Thursday, 13 June 2019

બ્રહ્માકુમારીઝ સર્ચલાઈટ, આણંદ દ્વારા બ્રહ્માકુમારીઝ ગુજરાતના ડાયરેક્ટર રાજયોગી સરલાદીદીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનુ આયોજન

SHARE
બ્રહ્માકુમારીઝ સર્ચલાઈટ, આણંદ દ્વારા બ્રહ્માકુમારીઝ ગુજરાતના ડાયરેક્ટર રાજયોગી સરલાદીદીના શ્રદ્ધાંજલિ કાર્યક્રમનુ આયોજન
આણંદ -રાજયોગી રસલાદીદીએ તા. 06 જૂનને ગુરૂવારના રોજ અમદાવાદ ખાતે પોતાનો દેહ ત્યાગ કરી પરમપિતા શિવ પરમાત્માની શરણમાં સમાઈ ગયા. બહ્માકુમારીઝ સંસ્થાના આદ્યસ્થાપક પિતાશ્રી બ્રહ્માબાબા સરલાદીદીજીને આજથી 52 વર્ષ અગાઉ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતના વડા તરીકે નિમ્યા. તેઅોઅે ત્યાગ, તપસ્યા, સેવા અને સંયમના પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વથી ગુજરાતમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાનો વિસ્તાર કર્યો. સૌના પ્રેરણામૂર્ત આદરણીય સરલાદીદીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ તા. 16 જૂનને રવિવારના રોજ સવારે 09.30 થી 10.30 કલાક સુધી બ્રહ્માકુમારીઝ સર્ચલાઈટ, સરદાર ગંજ પાસે, આણંદ ખાતે રાખવામાં આવેલ છે. આથી આણંદ શહેરની ધર્મપીય જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બ્રહ્માકુમારીઝ સર્ચલાઈટ, આણંદના મુખ્ય સંચાલિકા બી. કે. ગીતાબેને વિનંતી કરી છે.

વિરલ આધ્યાત્મિક પ્રતિભા સંપન્ન રાજયોગિની સરલાદીદીજીની જીવન ઝરમર
વાત્સલ્ય, ત્યાગ, તપસ્યા, સેવા અને મર્યાદાની મૂર્તિ સરલાદીદીજીનો જન્મ ધાર્મિક પરિવારમાં ૮ માર્ચ, ૧૯૪0ના રોજ કચ્છના જખૌ ગામમાં થયો હતો. ૧૪ વર્ષની યુવા અવસ્થામાં તેઓ બ્રહ્માકુમારી  સંસ્થાના સંપર્કમાં આવ્યા. સંસ્થાના આધસ્થાપક પ્રજાપિતા બ્રહ્મા તથા માતેશ્વરી જગદમ્બા સરસ્વતીના સાનિધ્યમાં આવતાં તેઓની દિવ્યા પ્રેરણાથી ૧૬ વર્ષની ઉંમરમાં જ સંપૂર્ણ જીવન માનવ સેવાઅર્થે સમર્પિત કર્યું. દીદીજી, ઈશ્વરીય જીવનના પ્રારંભકાળમાં દાદી જાનકીજીની સાથે મુંબઈ તથા પુનામાં ઈશ્વરીય સેવામાં કાર્યરત રહ્યા. રાજયોગિની સરલાદીદી એક અદ્વિતિય વિરલ પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ ધરાવતા હતાં. પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માબાબાએ દીદીજીની આ શ્રેષ્ઠ યોગ્યતાઓને નિહાળીને ૧૯૬૭માં બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગુજરાતના વડા તરીકે નિમણુંક કરી હતી.
ગુજરાતમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાનો અદ્દભુત વિકાસ કરવામાં તથા સંસ્થામાં નવીનતમ સેવાઓની શરૂઆત કરવામાં દીદીજીએ તન, મન, ધન, સમય, શ્વાસ અને સંકલ્પને સફળ કરી સમગ્ર દેશ અને વિદેશમાં ઈશ્વરીય સેવાની સુવાસ ફેલાવી. દીદીજીના દ્રઢ નિશ્ચય અને અથાક પુરૂષાર્થને લઈને ગુજરાતમાં ૪૫૦ થી વધુ બ્રહ્માકુમારીઝના સેવાકેન્દ્રો અને ૪૦૦૦ થી વધુ આધ્યાત્મિક ગીતાપાઠશાળાઓની સ્થાપના થયેલ છે. જેના દ્વારા જન જનને આધ્યાત્મિક જ્ઞાન અને રાજયોગની શિક્ષા આપવામાં આવી રહેલ છે.
સરળ, સૌમ્ય અને સહનશીલતાના પ્રતિક સમાં કર્તવ્યનિષ્ઠાને ધ્યાનમાં લઈ, તેઓ બ્રહ્માકુમારીઝ વિદ્યાલયની મેનેજમેન્ટ કમિટિના સભ્ય બન્યા, સાથે જ, વિદ્યાલયની શૈક્ષણિક સોસાયટી તથા રાજયોગ એજ્યુકેશન અને રીસર્ચ ફાઉન્ડેશન બોર્ડના સભ્ય બની પોતાનું દાયિત્વ નિભાવ્યું. તદઉપરાંત શ્રી શિવ આધ્યાત્મિક ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા સાયન્ટીસ્ટ અને એજીનિયર્સ પ્રભાગના અધ્યક્ષા ૨હેવાની સાથે અમદાવાદથી પ્રસિધ્ધ થતાં લોકપ્રિય ગુજરાતી માસિક જ્ઞાનામૃત્ત સામાયિકને પ્રકાશિત કરી અસંખ્ય લોકોને ઈશ્વરીય માર્ગે પ્રેરણા આપવાનું પૂણ્યકાર્ય પણ કર્યું.
પરમાત્મા શિવના દિવ્ય અવતરણનો સંદેશ પ્રસરાવતાં પોતાના સહિત અનેકોના જીવનનું દિવ્ય ઘડતર કરનાર તથા દિવ્યગુણોના ચૈતન્ય ગુલદસ્તાથી સંપન્ન એવા માયાળુ, દયાળુ, મમતાસભર દીદીજીએ પાર્થિવ દેહનો ત્યાગ કરી આપણાં સૌની વચ્ચેથી વિદાય લઈને. સુક્ષ્મ વતનની અનંતયાત્રાએ મહાપ્રયાણ કર્યું છે. દીદીજીને અંતરના કોટિ કોટિ શત્ શત્ વંદન સાથે બ્રહ્માકુમારીઝ - ગુજરાત પરિવાર અને વિશ્વ પરિવાર હૃદયના પુષ્પોથી શ્રધ્ધાસુમન અર્પણ કરે છે.
SHARE

Author: verified_user

0 comments: