Saturday, 6 July 2019

રોટાવાયરસથી થતા જીવલેણ ઝાડાથી બાળકોને બચાવવા જિલ્લા આરોગ્ય તંત્રએ નિયમિત રસીકરણમાં રોટાવાયરસના રસીપાનનો સમાવેશ કર્યો છે

SHARE
રોટાવાયરસથી થતા જીવલેણ ઝાડાથી બાળકોને બચાવવા જિલ્લા આરોગ્ય તંત્રએ
નિયમિત રસીકરણમાં રોટાવાયરસના રસીપાનનો સમાવેશ કર્યો છે


 બાળકોને જુદાં જુદાં કારણોસર વર્ષમાં ત્રણ વાર ઝાડા થવાની શક્યતા રહે છે


ચાણોદ પીએચસીના નર્સ બહેને મીકીમાઉસ દ્વારા બાળકને રસીપાનની સુંદર રંગોળી દોરી છે
વડોદરા- રોટાવાયરસથી થતાં જીવલેણ ઝાડાથી બાળકોને બચાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નિયમિત રસીકરણના પેકેજમાં રોટાવાયરસના રસીપાનનો સમાવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે માતાનું ધાવણ છોડાવવામાં આવે ત્યારે, દાંત આવતા હોય ત્યારે, કોઇ દૂષિત વસ્તુ મ્હોંમાં નાંખવાથી જેવા જુદાં જુદાં કારણોસર શિશુઓને વર્ષમાં ત્રણવાર ઝાડા થવાની શક્યતા રહે છે. કિન્તુ, ૯૦ ટકા ઝાડા થવાનું કારણ રોટાવાયરસ હોય છે અને આ ઝાડા જીવલેણ બની શકે છે. તેને અનુલક્ષીને બાળકોને રોટાવાયરસ પ્રતિરોધક રસી પીવડાવવાનું તા. ૧લી જુલાઇથી વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રએ શરૂ કર્યુ છે.

        મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય તિલાવતે જણાવ્યું કે, રોટાવાયરસથી થતાં ઝાડા પાણી જેવા હોય છે અને સતત ત્રણ દિવસ થાય છે. તે પછી ઉલટીઓ થવાની શક્યતા રહે છે જેના પગલે શરીરમાંથી પાણી ઘટી જતાં બાળક માટે ઘણીવાર આ ઝાડા જીવલેણ બને છે. ચાણોદ પીએચસીના એ.એન.એમ. હિનાબહેને મિકી માઉસ દ્વારા બાળકને રોટાવાયરસ રસીપાન કરાવતું હોય એવી સુંદર રંગોળી દોરી છે જે બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ રસી બાળકના મ્હોમાં ઈન્જેક્શનની સીરીંજનો પિચકારી તરીકે ઉપયોગ કરીને છંટકાવના રૂપમાં આપવામાં આવે છે એટલે ખૂબ સરળતાથી આપી શકાય છે. જિલ્લા આરોગ્યતંત્ર આ રસીપાન વિનામૂલ્યે કરાવે છે. ખાનગી દવાખાનાઓમાં  આ રસીપાન ખર્ચાળ હોય છે. અત્યારે જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે બાળકોને રસીપાન કરાવવામાં આવી રહ્યું છે. જન્મના પહેલા વર્ષે બાળક એક વર્ષનું થાય ત્યાં સુધીમાં ૬, દસ અને ૧૪ અઠવાડિયાની ઉંમરે બાળકોને રોટાવાયરસથી સુરક્ષિત રાખવા ન્યુ ઇન્ડિયન રોટા વાયરસ વેકસીન પીવડાવવામાં આવે છે. મમતા દિવસની ઉજવણીમાં રસીકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રત્યેક વખતે ૨.૫ મીલી રસી મોઢા વાટે આપવામાં આવે છે. બાળકોને સુરક્ષિત કરવા માટે માતા-પિતા અને વાલીઓ જાગૃતિ દાખવીને આ રસીનું સેવન કરાવે એવો અનુરોધ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ કર્યો છે. પહેલા જાગૃત વાલીઓ ખાનગી દવાખાનાઓમાં નાણાં ખર્ચીને આ રસીપાન કરાવતા અને સરકારી તંત્રમાં વારંવાર ઝાડા થતા હોય એવા જોખમી બાળકોને જ આ રસીપાન કરાવાતું. હવે લાયક વયજૂથના તમામ બાળકોને સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે રસીપાન કરાવી શકાય છે.

SHARE

Author: verified_user

0 comments: