કલા ગુરૂ જ્યોતિભાઇ ભટ્ટની કલા સિધ્ધિઓ યુવા પેઢી માટે પ્રેરણાપ્રદ :
એમને પદ્મ પુરસ્કાર મળવાથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે : અધિક મુખ્ય સચિવશ્રી
અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે દિગ્ગજ કલાવિદ્દ જ્યોતિભાઇ ભટ્ટની
શુભેચ્છા મુલાકાત લીધી અને ભારતના રાષ્ટ્રપતિશ્રી વતી પદ્મ પુરસ્કાર અર્પણ કર્યો
વડોદરા
-વિવિધ કલા આયામોમાં સિધ્ધહસ્ત વડોદરાના
કલા દિગ્ગજ જ્યોતિભાઇ માનશંકર ભટ્ટને ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા પદ્મશ્રી
પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો છે. જોકે સ્વાસ્થ્યના કારણોસર તેઓ આ એવોર્ડ
સ્વીકારવા દિલ્હી જઇ શક્યા ન હતા.
તેને અનુલક્ષીને આજે રાજ્યના અધિક મુખ્ય
સચિવ શ્રીમતી સંગીતા સિંઘે તેમના વડોદરા સ્થિત નિવાસસ્થાને જઇને શુભેચ્છા મુલાકાત
લીધી હતી તથા ભારતના રાષ્ટ્રપતિશ્રી વતી પદ્મ પુરસ્કાર પ્રદાન કર્યો હતો. તેમણે
જ્યોતિભાઇની કલા સાધનાને બિરદાવીને ભાવભર્યા અભિનંદન પાઠવ્યા હતા અને ગૌરવની લાગણી
વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ ખાસ ઉપસ્થિત
રહ્યા હતા.
જ્યોતિભાઇ ભટ્ટની કલા સિધ્ધિઓ અને કલાને
સમર્પિત જીવન યુવા પેઢી માટે પ્રેરણાપ્રદ છે એવી લાગણી વ્યક્ત કરતા અધિક મુખ્ય
સચિવશ્રીએ જણાવ્યુ હતુ કે તેમના રાષ્ટ્રીય સન્માનથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે.
આટલા ઉચ્ચત્તમ કલાવિદ્દ હોવા છતાં તેમનું સૌજન્ય અને સાદગી અનોખો પ્રભાવ પાડે છે.
શ્રી જ્યોતિભાઇ ભટ્ટે ઘેર આવીને ઉચ્ચ
અધિકારી પદ્મ પુરસ્કાર અર્પણ કરે તેવા સૌજન્ય માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું કે ભારતનું પ્રત્યેક રાજ્ય, પ્રત્યેક જનજાતિ અનોખી કલાસમૃધ્ધિ
ધરાવે છે. આ કલાકારોને પીઠબળ આપીને કલાને જીવંત રાખી શકાશે.
શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે
જ્યોતિભાઇ ભટ્ટને પદ્મ પુરસ્કાર મળવાથી વડોદરા ગૌરવન્વિત થયું છે. તેમની કલાસાધના
ખૂબ જ પ્રેરણાદાયક છે.
આ પ્રસંગે સંયુક્ત સચિવ શ્રી જ્વલંત
ત્રિવેદી, અધિક કલેકટર શ્રી નારાયણ માધુ, શ્રીમતી જ્યોત્સના ભટ્ટ ઉપસ્થિત રહ્યા
હતા.



0 comments: