Sunday, 14 July 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વન વિભાગ ધ્વારા હાથ ધરાયેલા અને પ્રગતિ હેઠળના જુદા જુદા પ્રોજેકટની મૂલાકાત લઇ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતાં વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા

SHARE
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વન વિભાગ ધ્વારા હાથ ધરાયેલા અને પ્રગતિ હેઠળના જુદા જુદા પ્રોજેકટની મૂલાકાત લઇ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતાં વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા




વન વિભાગના ૩૫ પ્રોજેકટ અંતર્ગત ૧૮ જેટલા પ્રોજેકટની કામગીરીની સાથોસાથ જંગલ સફારી પાર્કની કામગીરી પણ પૂરજોશમાં : ૧૮૦૦ જેટલા પક્ષીઓ-પ્રાણીઓ અહીં લાવવાની તૈયારીઓ પૂર્ણ : જંગલ સફારી પાર્કની આગામી ટુંક સમયમાં પૂર્ણ થશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂા.૪ હજાર કરોડની જોગવાઇ

સિંહોના રક્ષણ અને તેના સંવર્ધન માટે રૂા.૩૫૦ કરોડની યોજના:  માનવ હોસ્પિટલની જેમ અત્યંત આધુનિક હોસ્પિટલ બનાવાશે: અધતન સુવિધા અને લેટેસ્ટ સાધનો સાથે ચાર એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ કરાશે.

મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ
પ્રતિમાના ચરણોમા કરી ભાવવંદના




     રાજપીપલા:- ગુજરાતના આદિજાતિ કલ્યાણ,વન, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ આજે સવારે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાત દરમિયાન એકતા નર્સરી, બટર ફલાય ગાર્ડન,ક્રેકટસ ગાર્ડન વગેરે સ્થળોની મૂલાકત લઇ વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા જુદા જુદા પ્રોજેકટસ અંતર્ગત પ્રગતિ હેઠળની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ કામગીરી સમયસર અને ગુણવત્તાયુક્ત બની રહે તે જોવાની પણ મંત્રીશ્રીએ અમલીકરણ અધિકારીઓને સ્થળ ઉપર ખાસ સૂચનાઓ આપી હતી.
               વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની આજની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાત દરમિયાન મંત્રીશ્રીના ધર્મપત્નિ શ્રીમતી નિલમબેન વસાવા અને તેમના કુટુંબીજનો પણ આ પ્રવાસમાં સાથે જોડાયાં હતાં. મંત્રીશ્રી વસાવાએ નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી તેમજ ડેમની અંદર યાંત્રિક બોટમાં બેસીને ૫ હજાર વર્ષ જુના ડુબમાં ગયેલ શુલપાણેશ્વર મંદિર નજીક કે જયા નર્મદા નદી-દેવ નદી અને ભાનુમતી નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે, તે ત્રિવેણી સંગમ સ્થળના દર્શનનો લ્હાવો પણ તેમણે હતો. 
    કેવડીયા કોલોનીમાં એકતા નર્સરી ખાતે માધ્યમો સાથેના સંવાદમાં વન મંત્રીશ્રી ગણપસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ વિશ્વ અને ભારતના પ્રવાસીઓ ગુજરાત તરફ વળ્યા છે. દરેક પ્રવાસીઓ સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમાના દર્શન કર્યા બાદ અહીં વેલી ઓફ ફલાર્વર સહિતના અન્ય આકર્ષણો વગેરેનો લ્હાવો માણી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓને મનોરંજન પ્રોજેક્ટસ સહિતની અન્ય જાણકારીની વિગતો મળી રહે તે માટે રાજય સરકાર ધ્વારા હાથ ધરાયેલ અનેકવિધ પ્રોજેકટની કામગીરી પ્રગતિ હેઠળ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

             વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં કેવડીયા ખાતે વન વિભાગ ધ્વારા ૩૫ જેટલા પ્રોજેકટ હાથ ધરાયા છે, તે પૈકી ૧૮ જેટલા પ્રોજેકટ પૂરજોશમાં ચાલી રહયાં છે. જંગલ સફારી પાર્કનું કામ પણ પૂરજોશમાં ચાલી રહયું છે. દેશ અને વિશ્વમાંથી ૧૮૦૦ જેટલા પક્ષીઓ-પ્રાણીઓ અહીં લાવવાની તૈયારીઓ થઇ ચૂકી છે અને જંગલ સફારી પાર્કની પ્રથમ તબકકાની કામગીરી આગામી ટુંક સમયમાં પૂર્ણ કરાશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
               હાલના વડાપ્રધાનશ્રીએ ગત ૨૦૦૧માં જયારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો પદભાર સંભાળ્યો હતો તે અગાઉ મહિલા અને બાળ વિકાસ વિભાગ અલગ હતો નહી. પરંતુ મુખ્યમંત્રીશ્રી તરીકે જે તે સમયે નરેન્દ્રભાઇ મોદીએ પદભાર સંભાળ્યા બાદ મહિલા અને બાળ વિકાસ વિભાગનું અલગ સ્વતંત્ર મંત્રાલય શરૂ કરીને તેના નાનકડા બજેટમાં વધારો કરીને આજે આ વિભાગ માટે રૂા.૪ હજાર કરોડની જોગવાઇ કરાઈ છે. ગુજરાતમાં  ૫૦ હજાર કરતા વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. ૧૪ જિલ્લાના આંગણવાડીના બાળકો અને ધો-૧ થી ૮ ના બાળકોને રૂા.૨૦૦ કરોડના ખર્ચે દુધ સંજીવની યોજના હેઠળ ફલેવર્ડ દુધ આપવામાં આવી રહયું છે. કેન્દ્રમાં ન આવતી હોય તેવી કિશોરીઓ, બાળકો અને ધાત્રી માતાઓ માટે ટેક હોમ રાશન યોજના પણ અમલમાં મૂકી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આ વર્ષે વ્હાલી દિકરી નવી યોજના લઇને આવ્યા છે, જેમાં ધો-૧ માં પ્રવેશ મેળવનાર દિકરીને રૂા. ૪ હજાર અને ધો-૯ માં પ્રવેશ મેળવે ત્યારે રૂા. ૬ હજાર અને દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે રૂા. એક લાખ રાજય સરકાર તરફથી અપાશે તેમ પણ તેમણે ઉમેયું હતું.
               મંત્રીશ્રી વસાવાએ માધ્યમો સાથેના સંવાદમાં વધુમાં ઉમેર્યું હતું કે, સિંહોના રક્ષણ અને તેના સંવર્ધન માટે રૂા.૩૫૦ કરોડની યોજના તૈયાર કરાઇ છે.  માનવ હોસ્પિટલની જેમ અત્યંત આધુનિક હોસ્પિટલ બનાવાશે. અધતન સુવિધા અને લેટેસ્ટ સાધનોથી સજજ ચાર એમ્બ્યુલન્સ વાનની ખરીદી કરાઇ છે. જર્મનીથી કોલર આઇડી પણ મંગાવામાં આવ્યાં છે.   
               વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં વંદન કર્યા હતાં. ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુંઇંગ ગેલેરી ખાતેથી માતા નર્મદા અને વિધ્યાંચળ-સાતપુડાની ગિરીકંદરાઓના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો પણ માણ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મ્યુઝીયમમાં સરદાર સાહેબના જીવન કવનને આવરી લેતા તસ્વીરી પ્રદર્શન અને દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન પુર્વ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, વન સંરક્ષકશ્રી ડૅા. કે. શશીકુમાર અને નાયબ વન સંરક્ષકશ્રી પ્રતિક પંડ્યા પણ હાજર રહ્યા હતા.


                આજે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાત અગાઉ સવારે શુલપાણેશ્વર મંદિર ખાતે પૂજન વિધીમાં ભાગ લઇ પૂજા-અર્ચના કરી હતી. મંત્રીશ્રી વસાવાની કેવડીયા કોલોનીની આ મૂલાકાત દરમિયાન ગઇકાલે સાંજે તેઓશ્રીએ મેપીંગ પ્રોજેકશન શો- લેઝર શો પણ નિહાળ્યો હતો.

 
SHARE

Author: verified_user

0 comments: