Monday, 1 April 2019

નડિયાદના શતાયુ મતદાર ઇન્દુમતિબેન પરીખ મતદાન કરવા મકકમ

SHARE

નડિયાદના શતાયુ મતદાર ઇન્દુમતિબેન પરીખ મતદાન કરવા મકકમ
ખેડા જિલ્‍લામાં ૧૩૭ શતાયુ મતદારો



નડિયાદ-ખેડા લોકસભા બેઠકની ચૂંટણી આગામી તા.૨૩/૪/૨૦૧૯ના રોજ યોજાનાર છે. જેમાં વધુને વધુ નાગરિકો મતદાન કરવા પ્રેરાય તે માટે સ્‍વીપ મતદાર જાગૃતિ અભિયાન પણ ચૂંટણી પંચ દ્વારા ચલાવાઇ રહયું છે. ખેડા લોકસભાની ચૂંટણીમાં નડિયાદના ૧૦૧ વર્ષના ઇન્‍દુમતિબેન મોહનલાલ પરીખ આ વખતે પણ મતદાન કરવાનો સંકલ્‍પ વ્‍યકત કર્યો છે. ખેડા જિલ્‍લામાં લોકસભા ચૂંટણી ૨૦૧૯માં કુલ ૧૩૭ શતાયું મતદારો નોંધાયા છે. ખેડા જિલ્‍લાના માતર વિધાનસભા વિભાગમાં ૧૫, નડિયાદમાં ૧૪, મહેમદાવાદમાં ૧૪, મહુધામાં
૧૯, ઠાસરામાં ૫૨ અને કપડવંજમાં ૨૩ સહિત કુલ ૧૩૭ શતાયું મતદારો નોંધાયેલા છે.
તા.૨૫/૬/૧૯૧૮ના રોજ જન્‍મેલ ઇન્‍દુમતિબેન હાલ ૧૦૧ વર્ષની વય ધરાવે છે. પરંતુ વોટ આપીને લોકશાહીની ગરીમા જાળવી રાખવાનો તેમનો બુલંદ જુસ્‍સો આજે પણ યુવાનોને શરમાવે તેવો છે. તેઓને મળવાનું થયું ત્‍યારે તેઓએ ચૂંટણી અંગે તેમનો અભિપ્રાય વ્‍યકત કર્યો હતો. હાલ તેઓને થાપાના હાડકાનું ઓપરેશન કરાવેલ છે. ઓપરેશન અને વયના કારણે અશકતા અનુભવી રહયા છે, પરંતુ મતદાન માટે ખુબ જ ઉત્‍સુક છે. તેઓએ જણાવ્‍યું કે, હું દર વખતે નિયમીત રીતે ચૂંટણીમાં છેલ્‍લા ૬૦ વર્ષથી વોટ આપવા જાંઉ છું. મને યાદ છે કે છેલ્‍લી ચૂંટણીમાં પણ હું મારા પૌત્ર સાથે વોટ આપવા ગઇ હતી અને આ વખતે પણ હું મારા પૌત્ર મિતેન દિલીપભાઇ પરીખ સાથે જ વોટ આપવા જવાની છું. હું મારા મતાધિકારનો ઉપયોગ કરવાની જ છું.
તેઓશ્રીએ જણાવ્‍યું હતું કે, ચૂંટણીએ લોકશાહી દેશ માટે મોટો ઉત્‍સવ છે અને આ ઉત્‍સવમાં સહભાગી  થવાની તક જેને મળેલ છે તેને ગુમાવવી જોઇએ નહિં.  આ ઉંમરે હું પણ મારો મત આપવા જવાની છું, તો મારી દરેક મતાધિકાર ધરાવતા નાગરીકોને જાહેર અપીલ છે કે, તેઓ પણ તેમના મતનો ઉપયોગ જરૂર કરે અને પોતાની પવિત્ર ફરજ બજાવે. મતદારોએ તેઓના આત્‍માના અવાજને અનુસરી રાષ્‍ટ્ર હિતને ધ્યાને લઇ મત જરૂર આપવો જોઇએ
SHARE

Author: verified_user

0 comments: