Tuesday, 28 May 2019

નડિયાદ ખાતે શ્રી રામદેવજી સીનિયર સિટીઝન પરિવારની બેઠક યોજાઇ

SHARE
નડિયાદ ખાતે શ્રી રામદેવજી સીનિયર સિટીઝન પરિવારની બેઠક યોજાઇ

નડિયાદ,તા 28- શ્રી રામદેવજી સીનિયર સિટીઝન પરિવારની વર્ષ ૨૦૧૯-૨૦ ની બીજી માસિક સામાન્‍ય સભા ર્ડા.આંબેડકર હોલ, નડિયાદ ખાતે યોજાઇ હતી. આ સામાન્‍ય સભામાં મુખ્‍ય મહેમાનપદે કૌશિકભાઇ બ્રહ્મભટ્ટ ઉપસ્‍થિત રહયા હતા.શ્રી રામદેવજી સીનિયર સિટીઝન પરિવારના પ્રમુખ રમેશચંદ્રએ મુખ્‍ય મહેમાનનું સ્‍વાગત કરી પરિચય આપ્‍યો હતો. સભાની શરૂઆત દિપ પ્રગટાવી કરવામાં આવી હતી. પરિવારના જે સભ્યો સમયસર સભામાં ઉપસ્‍થિત થયા હતા તેઓ પૈકીના ત્રણ સભ્યોને ડ્રો દ્વારા મુખ્‍ય મહેમાનના હસ્‍તે મોમેન્‍ટો આપી સન્માનીત કરાયા હતા. પરિવારના જે સભ્યોની જન્મતારીખ એપ્રિલ-મે માસમાં આવતી હતી તેવા સભ્યોને પણ સ્‍મૃતિ રૂપે પુરસ્‍કાર આપી સન્માનીત કરાયા હતા.

આ પ્રસંગે મુખ્‍ય મહેમાન પદેથી કૌશિકભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્‍યું હતું કે, વ્યકિત જન્‍મથી મૃત્યુ પર્યત સતત પ્રવૃતિ કરે છે. જેના દ્વારા માનવી તેના જીવનના વિવિધ તબકકે કે ઉંમરે કુટુંબ અને સમાજ પ્રત્‍યેની તેની ફરજો બજાવે છે. માનવી જીવન વ્યવસ્‍થાના અંતિમ પડાવે આવે ત્યારે મોટા ભાગે એકલવાયું જીવન જીવતા હોય છે, કારણ કે તે વ્‍યકિતના સંતાનો તેમના રોજગાર-અભ્યાસ અર્થે બહાર કે વિદેશ જતા હોય છે. આવા વયસ્‍ક વ્યકિતના જીવનસાથી  સાથે હયાત હોય તો સારું છે, અન્‍યથા એકલવાયું જીવન થઇ જાય છે. શરીર સાથ આપતુ ન હોય એવા વખતે આવા સિનીયર સિટીઝન પરિવાર તે વ્‍યકિતના જીવનનું જોમ પુરવાર થાય છે. અહિં મોટા ભાગના સિનીયરો તેમના જીવનનો અંતિમ તબક્કો પણ જોમ અને ઉત્સાહથી જીવી રહયા છે તે સમાજ માટે સારી અને દુરોગામી અસરો ઉભી કરે છે. સૌ સિનીયર સિટીઝનોનો ઉત્‍સાહ જોઇને અમને પણ આનંદ થાય છે કે, સમાજમાં હજુ પણ માનવ-માનવ પ્રત્‍યેનો પ્રેમભાવ જીવંત છે. તેઓએ સૌ ઉપસ્‍થિત સિનીયર સિટીઝનોને તેમનું જીવન આમ આનંદ-ઉત્‍સાહમાં વ્‍યતિત થાય તેવી શુભકામના પાઠવી હતી.આ પ્રસંગે ઉપસ્‍થિત સિનીયર સિટીઝનોએ શ્રી રામદેવજી મંદિર ખાતે બની રહેલ મકાન માટે દાનની સરવાણી વહાવી હતી.પ્રમુખ રમેશચંદ્રએ ગત મીટીંગની થયેલ કામગીરીની માહિતી આપી હતી તેમજ આવનાર સમયમાં પરિવાર દ્વારા કરવામાં આવતી કામગીરીની રૂપરેખા આપી હતી.આ સભામાં મહામંત્રી વસંતભાઇ વ્‍યાસ, ઉપપ્રમુખ જશભાઇ, છોટાભાઇ પ્રજાપતિ,ધનશ્યામભાઇ કા. પટેલ,ચંદ્રકાન્‍તભાઇ કડીયા,દિલીપભાઇ જોષી,ધનશ્યામભાઇ શર્મા,સુભાષભાઇ શેઠ, શ્રીમતી રમીલાબેન શાહ,રમેશભાઇ જાદવ, કાંતિભાઇ શર્મા,સુભાષભાઇ શાહ,મંજૂલાબેન દલવાડી,કનુભાઇ પટેલ તેમજ મોટી સંખ્‍યામાં સૌ સિનીયર સિટીઝનો ઉપસ્‍થિત રહ્યા હતાં

SHARE

Author: verified_user

0 comments: