નડિયાદ,તા.01-ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડાભસર ગામે યોજાયેલ ગ્રામસભામાં કોઇ ઉચ્ચ અધિકારી ન ફરક્તા લોકો રોષે ભરાયા હતા.જ્યારે એક કલાક સુધી ગ્રામજનો દ્વારા ઉચ્ચ અધિકારીઓની રાહ જોવામાં આવી હતી.છેવટે તલાટી અને સરપંચે ગ્રામસભાની અધ્યક્ષતા લઇ ગ્રામસભા પુરી કરી હતી.ખેડા જિલ્લા વિકાસ અધિકારી અને ખેડા જિલ્લા કલેકટરના આદેશ અનુસાર પ્રથમસભા ૨૦૧૯ નાણાકીય વર્ષનુ આયોજનમાં ગ્રામસભામાં ઉપસ્થિત રહેવા પરીપત્ર કરવામાં આવ્યો હતો.આ પરીપત્ર મુજબ આજરોજ ડાભસર ગામે એક ગ્રામસભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં અધ્યક્ષસ્થાને સરપંચ રમણભાઇ અને સચિવ પદે તલાટીકમમંત્રી ભરતભાઇ અને ૩૦ જેટલા ગ્રામજનો હાજર રહ્યા હતા.આ પ્રથમ ૨૦૧૯ની ગ્રામસભામાં તાલુકાકક્ષાના અધિકારી એમ.બી.જોષી,નાયબ મામલતદાર ગળતેશ્વર અને જિલ્લા કક્ષાના અધિકારી તરીકે પશુ ચિકિત્સક સેવાલીયાને ગ્રામસભામાં હાજર રહેવાનુ હતુ.પરંતુ ડાભસરની પ્રથમ ગ્રામસભામાં તાલુકા કે જિલ્લાકક્ષાના કોઇ અધિકારીઓ ફર્કયા ન હતા.સવારના ૧૧ કલાક થી ૧૨ વાગ્યા સુધી ગ્રામજનો અને ગામના સરપંચ અને તલાટીએ રાહ જોઇ હતી.અંતે અધિકારીઓ ન આવતા ૧૨ વાગ્યે સરપંચ રમણભાઇ અને તલાટી ભરતભાઇએ ગ્રામસભાનો આરંભ કર્યો હતો.આ ગ્રામસભામાં કોઇ અધિકારીઓ હાજર ન રહેતા ગ્રામજનો સભા છોડીને જતા રહ્યા હતા.જેથી ગણ્યા ગાંઠયા ગ્રામજનો ઉપસ્થિત રહેતા ગ્રામસભાનો ફીયાસ્કો થઇ ગયો હતો.ડાભસરમાં યોજાયેલ ગ્રામસભામાં કોઇ અધિકારી ન ફરકતા અંતે સરપંચ અને તલાટી દ્વારા ઔપચારીક ગ્રામસભા ચલાવવાની ફરજ પડી હતી.આ ગ્રામસભામાં વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી.

0 comments: