Thursday, 11 April 2019

લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં તમામ મતદારોને નિર્ભિકપણે-ઉત્સાહભેર ભાગ લઇ મહત્તમ મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલની મતદારો જોગ અપીલ

SHARE


લોકશાહીનાં મહાપર્વની ઉજવણીમાં તમામ મતદારોને નિર્ભિકપણે-ઉત્સાહભેર ભાગ લઇ
મહત્તમ મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલની મતદારો જોગ અપીલ


રાજપીપલા:- નર્મદા જિલ્લામાં આગામી તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ને મંગળવારનાં રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ મુક્ત, ન્યાયી, તટસ્થ, પારદર્શિતા સાથે આદર્શ આચાર સંહિતાનાં ચુસ્ત અમલ સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલનાં માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર મતદાન સબબની પૂર્વ તૈયારીઓની દિશામાં તબક્કાવાર કામગીરી સાથે ક્રમશઃ આગળ ધપી રહ્યું છે.

        નર્મદા જિલ્લામાં તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ નાં રોજ યોજાનારી ચૂંટણીમાં જિલ્લાનાં ૬૨૬ મતદાન કેન્દ્રો ખાતે કુલ ૩૪૨૬ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓને જે તે મતદાન કેન્દ્રો ખાતે ફરજ પર તૈનાત કરાશે. જેમાં ૭૩૭ પ્રમુખ અધિકારી, ૭૩૭ મદદનીશ પ્રમુખ અધિકારી, ૩૭૦ મતદાન અધિકારી, ૯૫૬ મહિલા મતદાન અધિકારી, ૬૨૬ પટાવાળા સહિત કુલ-૩૪૨૬ અધિકારીઓ / કર્મચારીઓ (અનામત સ્ટાફ સહિત) નો સમાવેશ થાય છે. 
 નર્મદા જિલ્લામાં કુલ ૬૨૬ મતદાન મથકો ખાતે યોજાનારા મતદાન માટે નાંદોદ વિસ્તારમાં ૩૪૭ BU, ૩૪૭-CU અને ૩૮૧-VVPAT (અનામત સહિત) ઉપયોગમાં લેવાશે, જ્યારે દેડીયાપાડા વિસ્તારમાં ૩૧૪ મતદાન કેન્દ્રો ખાતે ૬૯૮-BU, ૩૪૯-CU અને ૩૮૪-VVPAT ઉપયોગમાં લેવાશે. આમ, જિલ્લામાં ઉક્ત બંને વિસ્તાર માટે કુલ ૬૨૬ મતદાન કેન્દ્રો ખાતે ૧૦૪૫-BU, ૬૯૬-CU અને ૭૬૫-VVPAT (અનામત સહિત) ઉપયોગમાં લેવાશે.
       
 જિલ્લામાં મતદાનના દિવસે નાંદોદમાં ૩૯ અને દેડીયાપાડામાં ૪૬ સહિત કુલ- ૮૫ જેટલાં ઝોનલ-સેક્ટર અધિકારીઓને પણ જે તે ઝોનમાં ફરજ ઉપર તૈનાત કરાશે, મતદાન માટેની સામગ્રી સાથે મતદાન ટૂકડીઓ જે તે મતદાન મથકોએ પહોંચાડવા માટે જિલ્લામાં બસના ૪૦, મીની બસનાં ૯ અને જીપનાં ૨૯ સહિત કુલ- ૭૮ વાહનોનાં રૂટની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
        નર્મદા જિલ્લામાં છોટાઉદેપુર અને ભરૂચ સંસદીય લોકસભા મતવિસ્તારની બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીનાં મતદાનમાં જિલ્લાનાં ૪,૨૭,૬૭૯ જેટલાં મતદારો તેમનાં પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરીને આ ચૂંટણી સ્પર્ધામાં રહેલા કુલ ૨૫ ઉમેદવારોનું ભાવિ ઘડી કાઢવામાં ભાગીદાર બનશે.
        અત્રે ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ-૨૦૧૪ ની લોકસભા સામાન્ય ચૂંટણીઓ માટે ૩,૯૩,૩૯૬ મતદારોની સંખ્યા નોંધાઇ હતી. જેની સરખામણીએ આગામી લોકસભાની ચૂંટણી માટે ૩૪,૨૮૩ વધુ મતદારો નોંધાયાં છે.
         નર્મદા જિલ્લામાં ૪૦ જેટલાં મતદાન કેન્દ્રો ખાતે વેબકાસ્ટીંગ કેમેરા ગોઠવાશે અને આવા મતદાન કેન્દ્રોની તમામ ગતિવિધિઓ-હિલચાલનું જીવંત પ્રસારણ ચૂંટણીપંચ નિહાળી શકશે. તેવી જ રીતે જિલ્લામાં અગત્યતા ધરાવતાં ૬૩ જેટલાં મતદાન મથકો ખાતે કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષકશ્રીનાં દિશા-નિર્દેશો મુજબ અગત્યતા ધરાવતાં ૬૩ જેટલાં મતદાન મથકો ખાતે માઇક્રોઓબ્ઝર્વરને ચૂંટણી ફરજ ઉપર તૈનાત કરાશે અને જે તે મતદાન મથકો ખાતે ચૂંટણી પ્રક્રિયાનું તેઓ સતત નિરીક્ષણ કરશે અને તે અંગેનો સીધો અહેવાલ કેન્દ્રિય ચૂંટણી નિરીક્ષકશ્રી (જનરલ) ને તેઓ સુપ્રત કરશે.
         અત્રે ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ-૨૦૧૪ માં યોજાયેલી લોકસભા સામાન્ય ચૂંટણીઓ માટે છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારની બેઠક ઉપર ૪ ઉમેદવારો વચ્ચે અને ભરૂચ સંસદીય મતવિસ્તારની બેઠક ઉપર ૧૪ ઉમેદવાર સહિત કુલ-૧૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જ્યારે જિલ્લામાં ૫૬૧ મતદાન કેન્દ્રો ખાતે ૨૬૯૮ જેટલાં અધિકારીઓ / કર્મચારીઓ સહિતનો પોલીંગ સ્ટાફ ફરજ પર તૈનાત કરાયો હતો.
        ગત એપ્રિલ ૨૦૧૪ ની લોકસભા સામાન્ય ચૂંટણીઓની સરખામણીએ આગામી તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ ના રોજ નર્મદા જિલ્લામાં ઉક્ત બંને સંસદીય મતવિસ્તાર માટે યોજાનારા મતદાન સંદર્ભે છોટાઉદેપુર બેઠક માટે વધુ ૪ અને ભરૂચ માટે વધુ ૩ ઉમેદવારો સહિત કુલ-૨૫ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જિલ્લામાં આ વખતે વધુ ૬૫ મતદાન મથકો ઉમેરાયા છે અને ૩૪૨૮૩ વધુ મતદારો ગત ચૂંટણીની સરખામણીમાં મતાધિકાર ધરાવી રહ્યાં છે. તેવી જ રીતે ગત ૨૦૧૪ બાદ જિલ્લામાં ચૂંટણીલક્ષી ગુન્હાઓના પ્રમાણમાં નોંધાયેલા ઘટાડાને લીધે ૨૦૧૯ ની ચૂંટણીમાં ગત વખતનાં વેબકાસ્ટીંગ કેમેરાની ૬૬ ની સંખ્યા ઘટીને ૪૦ થતાં તેમાં આ વખતે ૨૬ વેબકાસ્ટીંગ કેન્દ્રોનું ઘટાડો નોંધાયો છે. તેવી જ રીતે ગત વખતની ૧૯૪ માઇક્રો ઓબ્ઝર્વરની સંખ્યા ઘટીને ૬૩ ની થતાં તેમાં પણ આ વખતે ૧૩૧ જેટલા માઇક્રો ઓબ્ઝર્વરની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનાં અહેવાલ જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયા છે.

SHARE

Author: verified_user

0 comments: