Thursday, 21 July 2022

શંકાસ્પદ ટ્રકનો પીછો કરી રહેલી પોલીસ વાન પર ફિલ્મી ઢબે ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ, PCR વાનનો ડ્રાઇવર ઈજાગ્રસ્ત

SHARE
શંકાસ્પદ ટ્રકનો પીછો કરી રહેલી પોલીસ વાન પર ફિલ્મી ઢબે ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ, PCR વાનનો ડ્રાઇવર ઈજાગ્રસ્ત
પીસીઆર વાનના ચાલકે વાન ડિવાઇડર ઉપર ચઢાવી દીધી, ડ્રાઇવરને ઇજા
ટ્રકચાલક અને ક્લીનરની ધરપકડ, ત્રણ ફરાર

હરિયાણામાં ખાણમાફિયાની તપાસ કરવા પહોંચેલા ડીએસપીને ડમ્પર નીચે કચડી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બની હતી. બીજા દિવસે આણંદ જિલ્લાના બોરસદ ખાતે પોલીસકર્મચારીએ ટ્રક રોકવાનો પ્રયાસ કરતાં ટ્રકચાલકે ટ્રક ચડાવી દઈને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બનાવોની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ મોડી રાત્રે શંકાસ્પદ ચોરીનો સામાન ભરીને જતી ટ્રકનો પીછો કરનાર નંદેસરી પોલીસની વાન ઉપર ટ્રકચાલકે ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં પીસીઆર વાનના ડ્રાઇવર રામદાસ મેડાને ઇજાઓ પહોંચતાં સારવાર હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે ટ્રકને ઝડપી પાડી ચાલક અને ક્લીનરની ધરપકડ કરી લીધી હતી, જ્યારે ફરાર થઇ ગયેલા ત્રણની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ વાન પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ.
પોલીસ વાન પર ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ.
પોલીસ કંટ્રોલમાંથી પેટ્રોલિંગ કરતી પોલીસને વર્ધી મળી
નંદેસરી પોલીસ મથકની પીસીઆર વાન મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી. આજે વહેલી સવારે કંટ્રોલ તરફથી તેમને વર્ધી મળી હતી કે, દશરથ ગામ ક્રોસ કરી ફાજલપુર બ્રિજ તરફ શંકાસ્પદ ટ્રક જઈ રહી છે, જેથી પીસીઆર વાન ઇન્ચાર્જ એ.એસ.આઇ ભીમસિંહ મનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ ફતાભાઈ અને કોન્ટ્રેક્ટના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રામદાસ મેડાએ બાતમી મુજબની ટ્રકનો પીછો કરી એને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પીસીઆર વાનના ચાલકે ટ્રકથી બચવા વાનને ડિવાઇડર ઉપર ચઢાવી દીધી હતી.
ટ્રકના ક્લીનરે ડ્રાઇવરને વાન પર ટ્રક ચઢાવી દેવા ઇશારો કર્યો
જોકે ટ્રક-ડ્રાઇવરે પીસીઆર વાનને ઓવરટેક કરી ફુલ સ્પીડે હંકારી હતી અને પોલીસે ટ્રકનો પીછો કરતાં ટ્રક-ડ્રાઇવરે વાસદ ટોલનાકા પહેલાં ડિવાઈડરના કટમાંથી યુ ટર્ન લઈ ટ્રકને વડોદરા તરફ દોડાવી હતી. ફાજલપુર પાસે પોલીસની પીસીઆર વાને ટ્રકને ઓવરટેક કરી ફરી એક વખત રોકવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રકમાં સવાર એક શખસ ચાલકને પીસીઆર વાન ઉપર ટ્રક ચડાવી દેવા ઈશારો કરતો નજરે ચડ્યો હતો. દરમિયાન ડ્રાઇવરે સાવચેતી વાપરી પોતાની પીસીઆર વાન હટાવી લેતાં ટ્રક ફુલ સ્પીડે પસાર થઈ ગઈ હતી.

ડ્રાઇવરે પીસીઆર વાનને ડિવાઇડર ઉપર ચઢાવી દીધી
પોલીસે અવારનવાર ટ્રક રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રકચાલક ઊભો નહોતો રહ્યો. નેશનલ હાઇવે પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં. પદમલા બ્રિજ નજીક ટ્રક-ચાલકે પીસીઆર વાનને દબાવવાનો પ્રયાસ કરતાં અકસ્માત સર્જાયો હતો. પોલીસ વાન ડિવાઇડર સાથે અથડાતાં કોન્ટ્રેક્ટ પરના ડ્રાઇવર રામદાસ મેડાને ઇજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. આ અકસ્માતમાં પીસીઆર વાનને પણ નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટના સંદર્ભે કંટ્રોલને જાણ કરી હતી, જેના આધારે છાણી પોલીસે ટ્રકને ઝડપી પાડી ટ્રકમાં સવાર શખસોની સઘન પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસે ટ્રક-ચાલક અને ક્લીનરની ધરપકડ કરી.
પોલીસે ટ્રક-ચાલક અને ક્લીનરની ધરપકડ કરી.
ટાયરો ચોરી કરીને ટ્રક ભાગી રહેલી ટોળકી ગોધરાની રહેવાસી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ટ્રક-ચાલક યુનુસ રમજાની અને મોસીન હસનભાઈ મીઠા (બંને રહે. ગોધરા) હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ટ્રકમાં સવાર અન્ય સૂફિયાન મોડાસાવાલા, સોયેબ શેખ તેમજ એક અજાણ્યો શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે ટ્રકમાં ભરેલો સામાન ચોરીના ટાયરો હોવાની વિગતો સપાટી પર આવી છે. પીસીઆર વાન ડ્રાઇવરની ફરિયાદના આધારે નંદેસરી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, સરકારી કર્મચારી ઉપર હુમલો, સરકારી મિલકતને નુકસાન સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

----કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: