સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા નિયમિત પ્રાકૃતિક ખેડૂત હાટનો પ્રારંભ
વલ્લભ વિદ્યાનગર,
સમગ્ર દેશમાં સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂતો બિન રાસાયણિક ખેતી કરે તે માટે સરકાર અનેકવિધ નીતિ વિષયક પહેલ કરી રહી છે. હવે ઘણા બધા ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવા લાગયા છે ત્યારે આ ખેડૂતોને પોતાના ખેતરની રસાયણ મુક્ત ખેત પેદાશો વેચવા એક મંચ મળે તેવા આશયથી સરદાર પટેલ યુનિવર્સિટી અને અમદાવાદ સ્થિત સૃષ્ટિ ઇનોવેશન સંસ્થા સાથે સંયુક્ત રીતે પ્રાકૃતિક ખેડૂત હાટનું આયોજન નિયમિત રીતે હાથ ધર્યું છે. જેનો વિધિવત પ્રારંભ ૨૯-૧૦-૨૦૨૩ને રવિવારના રોજ કરવામાં આવ્યો છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વેચવું છે અને ગ્રાહકોને ખરીદવું છે આ બંનેને એક મંચ આપવા માટે સરદાર પટેલ યુનિવર્સિટી એ પહેલ કરી છે. દર રવિવારે ૪ થી ૬મા સરદાર પટેલ યુનિવર્સિટી પરિસરમાં ભાઈકાકા લાઇબ્રેરી ખાતે વેરીફાઇડ ખેડૂતો પોતાના ખેતરની ખેત પેદાશો લઈને વેચવા માટે આવશે. ખેડૂતો સીધું ગ્રાહકોને વેચશે. અહીં જે ખેડૂતોની પસંદગી કરી છે, એ એવા ખેડૂતો છે જેમના ખેતર સૃષ્ટિ સંસ્થા દ્વારા વેરીફીકેશન કરવામાં આવ્યા છે. સૃષ્ટિ સંસ્થા છેલ્લા ૨૦ વર્ષથી અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલ ના નામે બહુ મોટી ઈવેન્ટ કરે છે અને જેમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પ્લેટફોર્મ આપે છે. આ સંસ્થા અલગ અલગ ૪૦ ઇન્ડિકેટર/સુચકોના માધ્યમથી ખેડૂતના ખેતરનું ઓર્ગેનિકની ગાઈડલાઈન પ્રમાણે છે કે કેમ ? એનું મૂલ્યાંકન કરે છે. જેમ કે ખેતરમાં વિવિધ ઋતુ મુજબના નિંદામણની હાજરી, શેઢાપાળા, મધમાખી, પતંગિયાં, સહિતના મિત્ર કીટકો ની હાજરી, જમીનની સ્થિતિ, આજુબાજુ ઓદ્યોગિક કે શહેરી પ્રદૂષણનું સ્તર, વરસાદના પાણીનો પ્રવાહ, લીલી વાડ, પાક અને વનસ્પતિઓની વિવિધતા, પાક સંરક્ષણ માટેના પગલાં, જમીનની ફળદ્રુપતા વધારવાના ઉપાયો,મલચિંગ (પાન પથારી), પશુઓ, કમ્પોસ્ટ અથવા ઉકરડાની સ્થિતિ, સ્થાનિક પડોશીઓ, મજૂરો અને ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી તમામ પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે. સતત ૩ વર્ષ સુધી ઝેરમુક્ત/ બિન રાસાયણિક ખેતી કર્યાનું જણાય તેવા ખેડૂતોને હાટ માટે પસંદ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં મુખ્યઅતિથિ તરીકે આણંદ એગ્રિકલચરલ યુનિવર્સિટી કુલપતિ ડૉ. કે.બી.કથીરિયા, સમારંભના પ્રમુખ સરદાર પટેલ યુનિવર્સિટીના કા. કુલપતિ પ્રો. નિરંજન પી. પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. હરીશ પાઢ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ.ભાઇલાલભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચા મંત્રી નીપાબેન પટેલ, ઉપરાંત આસપાસના નાગરિકો, ચિકિત્સકો, ખેડૂતો, ગૃહિણીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774,
9979407774
0 comments: