Saturday, 6 July 2019

વડોદરાના બીલના તરવરીયા યુવા ખેડુત વિશાલભાઇ પટેલ --મદન મોગરો, ગુલાબ અને પારસ ફુલોની ખેતી સંતોષકારક અને વધુ વળતરદાયી છે

SHARE
મદન મોગરો, ગુલાબ અને પારસ ફુલોની
ખેતી સંતોષકારક અને વધુ વળતરદાયી છે

 વિશાલભાઇ ખેતરમાં ઉત્પાદિત ફૂલો બેંગ્લોર-હૈદરાબાદ ખાતે બાય એર મોકલીને સારી એવી
કમાણી કરી રહ્યા છે

વિશાલભાઇ ગામના જ ૨૦ વ્યક્તિઓની  રોજગારી પૂરી પાડી રહ્યા છે
વડોદરાના બીલના તરવરીયા યુવા ખેડુત  વિશાલભાઇ પટેલ

વડોદરા-  બાગાયતી પ્રવૃત્તિમાં પ્રેરણાદાયી એવા તરવરીયા યુવાન વિશાલભાઇને મળીને થાય કે ઓછા ખર્ચે સાહસ, મહેનત, ખંત અને ધગશથી પારંપારિક પ્રવૃત્તિ કરીને બીજા ખેડુતો માટે પણ આવક સાથે સમૃધ્ધિનો દ્વાર ખોલી શકાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ વડોદરાના બીલના પ્રગતિશીલ ખેડૂત વિશાલભાઇએ પુરૂં પાડયું છે.

        અહીં તમને વાત કરવી છે વડોદરાના બીલમાં વસવાટ કરતા શ્રી વિશાલભાઇ પટેલની કે જેઓએ માત્ર ધો.૧૨ સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો છે. તેવા  ૩૨ વર્ષના યુવા પ્રગતિશીલ ખેડૂતની.
તેમના ખેતરની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું ક, મારા પિતા શ્રી ઠાકોરભાઇ અને મારા દાદા પણ આ રીતે બાગાયતી ખેતી કરતા હતા તે જોઇને મને પણ તેમનો આ વ્યવસાય અપનાવવાનું પહેલેથી પસંદ હતુ. ખેતરમાં મુખ્યત્વે મદન મોગરો, ગુલાબ અને પારસ થાય છે તેના સાથે ગલગોટા, વીજળી અને સેવંતીની ખેતી થાય છે. મારી આ ખેતી સાથે અન્ય બિલ અને દરાપુરાના ૩૫-૩૭ ખેડુતો પણ ફુલની ખેતી કરે છે, તેમના ફુલોની પણ ખરીદી કરીને વેચાણ માટે મોકલવામાં આવે છે.

વધુમાં શ્રી વિશાલભાઇએ કહ્યું કે, બેંગ્લોર-હૈદરાબાદ ખાતે બાય એર અને ભાવનગર, અમદાવાદ, ભરૂચ, સુરત, ભોપાલ, મુંબઇ, પુણે, કોટા-રાજસ્થાન અને દિલ્હી ખાતે બાય ટ્રેન ફુલો મોકલી રહ્યો છું તેની સાથોસાથ  વડોદરાના ફુલ બજારમાં પણ ફુલોનું વેચાણ કરવામાં આવે છે. વાતવાતમાં તેમણે કહ્યું કે, બાગાયતી ખેતીમાં ઓછામાં ઓછા રોજના ૨૦ મજૂરોની જરૂરિયાત રહે છે. જે મજૂરો સ્થાનિક સ્તરે  મજૂરી માટે મળી રહે છે જેથી તેમને રોજગારી માટે અન્ય જવાની જરૂર રહેતી નથી. આમ વિશાલભાઇ પોતે તો ખેતી કરે છે પણ સાથોસાથ સ્થાનિક ૨૦ લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે.

વિશાલભાઇએ તેમની છેલ્લા પાંચ વર્ષની ખેતીનો અનુભવ જણાવતા કહ્યું કે, પારંપારિક ખેતીને બદલે ઓછી મહેનત અને ઓછા ખર્ચે ફુલોની ખેતીમાં ત્રણ ગણી વધુ આવક થાય છે. ફુલોની ખેતી સંતોષકારક અને વધુ વળતરદાયી છે. આ ખેતીથી થતાં આર્થિક ફાયદાને ધ્યાને લઇ અન્ય ખેડૂતો પણ ભેગા મળી બાગાયતી ખેતીમાં સહભાગી બન્યા છે. આ ફુલોની ખરીદી કરી વેચાણ વ્યવસ્થા મેં સંભાળી લીધી  છે. આમ, ફુલોની ખેતી અને તેનું વેચાણ અમારા બિલના કેટલાય પરિવારોને આર્થિક રીતે સધ્ધર બનાવે છે.

મદદનીશ બાગાયત નિયામકશ્રી કેતનભાઇ પટેલે જણાવ્યું કે, ખેડુતશ્રી વિશાલભાઇએ આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરી હતી. રાજય સરકારના બાગાયત વિભાગની છૂટાં ફુલ છોડ સહાય યોજના અંતર્ગત તેમને વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન રૂ. ૩૩ હજારની રકમની સહાય ચૂકવવામાં આવી છે.  
SHARE

Author: verified_user

0 comments: