Sunday, 14 April 2019

ચૂંટણી ફરજ ઉપરનાં અધિકારીઓ / કર્મચારીઓ માટે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજનાં ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી યોજાયું મતદાન

SHARE
લોકસભા સામાન્ય ચૂંટણીઓ- ૨૦૧૯
ચૂંટણી ફરજ ઉપરનાં અધિકારીઓ / કર્મચારીઓ માટે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજનાં ફેસીલીટેશન સેન્ટર ખાતે પોસ્ટલ બેલેટથી યોજાયું મતદાન : ૯૦ અધિકારીઓ / કર્મચારીઓનું નોંધાયું મતદાન





જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલે
ફેસીલીટેશન સેન્ટરની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયાનું કરેલું નિરીક્ષણ
જિલ્લામાં બે દિવસ દરમિયાન કુલ- ૩૫૪ નું પોસ્ટલ બેલેટથી નોંધાયેલું મતદાન
આજે જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ-હોમગાર્ડઝ જવાનો માટે પોસ્ટલ બેલેટથી યોજાશે મતદાન
        રાજપીપળા-નર્મદા જિલ્લામાં તા. ૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે મતદાનનાં દિવસે ચૂંટણી ફરજ પર રહેનારાં અધિકારીઓ / કર્મચારીઓ પણ ચૂંટણીપંચની સૂચના મુજબ પોસ્ટલ બેલેટથી મતદાન દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલનાં માર્ગદર્શન હેઠળ આજે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજ સંકુલમાં ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે યોજાયેલા મતદાનમાં ૯૦ જેટલા અધિકારીઓ / કર્મચારીઓએ મતદાન કર્યું હતું.
        નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલ આજે સવારે રાજપીપલામાં આયુર્વેદિક કોલેજનાં ફેસિલિટેશન સેન્ટરની મુલાકાત લઇ પોસ્ટલ બેલેટથી યોજાયેલા મતદાનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલે માધ્યમો સાથેનાં સંવાદમાં જણાવ્યું હતું કે, લોકસભાની આગામી ચૂંટણીમાં ફરજ ઉપર રહેનારા આ મત વિસ્તારના અધિકારીઓ / કર્મચારીઓ માટે ફેસીલીટેશન સેન્ટરની સુવિધાના માધ્યમથી પોલીંગ સ્ટાફની મતદાનની કામગીરી આજે પણ અત્રે ચાલી રહી છે.
        જિલ્લામાં કુલ આવા ૪૫૦૦ જેટલા પોલીંગ સ્ટાફ ઉપરાંત SRP, પોલીસ વગેરે જેવા કર્મચારીઓ છે જે પોસ્ટલ બેલેટ અને EDC (ઇલેક્શન ડ્યુટી સર્ટિફીકેટ) ની સુવિધા લેનારા છે તે પૈકી આજે દેડીયાપાડા વિધાનસભા વિસ્તારનાં શિક્ષકો જે તાલીમમાં છે તેઓ મતદાન કરી રહ્યાં છે. આવતીકાલે અને પરમ દિવસ માટે જિલ્લાના તમામ પોલીસ, હોમગાર્ડઝ, GRD વગેરે જેવો સ્ટાફ કે જે ચૂંટણી ફરજમાં જોડાનાર છે તેમના માટે જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ કેમ્પનું આયોજન કરાયું છે. જે કર્મચારીઓ પોતાના વિસ્તારમાં કામ કરે છે અને મત આપવાનો થતો હોય પણ તેમને ઇલેક્શન ડ્યુટી સર્ટિફીકેટ (EPC) ઇશ્યુ કરવામાં આવે છે અને આવા સર્ટિફીકેટ તમામ ફરજ પરના કર્મચારીઓને આપવામાં આવે છે અને તેના આધારે જે તે મતદાન મથક પરની ફરજના સ્થળે ઇલેક્શન ડ્યુટી સર્ટિફીકેટ રજૂ કરીને પોતે મતદાન કરી શકશે. જે કર્મચારીઓ અન્ય વિધાનસભા મતવિસ્તારમાં છે અથવા અન્ય સંસદીય મત વિસ્તારમાં છે તેવા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવી રહ્યાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.
        આજની આ મુલાકાત દરમિયાન મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને નાંદોદનાં પ્રાંત અધિકારીશ્રી કે.ડી. ભગત, મામલતદારશ્રી બારોટ, EVM મેનેજમેન્ટના નોડલ અધિકારીશ્રી આર.વી. બારીયા, પોસ્ટલ બેલેટનાં નોડલ અધિકારીશ્રી અને બીરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રી વિજયસિંહ વાળા, પોસ્ટલ બેલેટના મદદનીશ નોડલ અધિકારીશ્રી અને PRO શ્રી એસ.આર. ચૌધરી વગેરે પણ સાથે રહ્યાં હતાં.
        અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે નાંદોદ વિસ્તાર માટે રાજપીપલા આયુર્વેદિક કોલેજ ખાતે ફેસીલીટેશન સેન્ટર ખાતે ૯૭ અને દેડીયાપાડા આદર્શ નિવાસી શાળાના ફેસીલીટેશન સેન્ટર ખાતે ૧૬૭ સહિત કુલ ૨૬૪ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આમ, આજના નાંદોદનાં ૯૦ ના મતદાન સાથે જિલ્લામાં આજદિન સુધી કુલ- ૩૫૪ નું મતદાન નોંધાવા પામ્યું છે.

        તા.૧૫ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ સવારનાં ૧૦-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન જીતનગર પોલીસ હેડક્વાર્ટરમાં ખાતે પોલીસ તાલીમ કેન્દ્રના ફેસીલીટેશન સેન્ટર ખાતે પોલીસ, હોમગાર્ડસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે. 
SHARE

Author: verified_user

0 comments: