Tuesday, 25 June 2019

મુખ્યમંત્રીશ્રીએ બલિદાન દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીને આપી ભાવાંજલિ

SHARE

Ø  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણા વિચારો ધરાવતા સાંસદોથી ભરેલી સંસદની કલ્પના સાકાર કરી છે
Ø  નવી પેઢીને કોંગ્રેસના કાળા કરતૂતોની અને આપણા સંઘર્ષના ઇતિહાસની જાણકારી આપવી જરૂરી છે
Ø  દેશની લોકશાહીને ઉની આંચ ન આવે એવો સંકલ્પ કરો : કાશ્મીરને કમીટમેંટ તરીકે સ્વીકારો : સતત જવાબદારીનું ભાન રાખીને કામ કરો

મુખ્યમંત્રીશ્રીએ બલિદાન દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીને આપી ભાવાંજલિ :

કટોકટીના કાળા દિવસોની સંઘર્ષ ગાથાઓની કાર્યકરોને વાકેફ કર્યા


શ્યામાપ્રસાદજીના રહસ્ય મૃત્યુ પછી જે આંદોલનો થયા તેના પરિણામે કાશ્મીરમાં ભારતીય રાષ્ટ્રધ્વજ અને બંધારણનો સ્વીકાર થયો અને કાશ્મીરના પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીની ઓળખ સ્વીકારવી પડી : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

વડોદરા -રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજીએ વડોદરા ખાતે જણાવ્યું હતુ કે, કાશ્મીર આપણું કમીટમેંટ છે અને કાશ્મીરને વિશેષાધિકાર આપતી ૩૭૦મી કલમ હટાવવી એ આપણા ચૂંટણી ઢંઢેરાનું વચન છે. તેમણે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે’ ની પંક્તિઓ યાદ દેવડાવતા દેશની લોકશાહીને ઉની આંચ નહીં આવવા દઇએ તેવો મક્કમ સંકલ્પ કરવા અનુરોધ કરવાની સાથે દેશ માટે રાજય માટે લોકો માટે સતત જવાબદારીનું ભાન અને ધ્યાન રાખીને કામ કરવાની ભારપૂર્વક ભલામણ કરી હતી.

        મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીજીએ વડોદરા મહાનગર ભારતીય જનતા પક્ષ આયોજિત બલિદાન દિવસ-કટોકટી દિવસની ઉજવણી પ્રસંગે ભારતીય જનસંઘના આદ્યસ્થાપક અને કાશ્મીર માટે બલિદાન આપનારા શ્યામાપ્રસાદ મુખર્જીને ભાવસભર અંજલિ આપી હતી. કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો બનાવી રાખવા તેમણે આપેલી કુરબાનીની ભૂમિકા આપી હતી.

        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્યામાપ્રસાદજીના કાશ્મીરમાં થયેલા રહસ્યમય મૃત્યુ પછી દેશમાં જે આંદોલનો થયાં, તેના પરિણામે કાશ્મીરમાં ભારતીય રાષ્ટ્રધ્વજ અને ભારતીય બંધારણનો સ્વીકાર થયો. કાશ્મીરના મુખ્ય પ્રધાનને મળેલો પ્રધાનમંત્રીનો દરજ્જો નાબૂદ થયો અને તે મુખ્યમંત્રી તરીકે ઓળખાયા. શ્યામાપ્રસાદજીએ કાશ્મીરમાં બે નિશાન, બે વિધાન અને બે પ્રધાન નહીં ચલાવવાનો દેશને કોલ આપ્યો હતો. એમણે સંઘર્ષો અને બલિદાનથી એ કોલ સાકાર કરી બતાવ્યો.
 મુખ્યમંત્રીશ્રીએ ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન જાતે ભોગવેલા એક વર્ષના કારાવાસના કઠીન દિવસોનું વર્ણન કર્યું હતુ. તેમણે કટોકટી કાળ દરમિયાન દેશમાં થયેલા અત્યાચારોની વિગતો આપવાની સાથે જણાવ્યું કે, કટોકટી લાદીને ઇન્દિરા ગાંધીએ લોકશાહીની હત્યા કરી હતી., ગળે ટૂંપો દિધો હતો. તેમણે નવી પેઢીને કોંગ્રેસના કાળા કરતૂતોની અને જનસંઘ સહિતના પક્ષોએ તેની સામે લોકશાહીને બચાવવા કરેલા સંઘર્ષોની જાણકારી આપવા પર ભાર મૂક્યો હતો.
        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, મેં જ્યારે ૧૯૭૭માં પ્રથમવાર સંસદની મુલાકાત લીધી ત્યારે મને થયું હતુ કે, આપણા વિચારોવાળા સાંસદોથી ભરેલી હોય એવી સંસદ એક દિવસ જરૂર બનશે. મને આનંદ છે કે એક ફકીર જેવા ત્યાગી નરેન્દ્રભાઇ મોદીને લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે. આજે જનસંઘ-ભારતીય જનતા પક્ષના વિચારોને વરેલા સાંસદોથી ભરેલી સંસદની કલ્પના સાકાર થઇ છે.
        તેમણે જણાવ્યું કે, આ વખતની લોકસભાની ચૂંટણીઓમાં કાશ્મીરનો પ્રશ્ન મહત્વનો મુદ્દો બન્યો. દેશની જનતામાં ચર્ચા જાગી હતી કે કાશ્મીરને બચાવવું હોય તો નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા પડે અને એટલે જ લોકોએ ભાજપને ખોબે ખોબે મત આપ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ મુત્સદીથી દેશને જોડવામાં સરદાર સાહેબની ભૂમિકા અને કાશ્મીરને પેચીદી સમસ્યા બનાવવામાં જવાહરલાલ નહેરૂની જવાબદારીની વિગતવાર જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, નહેરૂએ અપીઝમેંટ નીતિ અનુસાર કાશ્મીરને ૩૭૦મી કલમની ભેટ આપી હતી. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના પ્રખર હિન્દુવાદી, દેશભક્ત જીવનની ઝાંખી કરાવી હતી.
        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ઇન્દિરાએ અને કોંગ્રેસે કટોકટી લાદીને લોકશાહીના આધારાસ્તંભ જેવી સંસદ, ન્યાયતંત્ર, વિરોધ પક્ષ અને મીડિયાને લાચાર અને નબળાં બનાવી દિધા હતા. દેશમાં કટોકટીનો વિરોધ કરનારાઓ સામે અત્યાચારોનો દૌર ચલાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, યાતનાઓથી સત્તા કાયમ ટકતી નથી. અત્યાચારીઓનું અવશ્ય પતન થાય છે એ કટોકટીનો બોધપાઠ છે.
        મુખ્યમંત્રીશ્રીએ કટોકટી સામેના સંઘર્ષમાં શ્રી અટલ બિહારી વાજપાઇજી, અડવાણીજી અને ગુજરાતમાં શ્રી ચીમનભાઇ શુકલજી, કેશુભાઇ પટેલ સહિતના નેતાઓની ભૂમિકાની જાણકારી આપવાની સાથે, પોતાના જેલવાસના સાથીઓને યાદ કર્યા હતા અને વડોદરામાં આ તમામ ઘટનાઓની જાણકારી આપવાની તક આપવા માટે પક્ષનો આભાર માન્યો હતો.
        કાર્યકર્તાઓને અનુરોધ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કર્તવ્યને ભાવનાઓથી ઉંચુ સ્થાન આપો. લોકોનો-દેશનો વિચાર કેન્દ્રસ્થાને રાખીને કામ કરો. કાર્યકર્તા જ પક્ષની સાચી મૂડી છે.  
        આ પ્રસંગે ધાનદાર પંચાલ સમાજ દ્વારા પુલવામાના શહિદ જવાનો માટે એક લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રખર રાષ્ટ્રવાદી શ્યામાપ્રસાદ મુખર્જીની છબીને સહુએ પુષ્પાંજલિ આપી હતી.
        આ પ્રસંગે નર્મદા વિકાસ રાજય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ, વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ, શ્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિત પક્ષ પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.          
SHARE

Author: verified_user

0 comments: