Tuesday, 26 March 2019

વડોદરા લોકસભા ના વિધાનસભા બેઠકવાર ઇવીએમ-વીવીપેટના વિતરણનો પ્રારંભ કરાયો

SHARE
                               લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯

         
વડોદરા લોકસભા ના વિધાનસભા બેઠકવાર ઇવીએમ-વીવીપેટના વિતરણનો પ્રારંભ કરાયો 



જિલ્લા ચૂંટણી અધિકારીની દેખરેખ તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓના નિરીક્ષણ હેઠળ
કોમ્પ્યુટરાઇઝડ રેન્ડેમાઇઝેશન દ્વારા કરવામાં આવી પારદર્શક ફાળવણી
વડોદરા      લોકસભા ચૂંટણીઓ ૨૦૧૯ માટે મતદાન કરાવવાની પૂર્વ તૈયારીઓના રૂપમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર-જિલ્લાના ૨૫૮૬ મતદાન મથકો ખાતે તા.૨૩મી એપ્રિલના રોજ મતદાન કરાવવા માટે ઉપયોગમાં લેવાના હેતુસર વિજાણુ મતદાન યંત્રો (ઇવીએમ તેમજ વીવીપેટ) નું વિતરણ ભૂતડીઝાંપા ગોડાઉન ખાતેથી ચાલુ કરવામાં આવ્યું હતુ. આ વિતરણ બે દિવસ સુધી ચાલુ રહેશે.
        ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સોમવારની સાંજે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ અત્યંત પારદર્શક અને નિષ્પક્ષ કોમ્પ્યુટરાઇઝડ રેન્ડેમાઇઝેશન દ્વારા વડોદરા લોકસભા બેઠક હેઠળની સાત વિધાનસભા બેઠકો તેમજ છોટાઉદેપુર પીસીની બે અને ભરૂચ પીસીની એક બેઠક માટે ૨૫૮૬ મતદાન મથકો ખાતે મૂકવા માટેના EVM અને વીવીપેટની ફાળવણી, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓના નિરીક્ષણ હેઠળ કરવામાં આવી હતી અને તેની યાદી આ પ્રતિનિધિઓને આપવામાં આવી હતી. તેના પ્રારંભે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ચૌધરીએ આ કોમ્પ્યુટરાઇઝડ રેન્ડેમાઇઝેશનની સમગ્ર પ્રક્રિયાની વિગતવાર જાણકારી અને સમજણ આપી હતી.
        અત્રે નોંધ લેવી ઘટે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકે ફરજ બજાવવા માટે અધિકાર્મિકોની ડેટાબેન્ક બનાવવામાં આવે છે. આ ડેટાબેન્કમાંથી વિધાનસભા બેઠકવાર મતદાનકર્મીઓની ફાળવણી પણ રેન્ડેમાઇઝેશન દ્વારા જ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માનવ દખલ રહિત હોવાથી નિષ્પક્ષતા અને પારદર્શકતાની ખાતરી મળે છે. વડોદરા શહેર-જિલ્લાની કુલ દસ વિધાનસભા બેઠકો છે જે પૈકી સાત બેઠકોનો વડોદરા સંસદિય ક્ષેત્રમાં, પાદરા અને ડભોઇ બેઠકોનો છોટાઉદેપુર સંસદિય ક્ષેત્રમાં અને કરજણ બેઠકનો ભરૂચ સંસદિય ક્ષેત્રમાં સમાવેશ થાય છે.
        આ તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચોકીપહેરા સાથેના સ્ટ્રોન્ગ રૂમ્સ બનાવવામાં આવ્યા છે. વડોદરાથી ચોકીપહેરા હેઠળ આ મતદાન યંત્રોની રવાનગીની પ્રક્રિયાનું પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ નિરીક્ષણ કર્યુ હતુ.
        ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૧૮ ટકા મતદાન યંત્રો અને ૧૨૨ ટકા વીવીપેટની તકેદારીના રૂપમાં ફાળવણી કરવામાં આવે છે. EVM માં બેલેટ યુનિટ (મતપત્રક) અને કન્ટ્રોલ યુનિટ એક બે એકમોનો સમાવેશ થાય છે. ૨૫૮૬ મતદાન મથકો માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે ૩૦૫૬ બેલેન્સ યુનિટસ-કન્ટ્રોલ યુનિટસ અને ૩૧૬૧ વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે.
        સંપૂર્ણ પારદર્શકતાની ખાતરી માટે મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઇવીએમ-વીવીપેટનું ફરીથી સેકન્ડ રેન્ડેમાઇઝેશન કરાશે અને તેના આધારે કયા નંબરનું યંત્ર કયા મતદાન મથકે જશે તે નિર્ધારીત કરાશે.
SHARE

Author: verified_user

0 comments: