Wednesday, 24 April 2019

વડોદરા શહેર પોલીસ કમિશ્નરશ્રીએ પોલીટેકનીક કોલેજ ખાતેના મતગણના કેન્દ્ર-સ્ટ્રોન્ગ રૂમની મુલાકાત લીધી

SHARE



વડોદરા શહેર પોલીસ કમિશ્નરશ્રીએ પોલીટેકનીક કોલેજ ખાતેના મતગણના કેન્દ્ર-સ્ટ્રોન્ગ રૂમની મુલાકાત લીધી





ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે મહા નિરીક્ષકશ્રીઓની ઉપસ્થિતિમાં
 મતદાન અધિકારીઓના દસ્તાવેજોની ચકાસણી
મતગણના પૂરી થાય ત્યાં સુધી ભારતના ચૂંટણીપંચના દિશાનિર્દેશો પ્રમાણે ચોવીસે કલાક સ્ટ્રોન્ગ રૂમ્સની અતિ ચુસ્ત સુરક્ષા રાખવામાં આવશે : શહેર પોલીસ કમિશનશ્રી

વડોદરા તા. ૨૪ : શહેર પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલૌત પોલીટેકનીક કોલેજ ખાતેના વડોદરા સંસદિય બેઠકના મતગણના કેન્દ્ર અને સ્ટ્રોન્ગ રૂમ્સની મુલાકાત લીધી હતી. તેમણે આ સ્થળે ભારતના ચૂંટણીપંચના મહા નિરીક્ષકશ્રીઓ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને વડોદરા સંસદિય બેઠકના ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલ સાથે સ્થળ સુરક્ષાની ચાકચૌબંદ વ્યવસ્થાઓ અંગે વિચાર વિમર્શ કર્યો હતો.
        મતગણતરી તા.૨૩મી મે, ૨૦૧૯ના રોજ થવાની છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ભારતના ચૂંટણી પંચના દિશાસૂચન અને માર્ગદર્શનોને અનુસરીને મતગણના પૂરી થાય ત્યાં સુધી ચોવીસે કલાક પોલીટેકનીક કોલેજ ખાતે સ્ટ્રોન્ગ રૂમ્સ તેમજ સમગ્ર પરિસરની અતિ ચુસ્ત સુરક્ષા કરવામાં આવશે.
        તેમણે જણાવ્યું કે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે આ સ્થળના બહારના ભાગની સુરક્ષાની જવાબદારી શહેર પોલીસ અને પ્રવેશ દ્વારથી અંદરના પરિસરની સુરક્ષા વ્યવસ્થા એસઆરપી અને પેચ મિલીટ્રી ફોર્સીસ દ્વારા કરવામાં આવશે, જેનું ઉચ્ચાધિકારીઓ સુપરવિઝન કરશે. પરિસરની અંદર-બહાર ચકોર નજર માટે સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ સીસીટીવી સ્ક્રીન પર તમામ સ્ટ્રોન્ગ રૂમ્સની બહારની ગતિવિધિઓનું સતત નિરીક્ષણ કરી શકાય એવી વ્યવસ્થા છે.
        તેમણે શાંતિપૂર્ણ મતદાન ઉત્સાહપૂર્વક કરવા માટે અને કાયદો-વ્યવસ્થા જાળવણીમાં સહયોગ આપવા માટે નાગરિકોનો આભાર માન્યો હતો તથા આ પ્રકારની જનજાગૃતિ કેળવવામાં માધ્યમોના સહયોગની પ્રશંસા કરી હતી.
        મતગણના કેન્દ્ર ખાતે વડોદરા સંસદિય બેઠકના સાત વિધાનસભા વિસ્તારો પ્રમાણે સાત સ્ટ્રોન્ગ રૂમ્સમાં કુલ ૧૮૨૪ ઇવીએમ/વીવીપેટ સુરક્ષિત રીતે સાચવવામાં આવ્યા છે. આ ખંડોને ઉમેદવારો-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સીલ કરવામાં આવ્યા છે. આજે વડોદરા બેઠકના ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે મતદાન અધિકારીઓની ડાયરી તેમજ સાધનીક દસ્તાવેજોની, મહા નિરીક્ષકશ્રીઓ તેમજ સંબંધિતોની ઉપસ્થિતિમાં ચકાસણી(સ્ક્રુટીની) કરી હતી.       

SHARE

Author: verified_user

0 comments: