Monday, 22 July 2019

દેડીયાપાડા તાલુકાના ગોપાલીયા ગામના સુમિત્રાબેન વસાવા કુંવારા રહીને મૃતક ભાઇ-ભાભીના સંતાનોને સરકારની પાલક માતા-પિતા યોજના હેઠળ યોગ્ય ઉછેર સાથે શ્રેષ્ઠ શિક્ષણની જવાબદારી નિભાવી રહયાં છેઃ

SHARE

દેડીયાપાડા તાલુકાના ગોપાલીયા ગામના સુમિત્રાબેન વસાવા કુંવારા રહીને મૃતક ભાઇ-ભાભીના સંતાનોને સરકારની પાલક માતા-પિતા યોજના હેઠળ યોગ્ય ઉછેર સાથે શ્રેષ્ઠ શિક્ષણની જવાબદારી નિભાવી રહયાં છેઃ



આજ દિન સુધી રૂા.૧.૦૨ લાખની ચૂકવાયેલી સરકારી સહાય

નર્મદા જિલ્લામાં પ્રતિમાસ રૂા. ૧૩.૮૯ લાખની સહાય સાથે ૪૬૩ લાભાર્થીઓ માટે વરદાનરૂપ બની રહેલી સરકારની પાલક માતા-પિતા યોજના
       
         રાજપીપલા:- નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગોપાલીયા ગામના રહીશ આશરે ૪૫ વર્ષીય શ્રીમતી સુમિત્રાબેન આંટીયાભાઇ વસાવા કે, જેઓ ગોપાલીયા પ્રાથમિક આરોગ્ય  કેન્દ્ર ખાતે આશા ફેસીલેટર તરીકેની સરકારી સેવાઓ આપીને તેમના કુટુંબનું ભરણ-પોષણ તો કરે છે. પરંતુ પોતાના ભાઇ અને ભાભીના આકસ્મિક નિધનને લીધે નિરાધાર બનેલ ભાઇના બે સંતાનો ઉર્વશીબેન અને યુવરાજના પાલન-પોષણ માટે સરકારશ્રીની આર્થિક સહાયના સથવારે સંપૂર્ણ જવાબદારી સુમિત્રાબેન વસાવાએ ઉપાડી લીધી છે. આમ, સરકારશ્રીના સમાજ સુરક્ષા વિભાગના બાળ સુરક્ષા એકમ દ્વારા અમલી પાલક માતા-પિતા યોજના ઉર્વશી અને યુવરાજ માટે વરદાનરૂપ પૂરવાર થઇ છે.

          તા. ૧૧/૬/૨૦૧૦ ના રોજ વિજ કરંટ લાગવાથી પોતાના ભાઇ શ્રી પ્રતાપભાઇ આંટીયાભાઇનું આકસ્મિક નિધન થયું હતું, ત્યારબાદ તેમના ભાભી શ્રીમતી નોરતીબેન પ્રતાપસિંહ વસાવા પણ માનસિક આઘાતના કારણે બિમાર થઇ જવાથી તેમનું પણ તા. ૧૧/૭/૨૦૧૦ ના રોજ નિધન થયું હતું, આમ સુમિત્રાબેન પર સમગ્ર પરિવારની જવાબદારી આવી જતાં, આઘાતજનક પરિસ્થિતિમાં અનાથ-નિરાધાર બનેલા બંને સંતાનોનું સુમિત્રાબેન પોતે કુંવારા રહીને પોતાની ૮૦ વર્ષની લકવાગ્રસ્ત વૃધ્ધ માતા સાથે રહીને એકલા હાથે પાલન પોષણ કરી રહયાં છે. રાજય સરકારની પાલક માતા-પિતા યોજના હેઠળ રૂા. ૩૦૦૦/- લેખે આ બંને સંતાનો માટે માસિક રૂા. ૬૦૦૦/- જેવી સહાય અને  નેશનલ સોશિયલ અસિસ્ટન્ટ પ્રોગ્રામના (N.S.A.P.) ના પોર્ટલ પરથી D.B.T ડાયરેકટ બેનીફીસીયલ ટ્રાન્સફરની મદદથી લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે. સરકારશ્રીની આ યોજનાના લાભ થકી આજે ઉર્વશીબેન વસાવાએ આ યોજનાની સહાયથી આણંદ ખાતે નર્સીગ કોલેજમાં બીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે, જયારે યુવરાજ વસાવા હાલમાં ધો-૧૨ માં અભ્યાસ કરી રહયો છે. બંન્ને બાળકો અભ્યાસમાં ખૂબ હોશિયાર હોવાથી તેમનાં શૈક્ષણિક કાર્યમાં પણ તેઓ શ્રેષ્ઠ દેખાવ કરી રહયા છે. સુમિત્રાબેન વસાવા જણાવે છે કે, સરકારશ્રીની પાલક માતા-પિતા યોજના હેઠળ મારા બંને ભત્રીજા-ભત્રીજીને મળી રહેલી સરકારી સહાયને લીધે આજે હું તેમનુ સારી રીતે ભરણ પોષણ કરી રહી છું. અને તેઓ સારૂ શિક્ષણ મેળવી રહયા છે, જેથી મારા ભત્રીજા-ભત્રીજી માટે સરકારની યોજના સાચા અર્થમાં વરદાનરૂપ સાબિત થઇ છે.

          અત્રે ઉલ્લેખનીય છે કે, રાજય સરકારનસમાજ સુરક્ષા વિભાગ હેઠળ બાળ સુરક્ષા એકમ દ્વારા અમલી પાલક માતા-પિતા યોજના હેઠળ કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો તેમજ કાયદાના સંપર્ક-સંઘર્ષમાં આવેલ બાળકો સાથે કામગીરી કરી રહયું છે. સરકારશ્રીની પાલક માતા-પિતા યોજના હેઠળ ૦ થી ૧૮ વર્ષની ઉંમરના અનાથ (માતા-પિતા મૃત્યુ પામેલ હોય) નિરાધાર બાળક અથવા તો ૦ થી ૧૮ વર્ષની ઉંમરના બાળકોના માતા-પિતા પૈકી પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુન: લગ્ન કરીને બાળકોને ત્યજેલ હોય તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજનામાંથી સંપૂર્ણ વિગતોથી અરજદારને વાકેફ કરવામાં આવે છે. અને સરકારશ્રી તરફથી આ યોજના અંતર્ગત અનાથ બાળકોને દર માસે રૂા. ૩૦૦૦/- ની સહાય અભ્યાસ અને ભરણપોષણ માટે અપાઇ રહી છે. નર્મદા જિલ્લામાં હાલમાં કુલ ૪૬૩ લાભાર્થીઓને રૂા. ૩૦૦૦/- લેખે માસિક રૂા. ૧૩.૮૯ લાખની સહાય ચૂકવાઇ રહી છે.

          સુમિત્રાબેનના બંને ભત્રીજા-ભત્રીજીને ગત તા. ૭ મી જાન્યુઆરીથી પાલક માતા-પિતા યોજના હેઠળ અત્યાર સુધી રૂા. ૧.૦૨ લાખની ચૂકવાયેલી સહાયની રકમનો ઉપયોગ પાલકમાતા સુમિત્રાબેન વસાવા દ્વારા આ બાળકોના અભ્યાસ અર્થે કરેલ છે. અને પોતાના સંતાનોની જેમ જ યોગ્ય દેખરેખ અને કાળજી રાખતા સુમિત્રાબેન આ બાળકોનું  ભવિષ્ય ઉજજવળ બનવાની સાથે આર્થિક રીતે પગભર થાય તેવું સ્વપ્ન સેવી રહયાં છે, ત્યારે જિલ્લાના ૪૬૩ જેટલાં આવા લાભાર્થીઓ માટે સરકારશ્રીની આ યોજના નિરાધારના આધાર રૂપે સાચા અર્થમાં સાર્થક બની રહી છે.

SHARE

Author: verified_user

0 comments: