2024 સુધીમાં ગુજરાતી છોકરો કે છોકરી ભારતીય
હોકી ટીમમાં જગ્યા મેળવી લેશે
હોકીના મહાગુરુ
ધનરાજ પિલ્લાઈનો આશાસભર આત્મ વિશ્વાસ
વડોદરા - ધનરાજ પિલ્લાઇ સર ભારતને ગૌરવ અપાવનારા વર્લ્ડકપર અને
ઓલિમ્પિયન છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે વડોદરામાં હોકી અકાદમી શરૂ કરી
છે. તેઓ ગુજરાતના બાળકિશોરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હોકી માટે લાયક બનાવવા
કપરો પરિશ્રમ કરી રહ્યા છે. ઉંમરના આ પડાવે તેઓ યુવાનને શરમાવે એટલા તરવરીયા, ચુસ્ત અને સ્ફૂર્તિલા છે તથા મેદાન પરનું વાતાવરણ એક મિત્ર અને વડીલની
જેમ વર્તીને હળવુંફુલ રાખે છે એટલે તાલીમાર્થીઓ ખૂબ આત્મવિશ્વાસથી તાલીમ લઈ શકે
છે.
હોકીસ્ટાર શ્રી ધનરાજની એક ખાસિયત એ પણ છે કે તેઓ
હોકીના લીજેન્ડ હોવા ઉપરાંત વ્યક્તિગતરીતે તેઓ ખૂબીઓથી ભરેલા છે. તેમના સાથે પરિચય
ભલે નવો હોય પણ હાથ મિલાવીને અભિવાદન કરીને વાત કરવાનું શરૂ કરે છે. એમનામાં
અત્યંત સાદગી અને ગજબ સેન્સ ઓફ હ્યુમર છે. એમને હોકીના ચાહકોને મળવાનું પણ ગમે
એવો એમનો સ્વભાવ છે. ફોટોગ્રાફ-ઓટોગ્રાફ માટે પૂછતાં તેઓ સહમત થાય અને એ એમના સાથે
ચા પીવા પણ આગ્રહ કરે.
શ્રી ધનરાજ મેદાન પર સમયના ખૂબ પાબંદ છે અને રમતમાં જરાપણ
આઘું-પાછું ચલાવે તેમ નથી. તેમને એકેએક તાલીમાર્થીઓના નામ કંઠસ્થ છે તેઓ વરસતા
વરસાદે પણ મેદાનમાં રમત રમી ખેલાડીઓને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા રહે છે.
આવા અદભૂત શ્રી ધનરાજ પિલ્લાઇ સરે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખૂબ જ આત્મવિશ્વાસથી ભરેલા
આશાવાદથી જણાવ્યું કે, સન 2024 સુધીમાં કોઈ ગુજરાતી છોકરો
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષા માટેની ઇન્ડિયન હોકી સ્ક્વોડમાં અવશ્ય સ્થાન
મેળવશે. તેમણે રામતવીરોના ઘડતર માટે જરૂરી સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ
કરાવવાની રાજ્ય સરકારની નિષ્ઠા અને તત્પરતાને બેનમૂન ગણાવતા કહ્યું કે, દેશના અન્ય કોઈ રાજ્યમાં ગુજરાત જેવી સકારાત્મકતા રમત ક્ષેત્ર માટે નથી.
માત્ર હોકી નહીં પરંતુ મોટાભાગની જાણીતી રમતો માટે સુવિધા સંપન્ન વ્યવસ્થાઓ
રાજ્યમાં ઉભી કરાઈ છે.
તેમણે
જણાવ્યું કે, એક એવો સમય હતો કે ગુજરાતની હોકી ટીમ
તમામ આંતરરાજ્ય કે રાષ્ટ્રીય હોકી સ્પર્ધાઓમાં છેલ્લા ક્રમે રહેતી અને ગુજરાતની
ટીમ સામે 10 થી વધુ ગોલ સ્કોર કરવા એ રમત વાત ગણાતી. આજે
ગુજરાતની હોકી ટીમની રાષ્ટ્રીયસ્તરે નોંધ લેવાય છે, ચર્ચા થાય છે. નેશનલ
સ્પર્ધાઓમાં એટલીસ્ટ ક્વાર્ટર ફાઇનલ સુધી ગુજરાતની ટીમ પહોંચે છે અને ગુજરાતના
છોકરા-છોકરીઓ હોકીની રાષ્ટ્રીય અકાદમીમાં તાલીમ માટે પસંદ થાય છે જે ઉજ્જવળ
ભવિષ્યની આશા જગવે છે.
એમણે કહ્યું કે, ક્યારેક ગુજરાતમાં
માત્ર વડોદરા અને ગાંધીનગર ખાતે હોકી માટે એસ્ટ્રો ટર્ફની સુવિધા હતી. આજે દેવગઢ
બારીયામાં એ બની છે. રાજકોટ, સુરત, લીંબડી સહિત વિવિધ જગ્યાઓએ આ સુવિધા થતાં
રમતને પ્રોત્સાહન મળ્યું છે.
વડોદરાએ હોકીમાં દેશને ઓલિમ્પિયન્સ આપ્યા છે, રમતનું વાતાવરણ છે અને માંજલપુર સંકુલમાં સારી સુવિધાઓ છે એટલે હોકી
અકાદમી અહીં બનાવવાનું પસંદ કર્યું. એમને એ વાતનો સંતોષ અને આનંદ છે કે વાલીઓ હવે
સંતાનોને રમાડવાનું અને રમતો સાથે જોડાવાનું પ્રોત્સાહન આપી રહ્યા છે.
હોકી અકાદમી વડોદરાના કોચશ્રી સંજય
ભાલાવાલાએ જણાવ્યું કે, હોકી અકાદમી ખાતે હોકીના કોચ તરીકે
પદમશ્રી ધનરાજ પિલ્લાઇની નિમણૂંક રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે. હોકીના ખેલાડીઓને તેમના માર્ગદર્શન તળે હોકી
સંબંધિત માર્ગદર્શન અને તાલીમ મળે છે. આથી ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવામાં એક
નવો પરિમાણ ઉમેરાયું છે. ખેલાડીઓનું રમતમાં પર્ફોમન્સ વધતું જાય છે. ખેલાડીઓના રમત
પ્રત્યેના સમર્પણભાવને લીધે હોકી ગુજરાતને હોકી રમતક્ષેત્રે નવું સ્થાન મળશે તેવી
આશા છે.
તેમણે ઉમેર્યુ કે, તાજેતરમાં ઓલ
ઇન્ડિયા ટુર્નામેન્ટ પુણે ખાતે રમવામાં આવી હતી, તેમાં હોકી ગુજરાત
ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યુ છે. દેશની રાષ્ટ્રીય રમત હોકીમાં ગુજરાતનું
પ્રતિનિધિત્વ વધી રહ્યું છે. વડોદરા સ્થિત
હોકી અકાદમીમાં ૪૭ ખેલાડી ભાઇઓ અને ૧૭ ખેલાડી બહેનોને અભ્યાસ, ભોજન, રહેવા અને આવવા-જવાની અદ્યતન સુવિધા મળી
રહી છે.
વર્ષ-૨૦૧૫માં ઇન્ડિયા કેમ્પ કરનાર શ્રી યશ
ગોંડલીયા રાજકોટના છે. તેમણે કહ્યું કે, ખેલ મહાકુંભના માધ્યમથી અનેક પ્રતિભાઓને
માધ્યમ મળ્યું છે. ગ્રામ્ય-તાલુકા જેવા સ્થાનિક સ્તરે ખેલાડીઓને વિશાળ ફલક મળ્યું.
હોસ્ટેલ્સ અને રમતગમતના સાધનો સાથે રમત રમવા મેદાન સહિતની સુવિધાઓ રાજય સરકારે
પૂરી પાડી છે, તે ખેલાડીના આત્મવિશ્વાસ અને જુસ્સામાં
ઉમેરો કરે છે.
ઇન્ડિયા કેમ્પ કરનાર શ્રી મૈત્રી રામવાલા
સુરતના છે. તેમણે જણાવ્યું કે, અત્યારે એમ.એસ. યુનિ.માં બી.કોમ.ના
ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું. વર્ષ ૨૦૧૪-૧૫થી પ્રેકટિસ કરી રહ્યા છીએ. સમર
કેમ્પમાંથી પંસદગી પામ્યા અને ત્યારબાદ તેમણે પાછું વળી જોયું નથી. હોકીની સતત
પ્રેક્ટિસ, ધગશ અને લગનથી વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન
ઇન્ડિયા કેમ્પમાં પસંદગી પામ્યા. રાજય સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની હોકી
અકાદમી દ્વારા ઉર્મિ સ્કુલ અને હોસ્ટેલમાં ખેલાડીઓને અદ્યતન સુવિધાઓ મળી રહે છે.
ખેલાડીઓને રમત માટેનો માહોલ મળી રહે છે.
ઇન્ડિયા કેમ્પ જુનિયર (અંડર-૧૯) કરનાર શ્રી શ્રેયા
રાઠોડ નવસારીના છે. સમર કેમ્પમાં પસંદગી પામ્યા હતા. તેઓ હાલ ધો.૧૦માં અભ્યાસ કરે
છે. સ્પોર્ટ્સ ઓથીરિટી ઓફ ગુજરાતની વડોદરા સ્થિત હોકી અકાદમીમાં તાલીમ મેળવી રહ્યા
છે. શ્રેયાએ જણાવ્યું કે, હોકીના લીજેન્ડ ગણાતા શ્રી ધનરાજ પિલ્લઇ અમને હોકી
માટે સતત માર્ગદર્શન આપીને મોટીવેટ કરતા રહે છે. મેદાન પર હોકી માટે ખેલાડીઓને
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રમત માટે તૈયાર કરવા માટે જુદાં-જુદાં કોચીઝ છે.
સ્પોર્ટ્સ ઓથીરિટી ઓફ ઇન્ડિયાની જેમ જ ઉચ્ચ ગુણવત્તાયુકત સુવિધાઓ અને રમતગમતના સાધનો
સાથે રાજય સરકારે પણ ગુજરાતમાંના હોકી ખેલાડીઓને હોકી માટેનું જુદું જ પ્લેટફોર્મ
પૂરું પાડ્યું છે.


0 comments: