Monday, 29 April 2019

મહાગુજરાત ચળવળના આરંભ થી લઇ ગુજરાત રાજ્ય સ્થાપના સુધી ચરોત્તર પ્રદેશ રહ્યુ હતુ કેન્દ્ર સ્થાને

SHARE

 ગુજરાત સ્થાપના દિન અને મહાગુજરાત આંદોલન
*******************
મહાગુજરાત ચળવળના પ્રણેતાઓને સત્ સત્ વંદન  ઇન્દુચાચાએમહાગુજરાત જનતાપરિષદનુ સુકાન સંભાળતા 
મહાગુજરાત ચળવળને વેગ મળ્યો
ચરોત્તર પ્રદેશના દિવંગત નેતાઓ રણજીતરાય શાસ્ત્રી, ભાઇલાલભાઇ પટેલ(ભાઇકાકા),હરિહર ખંભોળજા, સુરેશભાઇ ભટ્ટ, અશોકભટ્ટનું મહાગુજરાત ચળવળમાં અભૂતપૂર્વ યોગદાન રહ્યુ હતુ.
મહાગુજરાત ચળવળના આરંભ થી લઇ ગુજરાત રાજ્ય સ્થાપના સુધી ચરોત્તર પ્રદેશ રહ્યુ હતુ કેન્દ્ર સ્થાને
                                              ૧ લી મે  સમગ્ર વિશ્વ અલગ-અલગ રીતે તેની ઉજવણીમાં યાદ કરતુ હોય છે જેમકે, વિશ્વ શ્રમ દિવસ , અમેરિકામાં પ્રથમ ક્રિકેટ મેચ રમાઇ હતી એટલે કે પછી ઉત્તર કોરિયા ની સ્થાપના કરાઇ હતી એટલે, આમ વિવિધ કારણોસર વિશ્વભરમાં ૧ લી મે ની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ગુજરાતી ને ગૌરવપુર્ણ સમાન ૧ લી મે ની ઉજવણી કરવાનું ખમીરવંતુ કારણ છે આ દિવસે ગરવી ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી.
આપણુ ગુજરાત, ,ગૌરવવંતુ ગુજરાત ૫૯ માં વર્ષમાં પ્રવેશે છે. ૧ લી મે,૧૯૬૦ ના દિવસે ગુજરાતીઓ તરીકે, ગુજરાતના ભાગ્યનું નિર્માણ કરવાની એક યાત્રાનો આપણે આરંભ કર્યો . આ યાત્રામાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, પૂજય રવિશંકર મહારાજ તેમજ ઇન્દુચાચા જેવા અગણિત એવા મહાપુરુષો અને મનિષિઓના આશીર્વાદ, અનેક-સાહિત્યકારોનું માર્ગદર્શન, લોકોનો અવિરત કઠોર પરિશ્રમ આ બધાની સફળ પરિપાટીએ આપણા ગુજરાતની સાડા પાંચ દાયકાની વિકાસયાત્રાની મંઝિલ આપણે પાર કરી છે. આજે એ સૌનું સ્મરણ કરવાનો, ઋણ સ્વીકાર કરીને હર્ષોલ્લાસપુર્વક અભિવાદન-અભિનંદન કરવાનો અમૂલ્ય અવસર છે.
આ યાત્રાનો પ્રારંભ તો ઘણા સમય પહેલા થયો હતો, જેના ભણકારા આઝાદી સમયે વાગ્યા હતા. વિશ્વના શાસકોએ વહીવટી સરળતા ખાતર જે તે દેશના કૃત્રિમ ભાગલા પાડ્યા નો ઇતિહાસ ઘણો લાંબો હતો. તેનાથી પ્રજાની અસ્મિતા રૃંધાય  છે અને કૃત્રિમ ભાગલા દૂર કરી ભાષા સંસ્કૃતિ, ઇતિહાસને આધારે પ્રાંતો-રાજ્યોની રચનાએ ઇતિહાસ રચ્યો છે. મહાગુજરાત  આંદોલન પણ નાનો-સૂનો ઐતિહાસિક ઘટનાક્રમ ન હતો. મહાગુજરાત પૂર્વે વિશ્વ અને ભારતના સંદર્ભમાં ભાષાકીય ઘોરણે થયેલા રાજય રચનાનો ઇતિહાસ ઘણો લાંબો છે. ભારતમાં પણ ભાષાવાર અલગ રાજ્યોની માંગણીએ વેગ પકડ્યો હતો. તેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય પણ સામેલ હતુ. આ સંદર્ભે

 કનૈયાલાલ મુનશીએ જણાવ્યુ હતુ કે -
 હિંદી ભાષા શિક્ષિત લોકોના હાથમાં અભિવ્યક્તિનું સબળ સાધન બને નહીં ત્યાં સુધી તે શક્તિશાળી ભાષા તરીકેનું અંગ્રેજીનુ સ્થાન લઇ શકશે નહી.

મુંબઇ શહેર સાથે ગુજરાતીઓના ગાઢ સંબંધને લઇને અસરકારક અને અગત્યના જૂથો અલગ ગુજરાત રાજ્યને બદલે મુંબઇ સાથેના તેમના સંબંધો  જાળવી રાખવા આતુર હતા. રાજ્ય પુર્નરચના પંચનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે તેનાં વિવિધ પાંસા અંગે વ્યાપક ચર્ચા થવા લાગી અને તેને લગતા સૂચનો તથા લોકોના પ્રત્યાઘાતો વ્યક્ત થવા લાગ્યા.. તેમાં એક સૂચન ગુજરાત,મહારાષ્ટ્ર અને મુંબઇ-ત્રણ અલગ રાજ્યોની રચના કરવા અંગે નું પણ હતુ. મુંબઇના વિભાજન સાથે મહારાષ્ટ્ર સંમત નહોતુ. તે વિદર્ભ સહિત મુંબઇ રાજ્યની માંગણી પ્રત્યે મક્કમ હતુ. તે સમયે એવી હવા વહેતી થઇ કે ત્રણ અલગ રાજ્યોની પદ્ધતિ સ્વીકારવામાં આવશે. ગુજરાતી પ્રજાએ તો ગંભીરતાપૂર્વક અલગ રાજ્યની તૈયારીઓ કરવા માંડી હતી. રાજ્યની રાજધાની તરીકે અમદાવાદ શહેરની પસંદગી પણ કરી લીધી હતી.
૧૯૪૮ માં ગુજરાતી બોલતા લોકોના એક નેતૃત્વ હેઠળ મહાગુજરાત સંમેલન યોજાયુ હતુ જે ગુજરાત રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું
સન ૧૯૫૬ માં મહાગુજરાત આંદોલન ચાલતુ હતુ તે દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકના પ્રમુખ પદે મહાગુજરાત જનતા પરિષદની રચના થઇ હતી. તેઓને ગુજરાતના ફકિર કહેવામાં આવતા  હતા . નડિયાદમાં જન્મેલા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક(ઇન્દુચાચા) એ સુકાન પદ સંભાળતા જ  મહાગુજરાત આંદોલનને વેગ મળ્યો હતો. ઇન્દુચાચાનું જાહેરજીવનની લગભગ દરેક પ્રવૃતિમાં ઓછુ વધતુ યોગદાન રહ્યુ છે. તેમની ભાષા તળપદી પણ જોમવંતી અને ભારે કટાક્ષવાળી હતી. તેમના ભાષણો શ્રોતાઓને ખડખડાટ હસાવી શકતા અને ઉશ્કેરી પણ શકતા. તેમના વકત્વયમાં જોરદાર અપીલ હતી. તેઓએ મહાગુજરાત આંદોલનને અભૂતપૂર્વ જોમ અને જુસ્સો પૂરો પાડ્યો હતો.
ગુજરાત રાજ્યની સ્થાપના સ્વરુપે શરુ થયેલ મહાગુજરાત ચળવળમાં ચરોતર પ્રદેશના  ઘણા મહાપુરુષોનું અગણિત યોગદાન રહ્યુ  છે. આ આંદોલનની લડતમાં અને શ્રી ઇન્દુચાચાની આગેવાની હેઠળ બીજા ઘણા એવા નેતાઓ , નરબંકાઓ  રહ્યા છે જેઓના જોમ અને જુસ્સા થી મહાગુજરાતની ચળવળ તેના પરિણામ સુધી પહોંચી શકી અને ગુજરાત રાજ્યની સ્થાપના થઇ જેમા ભાઇલાલભાઇ પટેલ(ભાઇકાકા), હરિહર ખંભોળજા, અશોક ભટ્ટ, સુરેશ ભટ્ટ , તેમજ રણજીતરાય શાસ્ત્રી જેવા મહાપુરુષોનો સમાવેશ થાય છે.
મહાગુજરાત આંદોલનમાં ભાગ લેનાર મહત્વની વ્યક્તિઓમાં ખંભાતના શ્રી રણજીતરાય શાસ્ત્રીની કામગીરી અગ્રિમ રહી છે. સામાજિક ચળવળના ભેખધારી તેમજ શિક્ષણ અને સમાજસેવામાં અગ્રેસર એવા રણજીતરાય શાસ્ત્રીએ મહાગુજરાત આંદોલનમાં ચરોત્તર પ્રદેશની કમાન સંભાળી હતી અને ફક્ત ખંભાતમાં જ નહી પરંતુ સમગ્ર ચરોતર પ્રદેશમાં તેમણે લોકજાગૃતિનું પાયાનું કામ કર્યુ હતુ. મહાગુજરાત આંદોલનની વાત અને તેના ઉદ્દેશને છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવાની દિશામાં તેઓ સતત કાર્યરત હતા.
આણંદ શહેરમાં વલ્લભવિધાનગરના સ્થાપક તરીકે જાણીતા એવા શ્રી ભાઇલાલભાઇ પટેલ(ભાઇકાકા) ની પણ મહાગુજરાત આંદોલનમાં મહત્વની ભૂમિકા રહી છે. મહાગુજરાત ચળવળના નાયક શ્રી ઇંદુલાલ યાજ્ઞિકે આત્મકથામાં લખ્યુ છે કે મહાગુજરાતના નવા આંદોલનની પહેલી ક્ષણથી અંતિમ ક્ષણ સુધી સન ૧૯૬૦ ના ગુજરાતના જુદા રાજ્યની સ્થાપના થઇ ત્યા સુધી તે (ભાઇકાકા) મારા સર્વોત્કૃષ્ટ સલાહકાર રહ્યા ”. મહાગુજરાત અને મહારાષ્ટ્રના નેતાઓ વચ્ચે સુમેળ સાધવામાં અને વહીવટી કુનેહથી મતભેદો ઉકેલવામાં ભાઇકાકાએ મહત્વની ભૂમિકા અદા કરી હતી.
મહાગુજરાત આંદોલનના આરંભથી અંત સુધી અડીખમ રહેનારા ચરોતર પ્રદેશમાં આવેલ ઉમરેઠ તાલુકાના વતની શ્રી હરિહર ઉમિયાશંકર ખંભોળજાની કામગીરી ખુબ જ સરાહનીય રહી છે. મહાગુજરાત આંદોલનમાં તેમનું નેતૃ્ત્વ બેમિશાલ હતુ. તેમાં વિવિધ વિચારધારાઓ ધરાવનારા નેતાઓ એક ધ્યેય માટે સાથે કામ કરી રહ્યા હતા. હરિહર ખંભોળજા કુશળ વક્તા અને અચ્છા લેખક પણ હતા.સમગ્ર આંદોલન દરમિયાન ગાંધીજીના માર્ગે આંદોલનને ચલાવી રાખનારા નેતાઓમાં તેમનું નામ મુખ્ય છે. મહાગુજરાત આંદોલન દરમિયાન થયેલા શહીદ સ્મારક અને જેલભરો સત્યાગ્રહમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યુ હતુ.
આ ચળવળમાં ઉમરેઠના જ પ્રથમ પંક્તિના નેતા એવા શ્રી સુરેશભાઇ ભટ્ટ આ આંદોલનની ચળવળમાં ખૂબ જ ઉત્સાહપુર્વક કાર્યરત હતા. તેમજ આ મહાગુજરાત ચળવળ દરમિયાન તેઓએ શહિદી વહોરી હતી અને તેમની યાદમાં આજે પણ ઉમરેઠના ભાટવાડામાં બનાવેલ ખાંભીએ શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે.
ઉમરેઠના જ બીજા અગ્રિમ આગેવાન એવા શ્રી અશોક ભટ્ટે પણ મહાગુજરાતની  ચળવળમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી તેમજ આ ચળવળને સાચો રાહ બતાવવામાં તેમજ વધુમાં વધુ યુવાઓને આ ચળવળમાં જોતરવા માટે પ્રેરણા પુરી પાડી હતી.
આમ આ ચળવળના  પરિણામ સ્વરૃપે ૧લી મે ૧૯૬૦ ના રોજ રવિશંકર વ્યાસ(રવિશંકર મહારાજના )  હસ્તે ગુજરાત રાજ્ય ની સ્થાપના કરાવવામાં આવી હતી. તેઓ એક સમાજસેવક હતા અને પોતાના સમાજપયોગી કાર્યોના કારણે જ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. જેઓનો જન્મ ચરોતરની ઘરતી પર ખેડા ખાતે થયો અને તેઓ દેવલોક પણ ચરોત્તરની ઘરતી બોરસદ ખાતે પામ્યા હતા.
આવા મૂકસેવક અને સેવાના ભેખધારી ઇન્દુલાલ યાજ્ઞિક સહિત ચળવળના સૌ પ્રણેતાઓને યાદ કરી આવો આપણે સૌ સત્ સત્ નમન કરીએ .
સંકલન – અમિતસિંહ ચૌહાણ
                          

SHARE

Author: verified_user

0 comments: