Monday, 15 April 2019

બેંકોના ખાતેદારોને મતદાનનો મહિમા મેસેજથી સમજાવાશે....મતદાન માટે જાગૃત્તિના ઉદ્દેશ્યથી બેંકો સહયોગ આપશે....

SHARE
                             લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ 
બેંકોના ખાતેદારોને મતદાનનો મહિમા મેસેજથી સમજાવાશે



મતદાન માટે જાગૃત્તિના ઉદ્દેશ્યથી બેંકો સહયોગ આપશે
તા.૨૩મીએ મહાપર્વ-મતદાનમાં વધુમાં વધુ નાગરિકો કરે મતદાન તેવી અપીલ
વડોદરા તા. ૧૫,વડોદરા સ્થિત બેંક ઓફ બરોડા ટ્રેઇનિંગ સેન્ટર ખાતે SVEEP અંતર્ગત મતદાન જાગૃત્તિ માટેનો સેમિનાર ચૂંટણી ખર્ચ નિયંત્રણ નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓ સાથે યોજાયો હતો.
        શ્રી કિરણ ઝવેરીએ જણાવ્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત તા.૨૩મીએ મતદાન રાખવામાં આવ્યું છે. વડોદરા જિલ્લો કળા અને શિક્ષણ સહિતની પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે ત્યારે વડોદરાના નાગરિકોમાં મતદાન માટે જાગૃત્તિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે બેંકના સહકાર સાથે નાગરિકોને વધુમાં વધુ મતદાન માટે અનુરોધ કરવામાં આવશે. બેંકિંગ પ્રવૃત્તિ માટે નાગરિકો બેંકની અવારનવાર મુલાકાત લેતા હોય છે ત્યારે તેમને તા.૨૩મી એપ્રિલે યોજાનાર મતદાનમાં જોડાઈ જવા પ્રેરિત કરવામાં આવશે. નાગરિકોને તેમના મતાધિકારની સાથોસાથ મતદાનની પવિત્ર ફરજ બજાવવા જાગૃત્ત કરવા લીડબેંક-બેંક ઓફ બરોડા સહિતની વિવિધ રાષ્ટ્રીયકૃત્ત બેંકો જોડાશે. નાગરિકોને તેમના મોબાઇલ પર મતદાન માટે મેસેજીસ મોકલવામાં આવશે. મહાપર્વ એવા મતદાન માટે બેંકોનો સહયોગ એ પ્રેરણાદાયી અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ માટે જાગૃત્ત હોવાની ખાતરી પણ આપે છે. વધુમાં વધુ મતદાનના પ્રેરક સંદેશાનો જુદાં માધ્યમથી પ્રચાર-પ્રસાર કરવામાં સહકાર આપવા બદલ આભારની લાગણી પણ શ્રી ઝવેરીએ વ્યક્ત કરી હતી.
        લીડબેંક-બેંક ઓફ બરોડાના રિજયોનલ મેનેજર શ્રી જયોતિકા પટેલે કહ્યું કે, મતદાન મહાદાન છે. લોકશાહી રાષ્ટ્ર માટે મતદાનનું મૂલ્ય અનેરું છે. યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિતના નાગરિકો તા.૨૩મીએ વધુમાં વધુ મતદાન કરે તે માટે બેંક દ્વારા મેસેજીસ મોકલવામાં આવશે. વધુમાં બેંકિંગ કાર્ય માટે આવતા નાગરિકોને મતદાન માટે અનુરોધ કરવામાં આવશે. SVEEP તળે મતદાન જાગૃત્તિ પ્રવૃત્તિમાં સહભાગી થઇ રાષ્ટ્ર પ્રત્યેની ઉમદા ફરજ નિભાવવાની તક મળ્યાની ખુશી શ્રી પટેલે વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં ડૉ. સુધીર જોષી, વિવિધ બેંકના અધિકારી-કર્મચારીશ્રીઓ અને ચૂંટણી ફરજ પરના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Author: verified_user

0 comments: