Saturday, 6 June 2026

રાષ્ટ્રીય અંધજન મંડળ – આણંદ ખાતે દિવ્યાંગ બહેનો માટે "સિલાઈ તાલીમ વર્ગ પ્રારંભ" કાર્યક્રમ યોજાયો

SHARE
રાષ્ટ્રીય અંધજન મંડળ – આણંદ ખાતે દિવ્યાંગ બહેનો માટે "સિલાઈ તાલીમ વર્ગ પ્રારંભ" કાર્યક્રમ યોજાયો

આણંદ, તા. 06 જૂન, 2026
રાષ્ટ્રીય અંધજન મંડળ, અમદાવાદ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી દિવ્યાંગ બહેનોને આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવાના પવિત્ર હેતુ સાથે, સમસારા ગ્રુપના CSR સહયોગથી તથા NAB આણંદ જિલ્લા શાખાના સહકારથી "સિલાઈ તાલીમ વર્ગ પ્રારંભ" કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય અંધજન મંડળ – આણંદ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક જી. જી. જસાણી  ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા દિવ્યાંગોના ઉત્થાન અને સશક્તિકરણ માટે કરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે તાલીમાર્થી દિવ્યાંગ બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે જીવનમાં મળેલી આ અમૂલ્ય તકનો સંપૂર્ણ લાભ લઈ પોતાનું અને પોતાના પરિવારનું જીવન સ્વાભિમાનપૂર્ણ, આત્મનિર્ભર અને ઉન્નત બનાવવું જોઈએ.
જાણીતા સમાજસેવિકા તથા જાગૃત મહિલા સંગઠનના સ્થાપક પ્રમુખ શ્રીમતી આશાબેન દલાલે મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે જીવનમાં મળેલી આવી તકો વ્યક્તિના ભવિષ્યને નવી દિશા આપી શકે છે. તેમણે બહેનોને આત્મવિશ્વાસ, મહેનત અને સતત પ્રયત્નો દ્વારા પોતાના જીવનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા પ્રેરિત કર્યા હતા.
વલ્લભ વિદ્યાનગર શહેર મહિલા મોરચા (BJP) ના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન દવે દ્વારા દિવ્યાંગ બહેનોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હિંમત, આત્મવિશ્વાસ અને સતત પરિશ્રમ દ્વારા જીવનના દરેક પડકારોને અવસરમાં ફેરવી શકાય છે. તેમના પ્રેરક સંબોધને ઉપસ્થિત બહેનોમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ મહિલાઓના આર્થિક સશક્તિકરણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે કૌશલ્ય વિકાસ આધારિત તાલીમો દિવ્યાંગ બહેનોના જીવનમાં આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને સ્વરોજગારીની નવી તકોનું નિર્માણ કરે છે. આ તાલીમ અંતર્ગત બહેનોને સિલાઈ કળાની વ્યવહારુ અને ગુણવત્તાસભર તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ ભવિષ્યમાં સ્વરોજગાર મેળવી પોતાના પરિવારના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે.સંસ્થાના આ માનવતાભર્યા પ્રયાસ અંતર્ગત તાલીમાર્થી તમામ દિવ્યાંગ બહેનોને તાલીમ દરમિયાન નિઃશુલ્ક રહેઠાણ, ભોજન તથા અન્ય આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. રાષ્ટ્રીય અંધજન મંડળનો આ ઉપક્રમ દિવ્યાંગ મહિલાઓના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
કાર્યક્રમનું સફળ સંચાલન રાષ્ટ્રીય અંધજન મંડળ – આણંદના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જાગૃત મહિલા સંગઠનના સ્થાપક પ્રમુખ આશાબેન દલાલ, વૈશાલીબેન દવે, આનલબેન પટેલ (સોશિયલ વર્કર તથા ABVP યુથ સેક્રેટરી), જાગૃતિબેન શાહ (મેમ્બર NAB), ડૉ. ભરતભાઈ જોશી (ડેપ્યુટી ડાયરેક્ટર – BPA), વનિતાબેન (પ્રમુખ, વનીતા ટ્રસ્ટ), ડૉ. પ્રીતિબેન (પ્રિન્સિપાલ, SEMCOM), કૃણાલભાઈ શાહ (સેક્રેટરી, ક્રીડા ભારતી – આણંદ), મૌલિકભાઈ પંજાબી (પ્રચાર-પ્રસાર પ્રમુખ, ક્રીડા ભારતી), જાગૃતિબેન પટેલ તેમજ NAB પરિવારના સભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામાં દિવ્યાંગ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય અંધજન મંડળ અમદાવાદ, સમસારા ગ્રુપ (CSR), NAB આણંદ જિલ્લા શાખા તથા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
"આત્મનિર્ભર દિવ્યાંગ મહિલા – સશક્ત સમાજની ઓળખ" ના પ્રેરક સંદેશ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: