ખેડા સંસદીય મતવિભાગની ચૂંટણીમાં ૬૨ ટકા
ઉપરાંત મતદાન થયાનો તંત્રનો અંદાજ
ખેડા બેઠક પર પાંચ વાગ્યા સુધીમાં ૫૬.૫૬
ટકા મતદાન નોંધાયું
મતદારો અને મતદાર જાગૃતિ અભિયાનમાં યોગદાન
આપનાર તમામનો
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુધીર પટેલ
કર્યો ઋણ સ્વીકાર
ખેડા લોકસભા બેઠક માટે સાત ઉમેદવારોનું
ભાવિ ઇવીએમમાં સીલ
તા.૨૩ મે ના રોજ નડિયાદ ખાતે મત ગણતરી હાથ
ધરાશે
નડિયાદ :: ખેડા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીનું આજે યોજાયેલ
મતદાન એકંદરે શાંતિપૂર્ણ અને કોઇ અસાધારણ ઘટના વગર પુરૂં થયું હતું. જિલ્લા ચૂંટણી
અધિકારી શ્રી સુધીર પટેલે ખેડા લોકસભા બેઠક માટે અંદાજે ૬૨ ટકા જેટલું મતદાન
રહેવાની અપેક્ષા વ્યકત કરી હતી અને મતદાનની જાગૃતિ દાખવવા બદલ મતદાતાઓને ધન્યવાદ
આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૫૯.૫૦ ટકા મતદાન થયું
હતું. જયારે ડિસેમ્બર-૧૭માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ખેડા જિલ્લામાં ૭૧.૪૨
ટકા મતદાન થયું હતું. ખેડા લોકસભા બેઠક માટે કુલ સાત ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં
સીલ થયું છે. તા.૨૩-૦૫-૧૯ના રોજ નડિયાદ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
ખેડા
લોકસભા બેઠક ઉપર સાંજના ૫.૦૦ કલાક સુધીમાં દસક્રોઇમાં ૨,૦૩,૮૪૮ મતદારોએ, ધોળકામાં
૧,૩૭,૦૦૦, માતરમાં ૧,૩૮,૨૬૧, નડિયાદમાં ૧,૩૮,૨૯૪, મહેમદાવાદમાં ૧,૩૪,૭૩૫, મહુધામાં
૧,૧૨,૯૫૭, અને કપડવંજમાં ૧,૫૪,૮૩૧ સહિત કુલ ૧૦,૧૯,૯૨૬ મતદારોએ મતદાન કર્યું હતું.
ખેડા લોકસભા બેઠક માટે સાંજના ૫.૦૦ વાગ્યા સુધીમાં
૫,૭૨,૩૬૯ પુરૂષ અને ૪,૪૭,૫૩૯ મહિલાઓ તથા અન્ય જાતિના ૧૮ સહિત કુલ ૧૦,૧૯,૯૨૬
મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંજના ૫.૦૦ કલાક સુધીમાં દસક્રોઇમાં ૬૦.૮૯
ટકા, ધોળકામાં ૫૮.૦૫ ટકા, માતરમાં ૫૮.૯૪ ટકા, નડિયાદમાં ૫૪.૪૪ ટકા, મહેમદાવાદમાં ૫૭.૬૨
ટકા, મહુધામાં ૪૯.૩૨ ટકા અને કપડવંજમાં ૫૫.૫૨ ટકા સહિત કુલ ૫૬.૫૬ ટકા મતદાન થયું
હતું. ૫ કલાક સુધીમાં પુરૂષ ૬૧.૫૪ ટકા, સ્ત્રી ૫૧.૨૭ ટકા અને અન્ય જાતિના ૨૫ ટકા
મતદારોએ મતદાન કર્યું હતું.
શાંતિપૂર્ણ
મતદાન માટે નાગરિકો અને રાજકીય પક્ષો સહિત સહુનો આભાર માનતા જિલ્લા ચૂંટણી અધિકારી
શ્રી સુધીર પટેલે જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન મળેલ ફરિયાદોનો ત્વરિત નિકાલ
કરવામાં આવ્યો હતો અને મતદાન વિક્ષેપ વગર ચાલુ રહ્યું હતું. પોલીસ તંત્રએ પણ કાયદો-વ્યવસ્થા અને
શાંતિ-સલામતી જાળવવામાં અભિનંદનને પાત્ર યોગદાન આપ્યું હતું.
શ્રી
સુધીર પટેલે જણાવ્યું કે, મતદાતાઓને મતદાન વ્યવસ્થાની જાણકારી આપવાની સાથે મતદાન
કરવા સંકલ્પબધ્ધ કરવા તંત્રએ હાથ ધરેલી સઘન અને આક્રમક ઝુંબેશમાં યોગદાન આપનાર
તમામ સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, મંડળો, શિક્ષણ સંસ્થાઓ, યુવાનો, માધ્યમકર્મીઓનો
પણ તેમને સાભાર ઋણ સ્વીકાર કર્યો હતો. તેમણે ઉત્સાહપૂર્વક મતદાન કરવા બદલ જિલ્લાના
મતદારોને અભિનંદન આપ્યા હતા.









0 comments: