‘પ્રજ્ઞાનતીર્થ’, મોગરી ખાતે ભારતનો 73મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો
મોગરી સ્થિત અનુપમ મિશન પ્રેરિત યોગી વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓ આનંદ બાલવાડી, મિત્ર પુનર્વસન કેન્દ્ર, જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, ઇન્ફર્મેશન ટૅકનોલૉજી સૅન્ટર, અક્ષરપુરુષોત્તમ ટૅક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ તેમજ સહજાનંદ કલાસાધના તીર્થ દ્વારા પ્રજ્ઞાનતીર્થ-સર્વાંગી શિક્ષણ સંસ્થાન, જૂના આણંદ-મોગરી માર્ગ, મોગરી ખાતે ભારતનાં 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સલામત સામાજિક અંતર જાળવી થઈ.
સંતભગવંત પ. પૂ. સાહેબદાદાની દિવ્ય કૃપાશિષથી અનુપમ મિશનના ઉપપ્રમુખ સદગુરુ સંત પ. પૂ. અશ્વિનદાદા, અનુપમ મિશનનાં મંત્રી સદગુરુ સંત પ.પૂ. શાંતિદાદા તેમજ યોગી વિદ્યાપીઠના કુલગુરુ સદગુરુ સંત પૂ. ડૉ. રતિકાકા અને ચિફ ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એન. સી. પટેલ, ટ્રસ્ટી ભદ્રેશભાઈ દેસાઈ, બારીન્દ્રભાઈ પટેલ (યુ.કે.), ભાવેશભાઈ પટેલ (યુ.એસ.એ.), વિજયકુમાર ઠક્કર (યુ.કે.), વ્રતધારી સંતો, દેશ વિદેશથી પધારેલા મહેમાનો તેમજ શિક્ષકોની ઉપસ્થિતિમાં અનુપમ મિશન-અમેરિકાના ઉપાધ્યક્ષ એવા મુખ્ય મહેમાન શ્રી જિતેન્દ્રભાઈ પટેલ દ્વારા તિરંગાને અંતરીક્ષમાં ફરકાવવામાં આવ્યો ત્યારે સૌએ રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપતાં દેશદાઝની ઉષ્મા અનુભવી.
મુખ્ય મહેમાન પદેથી ઉદ્બોધતા શ્રી જિતેન્દ્રભાઈ પટેલે બંધારણ રચના અને તે સમયની આનુષંગિક ઘટનાઓનો ઉલ્લેખ કરી બંધારણના ઘડવૈયા તથા આઝાદીના લડવૈયાને અંજલી અર્પી જણાવ્યુ કે, ભારત એ વિશ્વમાં સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે. આપણો બ્રેઈન પાવર પણ સરસ છે. તેને યોગ્ય દિશા આપવાની જરૂર છે. અનુપમ મિશન આઈ.ટી.સી.ના માધ્યમથી ગ્રામીણ ક્ષેત્રના યુવાઓને અદ્યતન ટૅકનોલૉજી સાથેના અભ્યાસની સાથે બજારમાં ફિલ્ડમાં આવતા પડકારો અને જરૂરિયાતો અનુસાર કાર્ય કરવાની તક પૂરી પાડી પ્રોત્સાહિત કરી રહ્યું છે.
સદગુરુ સંત પ. પૂ. અશ્વિનદાદાએ આશીર્વચનમાં વસુધૈવકુટુંબકમની ભાવના પર ઝોક આપતાં જણાવ્યું કે, “આજે આપણે સંકલ્પ કરીએ કે, એક વ્યક્તિ તરીકે આપણું પાતાનું, પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની ગરિમા જળવાય, તેનું ગૌરવ વધે તેવું મારાથી કાંઇક અર્પણ થાય. આપણાં બાળકોને રાષ્ટ્રિય ગૌરવ ઉજાગર કરતા આવા કાર્યક્રમોમાં ભાગ લેતાં કરીએ. કેમકે, અહીંથી વિશ્વને પ્રેરણા આપતી વિભૂતિઓ પ્રગટી છે, જેણે સમગ્ર માનવજાતને કલ્યાણનો માર્ગ ચીંધ્યો છે. આખું વર્ષ શાળામાં વિદ્યાર્થીઓનું જીવનઘડતર કરવા, રાષ્ટ્રભાવના ઉદાત્ત કરવા પ્રેમપૂર્વક સૌ સાથે સુમેળ સાધી વ્યવહાર કરવામાં આવે તો આપણે જરૂર આવતી પેઢીને એવું કાંઇક આપી શકીશું કે, જેનાથી તેઓ રાષ્ટ્રને બહુ આગળ લઈ જશે.”
જ્ઞાનયજ્ઞ વિદ્યાલય ધો. 10ની વિદ્યાર્થિની આશકા શાહે જોશીલું વક્તવ્ય આપ્યું. યોગી વિદ્યાપીઠના કુલગુરુ સદગુરુ સંત ડૉ. રતિકાકાએ મંચસ્થ મહેમાનોને સ્મૃતિચિહ્ન પાઠવી અભિવાદન કર્યું. જ્ઞાનયજ્ઞ વિદ્યાલય ધો. 10ની વિદ્યાર્થિની વિધિ પટેલે સુંદર સભા સંચાલન કર્યું. જ્ઞાનયજ્ઞ વિદ્યાલય તથા સહજાનંદ કલાસાધના તીર્થના સંગીત શિક્ષકો દ્વારા દેશભક્તિ ગીતગાન પ્રસ્તુત કરવામાં આવ્યાં.
આ પ્રસંગે શાળાના એન.સી.સી. બેન્ડના કેડેટ્સ, મહેમાનોને માર્ચ પાસ્ટથી સભા સ્થળે દોરી લાવનાર એન.સી.સી. બેન્ડની કેડેટ્સ વિદ્યાર્થિનીઓ ,ઉદઘોષક વિધિ પટેલ તથા પ્રસંગોચિત વક્તવ્ય આપનાર આશકા શાહનું મંચસ્થ મહાનુભાવો તથા વિદેશના નિમંત્રિત અતિથિઓના હસ્તે પુરસ્કાર એનાયત કરી બહુમાન કરાયું.
આચાર્યશ્રી નરેશભાઈ પટેલે કાર્યક્રમની સફળતામાં સહભાગી સૌ પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી.
--કલ્પેશ પટેલ,આણંદ
મો-૯૮૭૯૪૦૭૭૭૪
0 comments: