આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023:સરદાર પટેલ યુનિ.માં આગામી 12 થી 14 ડિસેમ્બર એ મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન, જેમાં આશરે 50 જેટલા સ્ટોલ રખાશે
બોક્સ:-પ્રેસનોટ
શોધગંગા પ્રોજેક્ટ અન્વયે પ્રોક્વેસ્ટ કંપનીને ભાઈકાકા ગ્રંથાલય, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૧૫ સુધી થયેલા પીએચ.ડી. થીસીસ (શોધ નિબંધો)નું ડીજીટાઈઝેશન કરવાનું કામ ટેન્ડર દ્વારા આપવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત શોધગંગા વેબસાઈટનો ઉપયોગ કરી વિશ્વભરનાં સંશોધનાર્થીઓ સરદાર પટેલ યુનિવર્સિટીનાં વિવિધ વિષયોમાં થયેલા સંશોધનોનો એક્સેસ મેળવે છે. ભાઈકાકા ગ્રંથાલય, સરદાર પટેલ યુનિવર્સિટી અને પ્રોક્વેસ્ટ કંપની સાથે થયેલા કરાર અન્વયે પ્રોક્વેસ્ટ કંપની દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીને વખતો વખત રોયલ્ટી ચૂકવવામાં આવે છે. હાલમાં, પ્રોક્વેસ્ટ કંપની દ્વારા તારીખ ૨૮/૦૯/૨૦૨૩ ના રોજ ૧૦૬૨.૬૬ યુએસ ડોલર એટલે કે રૂપિયા ૮૭૭૬૮.૮૧ (અંકે રૂપિયા સિત્યાસી હજાર સાતસો અડસઠ અને એક્યાસી પૈસા) ચૂકવવામાં આવેલ છે. આ અગાઉ પણ તારીખ ૨૩/૦૭/૨૦૨૧ ના રોજ ૩૭૦.૭૪ યુએસ ડોલર, તા.૦૭/૦૯/૨૦૧૮ના રોજ ૪૪૧.૫૩ યુએસ ડોલર તેમજ ૧૪/૦૩/૨૦૧૮નાં રોજ ૭૪૫.૯૮ યુએસ ડોલર રોયલ્ટીના ભાગરૂપે યુનિવર્સિટીને મળેલ છે. આમ, રૂપિયામાં ગણત્રી કરતા અત્યાર સુધીમાં યુનિવર્સિટીને કુલ રૂપિયા ૧,૯૩,૦૮૪.૮૧ (અંકે રૂપિયા એક લાખ ત્રાણુ હજાર ચોર્યાસી રૂપિયા અને એક્યાસી પૈસા) મળેલ છે. જે ભાઈકાકા ગ્રંથાલય, સરદાર પટેલ યુનિવર્સિટી માટે ગૌરવજનક બાબત કહી શકાય.
બોક્સ:-સરદાર પટેલ યુનિવર્સિટીનાં પરીક્ષા વિભાગના અગત્યનાં પરીણામોનાં રજીસ્ટર સ્કેન કરાવવામાં આવેલ છે. જેમા વર્ષ-૧૯૬૦ થી વર્ષ-૨૦૦૪ સુધીનાં એટ્લે 45 વર્ષના બધીજ ફેકલ્ટીના રજીસ્ટર સ્કેન કરવામાં આવ્યાં છે. જેમા આર્ટસ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, એન્જીનીયરીંગ, હોમસાયન્સ, ડિપ્લોમાં, બી.સી.એ. તથા મેડિકલ જેવી ફેકલ્ટીના રજીસ્ટર સામેલ છે. આશરે ૧,૯૯,૦૦૦ (એક લાખ નવ્વાણું હજાર) જેટલા પેજ સ્કેન કરવામાં આવેલ છે. સદર સ્કેન કરવામાં આવેલ પેજની પી.ડી.એફ. ફાઇલ કરવામાં આવશે. વર્ષો જુના પરીણામનાં રેકોર્ડસની સાચવણી વ્યવસ્થિત રીતે થઇ શકે તે માટે રેકોર્ડનાં ડૉક્યુમેન્ટસ સ્કેન કરવામાં આવેલ છે, તે તમામ પી.ડી.એફ. ફાઇલ વિભાગમાં એક સર્વર ઉપર મુકવામાં આવશે. જેથી ડોક્યુમેન્ટ વેરીફીકેશન સરળતાથી તેમજ ઝડપથી થઇ શકશે.
આણંદ:તા ૦૮
યુનાઈટેડ નેશન દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમસાયન્સ વિભાગ, દ્વારા આગામી તારીખ 12 થી 14ડિસેમ્બર દરમિયાન યુનિવર્સિટી સ્ટાફ કોલોની મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે 10 કલાક થી રાત્રે 10 કલાક દરમિયાન મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. આ ફૂડ ફેસ્ટિવલમાં મિલેટમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ, પરંપરાગત વાનગીઓ, પૌષ્ટિક વાનગીઓ, હસ્તકલાની વસ્તુઓ અને બોર્ડ ગેમ્સના આશરે 50 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યાં હશે જેમાં પ્રદર્શન અને વેચાણ થશે.
આ અંગે યુનિવર્સિટીના કા. કુલપતિશ્રી પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે મિલેટ (જાડા ધાન્ય) એ બીજ સ્વરૂપનાં ધાન્ય છે. જે વર્ષોથી ભારતીય લોકોના પરંપરાગત આહારનો એક મુખ્ય ભાગ છે. પરંતુ આધુનિક જીવનશૈલી અને અન્ય કારણોના લીધે મિલેટનો ઉપયોગ દિન-પ્રતિદિન ઓછો થતો જાય છે. ભારત દેશના વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારના મિલેટ વપરાતાં આવ્યાં છે. જેમાં બાજરો, જુવાર અને બાવટો (રાગી) ભારતના દરેક પ્રદેશમાં રહેતા લોકોના આહારમાં સમાવિષ્ટ છે. આ ઉપરાંત મોરૈયો, કોદરી, કાંગ અને સામાનો ઉપયોગ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. મિલેટ તેમાં રહેલા પ્રોટીન, રેસા, ખનીજ તત્વો (કેલ્શ્યિમ, લોહતત્વ) વગેરેના લીધે ખૂબ જ પૌષ્ટિક છે.
તેઓએ જણાવ્યું હતું કે અનુસ્નાતક હોમસાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ વિવિધ મિલેટસ વિષે સમજૂતી આપશે. યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગ , બાયો સાયન્સ વિભાગ, બિઝનેસ સ્ટડીઝ વિભાગ, સોશ્યિલ વર્ક વિભાગ ઉપરાંત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના સ્ટોલ હશે.
મિલેટ ફૂડ ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ તા. 12 ડિસેમ્બર, 2023 ના રોજ સવારે 10.30 વાગે યુનિવર્સિટી સ્ટાફ કોલોની મેદાન ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના કા. કુલપતિશ્રી પ્રો. નિરંજન પટેલની અધ્યક્ષતામાં યોજાશે જેમાં મુખ્ય મેહમાન તરીકે ઇરમાના ચેરમેનશ્રી ડો. મિનેષ શાહ અને અતિથિ વિશેષતરીકે ગુજરાત નેચરલ ફાર્મિંગ અને ઓર્ગનિક એગ્રિકલચરલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. સી. કે. ટીમ્બડીયા ઉપસ્તિથ રહેશે.
વિવધ મિલેટમાંથી બનાવેલી વાનગીઓ, પરંપરાગત વાનગીઓ, પૌષ્ટિક વાનગીઓ, હસ્તકલાની વસ્તુઓ, બોર્ડ ગેમ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ મિલેટ ફૂડ ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણો રહેશે.
સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
0 comments: