Saturday, 30 March 2019

મૂકબધિર વિધાર્થીઓએ રંગોળી બનાવીને બહેતર ભારત માટે મતદાન કરોનો વાચાળ સંદેશ આપ્યો

SHARE
તમે દિવ્યાંગ નથી ખાસ છો ગોડ ગીફ્ટેડ છો..તમે રંગોળી બનાવીને મતદાર જાગૃત્તિનો મોટો સંદેશ આપ્યો છે : જિલ્લા ચૂંટણી અધિકારી 






















મૂકબધિર વિધાર્થીઓએ રંગોળી બનાવીને બહેતર ભારત માટે મતદાન કરોનો વાચાળ સંદેશ આપ્યો
*સંકેતોની ભાષામાં મતદાન કરવા અને કરાવવાના શપથ લીધાં

વડોદરા- મતદાર શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ(સ્વીપ) હેઠળ મૂકધ્વનિ ટ્રસ્ટ સંચાલિત શાળાના મૂકબધીર વિદ્યાર્થીઓએ, અવનવી સંદેશાત્મક રંગોળીઓ બનાવીને “વોટ ફોર બેટર ઇન્ડિયા-બહેતર ભારત માટે અચૂક મતદાન કરો”નો બોલકો સંદેશો આપ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલ દિવ્યાંગો(મૂકબધીરો)ની સર્જનાત્મકતા સાથે સાંકળી મતદાન અવશ્ય કરોનો સંદેશો આપવાના આ પ્રયોગને નિહાળીને મંત્રમુગ્ધ થઇ ગયાં હતા.
        તેમણે અભિભૂતતાની લાગણીથી ભરેલા શબ્દોમાં કહ્યું હતું કે, તમે દિવ્યાંગ નથી, ખાસ છો, ગોડ ગીફ્ટેડ છે, તમે વાચાથી વંચિત છો છતાં મતદાનની પ્રેરણાનો ઘણો વાચાળ સંદેશ તમે આપ્યો છે. તમારી આ રંગોળી સક્ષમ લોકોને મતદાન કરવા માટે જાગૃત કરે એવી સશક્ત છે. મતદાન માટેની મૂકબધીરોની સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરતાં તેમણે જણાવ્યું કે તમે ઘણું મોટું અને ઘણું સારૂ કામ કર્યુ છે.
        કાર્યક્રમમાં મૂકબધીર વિદ્યાર્થીઓએ સાંકેતિક ભાષામાં અચૂક મતદાનના શપથ લઇને ઘણો મોટો સંદેશ આપ્યો હતો. તેમણે સંકેતો ધ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને આવકારતા જણાવ્યું કે, તમે આવ્યા એથી અમને ઘણું સારૂ લાગ્યું છે, તમે આવવાના છો એ જાણીને અમે આનંદિત થયાં અને ખૂબ મહેનત કરીને આ બધી રંગોળી બનાવી.

        જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ચૂંટણીપંચ વર્તમાન લોકસભા ચૂંટણીઓમાં એક્સેસીબલ ઇલેકશન-સુગમ્ય ચૂંટણીઓના સૂત્ર હેઠળ દિવ્યાંગોને સરળતાથી મતદાન માટે જરૂરી સુવિધાઓ આપવા કટીબધ્ધ છે. PWD એપ ધ્વારા દિવ્યાંગોને નામ નોંધણીથી લઇને મતદાન દિવસે જરૂરી સહાયતા માટે નોંધણી કરાવવાની સરળતા ઓનલાઇન ઉપલબ્ધ કરાવી છે. દરેક વ્યક્તિના મતથી સરકાર નક્કી થાય છે એટલે દિવ્યાંગોનો મત અગત્યનો છે.

        તેમણે પ્રત્યેક શ્રેણીના દિવ્યાંગો મતદાન કરી શકે તે માટેના જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયત્નોમાં સહભાગી બનવા માટે સમાજ સુરક્ષા વિભાગ તેમજ વિવિધ એનજીઓઝને બિરદાવી હતી.

        તેમણે જણાવ્યું કે દિવ્યાંગોને સહાનુભૂતિની નહીં સમાજ પાસેથી તકની, સન્માનની જરૂર છે. શાસન દિવ્યાંગ ફેન્ડલી સમાજના સર્જન માટે પ્રયત્નશીલ છે.

        મૂકબધીર શાળામાંથી મને સકારાત્મક ઉર્જા મળી છે. મને જ્યારે સકારાત્મક ઉર્જાની જરૂર વર્તાશે ત્યારે હું આપને ત્યાં આવીશ એવા લાગણીસભર શબ્દો તેમણે ઉચ્ચાર્યા હતા.

        કાર્યક્રમના ભાગરૂપે મૂકબધીરો માટે EVM-વીવીપેટ નિદર્શન યોજવામાં આવ્યુ હતું. સ્વીપના સંકલન અધિકારી ડો.સુધીર જોષી, સંસ્થા અધ્યક્ષ વિકેશ દેસાઇ, સમાજ સુરક્ષા અધિકારી હેતલ પરમાર અને મયંક ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
SHARE

Author: verified_user

0 comments: