દેડીયાપાડાના શેડો એરિયાના વિવિધ મતદાન કેન્દ્રોની
મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે. પટેલ
સંબંધિત મતદાન કેન્દ્રો ખાતે વાયરલેસ સેટ-વોકીટોકી
સેટનાં ડેમોસ્ટ્રેશન થકી
સંદેશાવ્યવહાર આપ-લે પ્રક્રિયાની ચકાસણી સાથે શ્રી પટેલે
કરેલું નિરીક્ષણ
રાજપીપળા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા
કલેક્ટરશ્રી આઇ.કે. પટેલે ગઇકાલે નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા વિધાનસભા
મતવિસ્તારમાં શેડો એરિયામાં આવેલ જુના મોઝદા, ડુમખલ, ગીચડ, બલ, વાઘઉમર, પીપલોદ,
સાંકળી, કોકમ ખાતેનાં મતદાન કેન્દ્રોની મુલાકાત લઇ મતદાનના દિવસે સંદેશા વ્યવહારની
આપલે માટે ઉપયોગમાં લેવાનારા વાયરલેસ અને વોકીટોકી સેટનાં ડેમોન્સ્ટ્રેશન-નિદર્શન
થકી તેની ચકાસણી કરી હતી. નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, દેડીયાપાડાનાં
મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી આર.એસ. દેસાઇ, વન વિભાગનાં મદદનીશ
વન સંરક્ષકશ્રી ઇદરીશ ટોપીયા પણ આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પટેલની
સાથે જોડાયાં હતાં.
અત્રે
એ ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાનાં નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારના
૧૦૩ જેટલા મતદાન મથકો શેડો એરિયામાં આવેલ છે, જે પૈકી નાંદોદમાં- ૩૧ અને
દેડીયાપાડામાં ૭૨ મતદાન મથકોનો સમાવેશ થાય છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઇ.કે.
પટેલે આજે દેડીયાપાડા વિસ્તારનાં ઉક્ત નિર્દિષ્ટ ગામોની મુલાકાત દરમિયાન વાયરલેસ
અને વોકીટોકી સેટના સંચાલનની ચકાસણી ઉપરાંત આ ગામોમાં જે તે કંપનીઓ તરફથી ઉપલબ્ધ
નેટવર્કની પણ ચકાસણી કરી તેની જાણકારી મેળવી હતી. જેથી મતદાનના દિવસે
વાયરલેસ-વોકીટોકી સેટ સિવાય ઉપલબ્ધ અન્ય નેટવર્કની સુવિધા વિકલ્પરૂપે તેનો ઉપયોગ
કરી શકાય. જિલ્લામાં JIO
કંપની દ્વારા નવા ટાવર ઉભા કરવાની કામગીરી થઇ રહેલ હોઇ આગામી દિવસોમાં શેડો
એરિયાનાં મતદાન કેન્દ્રોની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે.
જિલ્લા
ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલે આજે શેડો એરીયાનાં ઉક્ત
મતદાન કેન્દ્રોની મુલાકાત દરમિયાન સરહદી વિસ્તારમાં આંતરરાજ્ય બોર્ડર ચેકપોસ્ટની
પણ મુલાકાત લઇ ત્યાંની કામગીરી નિહાળી હતી અને જરૂરી સૂચનો કર્યાં હતાં. આ મુલાકાત
દરમિયાન દેડીયાપાડાના મામલતદારશ્રી અવિચલ વસાવા અને સાગબારાના મામલતદારશ્રી
દિપકભાઇ બારીયા પણ સાથે રહ્યાં હતાં.



0 comments: