દંતાલી સીમના તળાવમાં કોન્ટ્રાકટરના બદલે અન્યોએ માટી ખોદતા મામલો પોલીસમાં
નડિયાદ પાસે આવેલ દંતાલી ગામે તળાવમાંથી માટી ખોદવાનો કોન્ટ્રાકટ મેળવનાર વ્યકિતની ગેરહાજરીમાં અન્ય વ્યકિતઓ દ્વારા ગેરકાયદે રીતે માટી ખોદાણનો મામલો વસો પોલીસ મથકે પહોંચ્યો છે. જેથી પોલીસે સ્થળ તપાસ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતોમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત દંતાલી ગામની સીમમાં આવેલ તળાવને ઊંડુ કરવાનો સરકારનો કોન્ટ્રકટ નડિયાદના વિજયભાઇ ભરવાડે મેળવ્યો હતો. દરમયાન ગત ૧ એપ્રિલના રોજ વસોના ટીડીઓએ ટેલિફોનિક સૂચના આપીને ચૂંટણી સુધી તળાવ ખોદકામની કામગીરી બંધ રાખવા જણાવ્યું હતું. જેથી વિજયભાઇએ ખોદકામ બંધ કર્યુ હતું. પરંતુ તેમની ગેરહાજરીમાં કેટલાક ઇસમો તળાવમાં ગેરકાયદે ખોદકામ કરી રહ્યાની વાત જાણવા મળતા વિજયભાઇ અને તેમના મિત્રો તળાવ પર પહોંચ્યા હતા.
જયાં ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા બાદશાહ ભરવાડ નામના વ્યકિતને મૌખિક પરવાનગી આપી હોવાથી તળાવ ખોદકામ થઇ રહ્યાનું જાણવા મળ્યું હતું. આથી વિજયભાઇએ પોતે સરકારી કોન્ટ્રાકટ મેળવ્યો હોવાથી તળાવ ખોદકામ બંધ કરવા કહ્યું હતું. આથી બાદશાહ ભરવાડ સહિતના વ્યકિતઓ સાથે બોલાચાલી થઇ હતી. સમગ્ર ઘટના બાબતે વસો પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળ પર પહોચી હતી, અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે બંને જુથોના જવાબ લઇ વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. જાણવા મળ્યાનુસાર દંતાલી સીમમાં આવેલ એક ફેકટરી નજીકની કેનાલમાં તળાવમાંથી ગેરકાયદે માટી ખોદાણ કરીને ઠાલવવામાં આવી છે. જેથી સિંચાઇ વિભાગની કેનાલને માટીથી પુરાણ કરી દેવામાં આવી રહ્યાની બાબતે પણ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે


0 comments: