Thursday, 20 June 2019

વિશ્વની સાથે કર્યો નડિયાદે યોગાભ્‍યાસ...મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ યોગસાધનામાં જોડાયા

SHARE

વિશ્વ યોગ દિવસ ૨૦૧૯

વિશ્વની સાથે કર્યો નડિયાદે યોગાભ્‍યાસ

મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ યોગસાધનામાં જોડાયા :: મૂક બધિર શાળાના દિવ્‍યાંગ બાળકોએ યોગ સાધના કરી






યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્ધારા મળેલી એક અમુલ્‍ય ભેટ છે  

યોગ એ ભારતીય સંસ્‍કૃતિની વિશ્વને દેન છે :: યોગ વિશ્વને જોડવાનું સબળ માધ્‍યમ 
-     મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ
**********************************
નડિયાદ સહિત ખેડા જિલ્‍લો બન્‍યો યોગમય  
**********************************
નડિયાદ – પાંચમા વિશ્વ યોગ દિવસે સમગ્ર વિશ્વની સાથે નડિયાદ શહેર-જિલ્‍લો યોગાભ્‍યાસમાં તલ્‍લીન બન્‍યો હતો. ગુજરાત વિધાનસભાના મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, કલેક્ટર શ્રી સુધીર પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી, જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી દિવ્‍ય મિશ્ર, નિવાસી અધિક કલેકટરશ્રી રમશ મેરજા એસ.આર.પી.ગ્રાઉન્‍ડ ખાતે નાગરિકો સાથે યોગ સાધનામાં જોડાયા હતા. નડિયાદ શહેર સહિત જિલ્‍લાના ૩૧ સ્‍થળો ઉપરાંત ખેડા જિલ્‍લાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્‍વ ધરાવતા સ્‍થળો ઉપરાંત પ્રાથમિક, માધ્‍યમિક, શાળા-કોલેજ સહિત શૈક્ષણિક, સામાજિક સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ઔદ્યોગિક સંસ્‍થાઓમાં યોગાભ્‍યાસ કરવામાં આવ્‍યો જેમાં ત્રણ લાખથી વધુ લોકો જોડાયા હોવાનો અંદાજ છે.

        વિશ્વ યોગ દિવસે એસ.આર.પી.ગ્રાઉન્‍ડ ખાતે મૂક બધિર વિદ્યાલય, યોગીનગરના દિવ્‍યાંગ બાળકોએ પણ યોગસાધના કરી હતી.


        આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવતા વિધાનસભાના મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ જણાવ્‍યું કે, આપણી ભારતીય પ્રાચીન વિરાસત વૈશ્વિક ફલક ઉપર મુકવાના પ્રયાસરૂપે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના પ્રયત્‍નોથી ભારતીય સંસ્‍કૃતિની ઉત્તમ ધરોહર એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી ડિસેમ્‍બર-૨૦૧૪ માં સંયુક્ત રાષ્‍ટ્ર સંઘની સામાન્‍ય સભામાં ૨૧ મી જુનને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ તરીકે માન્‍યતા માટે પ્રસ્‍તાવ મુકવામાં આવ્‍યો હતો. જેને ૧૭૭ દેશોએ સર્વ સંમતિથી મંજુર કર્યો હતો. વિશ્વને જોડવાના સબળ માધ્‍યમ તરીકે ભારતીય યોગ પરંપરાનો સ્‍વીકાર થઇ રહયો છે.

 મુખ્‍ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ ઉમેયું કે, યોગ એ પ્રાચીન ભારતીય પ્રરંપરા દ્ધારા મળેલી એક અમૂલ્‍ય ભેટ છે અને યોગાસનો આપણને વારસામાં મળેલ વિરાસત છે. યોગ એ ભારતીય સંસ્‍કૃતિની વિશ્વને દેન છે.

        તેમણે કહયું કે, વર્તમાન સમયમાં લોકોની જીવન શૈલી બદલાતા હદયરોગ સહિત શારિરીક રોગો તેમજ હતાશા અને તનાવ જેવા રોગોનો નાગરિકો ભોગ બની રહયા છે, ત્‍યારે ભારતીય યોગ પધ્‍ધતિ જીવન શૈલીનો ભાગ બની જીવન સાથે વણાઇ જાય અને યોગ થકી સર્વેનું જીવન તંદુરસ્‍ત બને તેવા ઉમદા આશયથી યોગ દિન ઉજવવામાં આવ્‍યો છે.
યોગના આચરણથી આત્‍મવિશ્વાસ, એકાગ્રતા, યાદશક્તિ અને શરીરની શક્તિ ખીલે છે તેમ જણાવતા શ્રી દેસાઇએ ઉમેર્યું કે, આત્‍મા અને મનના વિકાસ માટે શિક્ષણ એક જ માર્ગ છે. એ જ રીતે ‘‘યોગ’’ શરીરની તંદુરસ્‍તી માટે ઉપકારક છે.

ખેડા જિલ્‍લાના રણછોડરાય મંદિર-ડાકોર, સંતરામ મંદિર, બી.એ.પી.એસ. મંદિર-નડિયાદ, સ્‍વામીનારાયણ મંદિર-વડતાલ, ગળતેશ્વર મહાદેવ મંદિર-ગળતેશ્વર, સિધ્‍ધિ વિનાયક મંદિર-મહેમદાવાદ, બ્રહ્માકૃમાર વિશ્વ વિદ્યાલય-નડિયાદ , રોઝા-રોજીની મકબરા-સોજાલી, શ્રી આત્‍મસિધ્‍ધિ શાસ્‍ત્રી રચનાભૂમિ-નડિયાદ તેમજ ભાથીજી મંદિર-ફાગવેલમાં યોગા સાધકો દ્ધારા યોગ સાધના કરવામાં આવી હતી. 
આંતરરાષ્‍ટ્રીય યોગ દિને ખેડા જિલ્‍લો યોગમય બન્‍યો હતો. જિલ્‍લાના ૧૭૦૦ ઉપરાંત સ્‍થળોએ ત્રણ લાખથી વધુ નાગરિકો સામુહિક યોગ સાધનામાં જોડાયા હતા.

SHARE

Author: verified_user

0 comments: