભ મળે એ વિચારવું પડશે. અંતે આવનાર સમયમાં યુનિવર્સિટી આવા કર્યો કરતી રહે તેની શુભકામના પાઠવી હતી. 
ડૉ.સી.કે.ટીંબાડિયાએ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે મિલેટ એ જૂનું અને જાણીતું છે. ફરીથી ૧૦૦ વર્ષનું જીવન જીવવું હશે તો મિલેટ તરફ વળવું પડશે. મિલેટના ઉપયોગને સમજે એ માટે આ ફેસ્ટિવલ ખૂબ ઉપયોગી સાબિત થશે આવનાર સમયમાં બિમારીઓથી કણસતા બચવા માટે મિલેટનો ઉપયોગ વધારવો પડશે અને જે રીતે પહેલા જીવન જીવતા હતા એ સમય ફરી લાવવો પડશે.
પ્રો.નીરંજન પટેલે પોતાની વાત રજુ કરતાં જણાવ્યું હતું કે મિલેટ(જાડા ધાન્ય) આપણાં રોજિંદા વપરાશમાં આવે અને આપણું આરોગ્ય સુખાકારી બને અને નવી પેઢીને એની જાણકારી મળે તે હેતુથી સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આજ વર્ષમાં બીજી વખત આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. મિલેટ(જાડા ધાન્ય) વધુમાં વધુ પ્રસાર પ્રચાર થાય અને લોકો પોતાના ખોરાકમાં આને અપનાવે તે અમારો હેતુ છે.
ઉદ્ઘાટન કાર્યક્રમની આભારવિધિ ડૉ.ભાઈલાલભાઈ પટેલે કરતાં જણાવ્યું હતું કે આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય સ્વસ્થ ભારતમાં સહભાગી થઈએ અને યુવાનોને મિલેટની જાણકારી મળે એ છે. 
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિરથ પરમારે કર્યું હતું. 
સમગ્ર કાર્યક્રમનું આયોજન કા. કુલપતિ નિરંજન પટેલની અધ્યક્ષતામાં અને હોમ સાયન્સ વિભાગના વડા ડૉ. વિનાયક પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગના શૈક્ષણિક-બિનશૈક્ષણિક તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તદુપરાંત યુસીક,એસ્ટેટ તેમજ અન્ય વિભાગોનો પણ સહયોગ રહ્યો હતો. 

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774,
9979407774

SHARE

Author: verified_user

0 comments: