સુજલામ સુફલામ જળસંચય
અભિયાન : ૨૦૧૯
વડોદરા જિલ્લામાં
વરસાદી પાણીનો સંગ્રહ વધારતા ૩૪૪ કામો પૂરાં કરીને
જળસંગ્રહ ક્ષમતામાં
૬.૮૧ લાખ ઘનમીટર જેટલી અભિવૃદ્ધિ કરાઇ
૧૦૦ કિમી લંબાઇમાં
કાંસોની સફાઇથી જળભરાવ અટકશે :
ત્રણ ચેકડમોની
સફાઇથી વધુ પાણી રોકી શકાશે
૩૦ જેટલી સંસ્થાઓ
સહયોગી બની :
ઘણાં કામો ૧૦૦ ટકા
લોકભાગીદારીથી પૂરાં કરાયા
વડોદરા- રાજ્ય
સરકારે સતત બીજા વર્ષે ચોમાસાના પાણીને તળાવો,
ખેત તલાવડીઓ, વન તલાવડીઓમાં ભરી લઈને રાજ્યને જળ આશ્વસ્ત વોટર સીક્યોર કરવા બળબળતા
ઉનાળામાં, લોકો અને સંસ્થાઓના સહયોગથી રાજ્યવ્યાપી
સુજલામ સુફલામ જળસંચય અભિયાન હાથ ધર્યું હતુ. વડોદરા જિલ્લામાં જિલ્લા કલેકટર
શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરીની નિગરાણી
હેઠળ વ્યાપક જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ જેને નોંધપાત્ર સફળતા મળી છે.
સન ૨૦૧૯ના ઉનાળામાં જિલ્લામાં જળસંચયના
૩૪૪ કામો સંકલિત રીતે પૂરાં કરીને તળાવો, તલાવડીઓ સહિતના જળભંડારોની વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતામાં ૬૮૧૯૫૭.૯૬ ઘનમીટર
જેટલો નોંધપાત્ર વધારો કરવામાં સફળતા મળી છે. ચોમાસાની સારી શરૂઆતના પગલે તળાવો
ઇત્યાદીની જળસમૃદ્ધિ વધવાના મંગળ સંકેત મળી રહ્યા છે.
વડોદરા જિલ્લામાં જળસંચય અભિયાનનું સંકલન
જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતુ. તેના દ્વારા મળતી માહિતી
અનુસાર મુખ્યત્વે જળસંગ્રહ ક્ષમતા વધારવાના હેતુસર તળાવો ઉંડા કરવાની સાથે
ચોમાસામાં જળભરાવ અટકાવવા અને જળસ્ત્રોતોમાં પાણીનો આવરો વધારવા વિવિધ કાંસોની ૧૦૦
કિમી લંબાઇમાં સફાઇના કામો પૂરાં કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચેકડેમોમાં વધુ પાણી
વધુ લાંબા સમય સુધી રોકાઇ રહે તે માટે ૩ ચેકડેમોનું ડિસીલ્ટીંગ એટલે કે કાંપ સફાઇ
કરવામાં આવી છે. કુલ ૩૦૨ જેટલા તળાવો અને ખેત તલાવડીઓને અભિયાન હેઠળ ઉંડા કરવામાં
આવ્યા છે. આ તમામ કામોના પરિણામે વડોદરા જિલ્લો વર્ષના અમૃતજળના સંગ્રહ માટે નવી
ક્ષમતા સાથે સુસજ્જ બન્યો છે.
મળતી માહિતી પ્રમાણે વડોદરા તાલુકામાં ૨૨, ડેસર તાલુકામાં ૧૦ (૨ ચેકડેમોની સફાઇ સહિત), વાઘોડિયા તાલુકામાં ૨૧, શિનોર તાલુકામાં ૧૧, કરજણ તાલુકામાં સહુથી વધુ ૪૪, ડભોઇ તાલુકામાં ૧૯, સાવલી તાલુકામાં ૨૬ અને પાદરા તાલુકામાં ૩૭ કામો દ્વારા જિલ્લાની
જળસંગ્રહ ક્ષમતામાં સાર્વત્રિક વધારો કરવામાં આવ્યો છે. તાલુકાઓમાં મુખ્યત્વે
તાલુકા પંચાયતોની દેખરેખ હેઠળ લોકો અને સંસ્થાઓના સહયોગથી કામો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના સિંચાઇ વિભાગે ખાતાકીય
કામોના ભાગરૂપે જળસંચયના ૨૬ કામો પૂરાં કર્યા છે જેમાં તળાવો ઉંડા કરવાના ૧૪ કામો, કાંસની સફાઇના ૧૨ અને આડબંધની સફાઇના ૧ કામનો સમાવેશ થાય છે. વડોદરા
મહાનગરપાલિકા તેમજ જિલ્લાની ચાર નગરપાલિકાઓએ તેમના વિસ્તારમાં તળાવો ઉંડા કરવાના
૦૯ કામો પૂરાં કર્યા છે. વમપાએ એક કામ લોકભાગીદારીથી કર્યું છે. જ્યારે પંચાયત
સિંચાઇ વિભાગે તળાવો ઉંડા કરવાના ૪ કામો, આર એન્ડ બી પંચાયત વિભાગે ૦૨ કામો તથા
રાજ્ય માર્ગ અને મકાન વિભાગે ૦૪ કામો પૂરાં કર્યા છે. સામાજિક વનીકરણ વિભાગે ૨૪ વન
તલાવડીઓ/ખેત તલાવડીઓ બનાવી છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ જળસંચય ક્ષમતા
વધારવા આયોજિત કરેલા ૮૫ કામો પૂરાં કરીને જળભંડારણની તાકાતમાં વધારો કરવાની સાથે
૧૬૯૧૯ માનવ દિવસ રોજગારીનું સર્જન કર્યુ છે. જળસંચયના કામોમાં ઔદ્યોગિક એકમો, વિવિધ સંસ્થાઓએ સહયોગ આપ્યો છે અને ૮૦:૨૦ના સરકારી ધારાધોરણોને વળગી ન
રહેતા ૧૦૦ ટકા લોકભાગીદારીથી કામો કર્યા છે.
જે જળભંડારણ ક્ષમતા વધી છે એ ૬૮૧૯૫૭.૯૬
ઘનમીટર માટીના ખોદાણથી વધી છે. આ માટી સ્વખર્ચે પરિવહનની શરતે જરૂરિયાતવાળા
ખેડૂતોને આપવાની સાથે સરકારના અન્ય જાહેર કામોમાં વાપરવામાં આવી છે. આ કામો માટે
જેસીબી/હિટાચી જેવા ૨૭૯૧ યંત્રો, ૭૯૮૯ ટ્રેકટર્સને ઉપયોગમાં લેવામાં આવ્યા
છે.
વરસાદ
એ કુદરતી નળ છે. આપણા ઘરોમાં જ્યારે નળવાટે પાણી આવે છે ત્યારે આપણે માટલાં, કોઠીઓ સહિતના પાત્રોમાં પાણી ભરી લઈએ છે અને નળ બંધ
કરીને વધારાનું પાણી ઘરમાં છલકાતું અટકાવીએ છે. પરંતુ વરસાદનું પાણી કુદરતી નળમાં
પાણીનો પ્રવાહ બંધ કરવાની કોઇ વ્યવસ્થા નથી. એટલે મેઘો જેટલો વરસે એનું મહત્તમ
પાણી સંગ્રહી લેવામાં જ શાણપણ ગણાય. એટલે જળસંચયને માત્ર સરકારી જવાબદારી ન ગણતા
વ્યક્તિગત, સામુહિક અને સંસ્થાકીય વ્યાપક
પ્રયાસો ઇચ્છનીય છે.





0 comments: