પાલઘર નજીક સુરતની બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં 6નાં મોત
મહારાષ્ટ્રના પાલઘર પાસે તોરંઘણા ઘાટ પર સુરતની ખાનગી બસ ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા બે મહિલા સહિત છનાં કરુણ મોત થયા હતા જ્યારે ૪૫ને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તો પૈકી પાંચની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
શહેરના અડાજણ, રૂદરપુરા અને ગોપીપુરા વિસ્તારના રહેવાસીઓ ધુળેટીની રાત્રે શિરડી,શનિદેવ, ત્ર્યંબકેશ્વર દર્શનાર્થે ગયા હતા અને રવિવારે બપોરે પરત ફરતી વેળા તેઓને અકસ્માત નડયો હતો. ઘાટ પર બસની બ્રેક ફેલ થતાં આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળે છે.
રવિવારે બપોરે ૨ વાગ્યાના અરસામાં પાલઘરના મોખાડા તાલુકામાં નાસિક-જવાહર રોડ પર તોરંઘણા ઘાટ પાસે સુરતની ખાનગી ટ્રાવેલર્સની બસ ૧૦૦ ફૂટ ઊંડી ખીણમાં પટકાઇ ગઇ હતી. અચાનક બસની બ્રેક ફેલ થતા ડ્રાઇવર બસ પર કાબૂ મેળવી શક્યો ન હતો, જેને પગલે બસ નીચે ખીણમાં પડી ગઇ હતી.
સર્જાયેલી આ દુર્ઘટનામાં બસમાં સવાર મુસાફરો પૈકી છનાં મોત થયા હોવાનું જાણવા મળે છે. બે મહિલા સહિત છ વ્યક્તિઓએ ગંભીર ઇજાને કારણે જીવ ગુમાવ્યા હતા. જ્યારે ૪૫થી વધુ મુસાફરોને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોની ચિચિયારીઓને પગલે સ્થાનિક ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. ઘટનાસ્થળના દૃશ્યો જોઇ સૌ કોઇ હેબક ખાઇ ગયા હતા.
ગ્રામજનો અને પોલીસે બચાવ કામગીરીમાં જોતરાઇ ઇજાગ્રસ્તોને સારવારાર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડયા હતા. આ દુર્ઘટનામાં બે મહિલા સહિત છ વ્યક્તિના મોત થયા હતા જ્યારે ડ્રાઈવર સહિત ૪૫ને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તો પૈકી પાંચ વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
વધુમાં સુરતના અડાજણની વૃંદાવન સોસાયટીના રહીશો તથા કોટ વિસ્તારના રૂદરપુરા,ગોપીપુરા અને ગોલવાડના રહીશો મળી કુલ ૫૬ મુસાફરો ગત તા.૨૧મીએ ધુળેટીની રાત્રિએ જલારામ ટ્રાવેલર્સની બસમાં શિરડી, શનિદેવ, ત્ર્યંબકેશ્વરના પ્રવાસે ગયા હતા.
by -jay

0 comments: