નડિયાદ,તા30,-ખેડા જિલ્લાનાઠાસરા પાલિકા વિસ્તારમાં આવેલ મુસાફીર કબ્રસ્તાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગે થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધી હતુ.જેના કારણે આ વિસ્તારમાં આગ વધુ વકરે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ.જો કે આ ઘટનાની જાણ પાલિકા પ્રમુખને થતા પાલિકામાંથી જેટીંગ મશીન બોલાવી આગ ઓલવવામાં આવી હતી. જેને કારણે મોટું નુકશાન થતું અટક્યું હતું.ઠાસરાના મુસાફીર કબ્રસ્તાનમાં આવેલ નિલગીરીના ઝાડમાં અચાનક આગ લાગી હતી.જેના કારણે અહીના રહીશોના જીવ પડીકે બંધાયા હતા.આજ સમયે પાલિકા પ્રમુખ, મામલતદાર ઓફિસે કામ અર્થે જઇ રહ્યા હતા.અને તેમને આ ઘટના જોઇ. આથી તેઓ તરત જ ઘટના સ્થળે પહોચી ગયા હતા. અને તરત જ પાલિકાની ભૂગર્ભ ગટર યોજનાની જેટીંગ મશીન બોલાવી લીધું હતુ.અને જાતે આગ ઓલવા માટે સ્થળ પર પહોચી ગયા હતા.અડધા કલાક સુધી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવતા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.જો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો ન હોત તો નજીકમાં આવેલ લાકડાના પીઠાઅને સિમેન્ટની ફેકટરીમાં આગ વકરે તેવી સ્થિતીનુ નિર્માણ થાત .જો કે ઠાસરા પાલિકા વિસ્તાર અને તાલુકા મથક હોવા છતા ફાયર સેફટીના પુરા સાઘનો પાલિકા પાસે નથી.આગ ઓલવવા માટે ભૂગર્ભ યોજનાના જેટીંગ મશીનમાં પાણી ભરી આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.તેમજ નજીકમાં આવેલ ડાકોર,થર્મલ અને સેવાલિયા સુધી કોઇ ફાયર સેફટીના સાઘનો નથી.તેમજ ગળતેશ્વર તાલુકામાં આગની ઘટના બને તો ડાકોર પાલિકા પર આધાર રાખવાની ફરજ પડે છે.જો ડાકોરથી આવતા ફાયર બ્રિગ્રેડને આવતા વાર લાગે તો ઘણી બનાવોમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હોવાનું ગ્રામજનો રોષ પૂર્વક જણાવે છે.તાજેતરમાં ઠાસરા હુસેની ચોકમાં આવેલ એક ઇલેકટ્રોનીકની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.આ બનાવ બાદ નડિયાદ અને ડાકોરના ફાયર ફાયટરોને બોલાવવા પડયા હતા.ફાયર ફાયટરો ઘટના સુધી પહોચે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી અને દુકાનમાં રહેલા મોટા ભાગનો સામાન આગમાં બળીને ભસ્મીભૂત થઇ ગયો હતો.જો સરકાર દ્વારા ઠાસરા પાલિકાને ફાયરના પુરતા સાઘનો ઉપલબ્ધ કરાવવામાં આવે તો આવી ઘટના બનતા રોકી શકાય તેમ છે.તેમજ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોચી આગ ઓલવી શકે છે.ઠાસરા તાલુકો, ગળતેશ્વર તાલુકો, સેવાલીયા, થર્મલમાં કોઇ જગ્યાએ ફાયર સેફટીના સાઘનો નથી.જેથી ઠાસરા તાલુકાના લોકોની માંગ છે કે ફાયર સેફટીના સાઘનો પુરા પાડવામાં આવે.આ અંગે ઠાસરા નગર પાલિકાના પ્રમુખ દિપકભાઇ રોહિતનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે અમદાવાદ પ્રાદેશિક વિભાગની કચેરીના કમિશનરને ત્રણ વખત રૂબરુ મુલાકાત લઇ ફાયર સેફટીના સાઘનો અંગે રજૂઆત કરી છે.
0 comments: