ડૉ. જયેન મહેતા સર્વાનુમતે સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન (SPCDF) ના ચેરમેન તથા સંગ્રામ ચૌધરી વાઇસ-ચેરમેન તરીકે ચૂંટાયા
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. જયેન મહેતાને 05 મે 2026ના રોજ અમૂલફેડ ડેરી, ગાંધીનગર ખાતે યોજાયેલી સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડ (SPCDF) ના પદાધિકારીઓની ચૂંટણીમાં સર્વાનુમતે ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમના નામનો પ્રસ્તાવ GCMMF ના ચેરમેન અશોક ચૌધરી દ્વારા તથા સમર્થન અમૂલ ડેરીના ચેરમેન શાભેસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને SPCDF ના વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે.
આ નવી બહુ-રાજ્ય સહકારી સંસ્થાના ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત ભારત સરકારના સહકાર મંત્રાલય હેઠળનાં સહકારી ચૂંટણી સત્તામંડળ, નવી દિલ્હી દ્વારા નિયુક્ત રિટર્નિંગ ઓફિસર તેમજ ગાંધીનગરના કલેક્ટર, રવિન્દ્ર ડી. ખટાલે, IAS દ્વારા કરવામાં આવી હતી. SPCDF ના બાયલોઝની કલમ ૩૯ મુજબ બંને પદાધિકારીઓ 05 મે 2026થી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ૫ વર્ષના કાર્યકાળ સુધી પોતાના હોદ્દા પર કાર્યરત રહેશે.
SPCDF ના બોર્ડમાં GCMMF તથા તેના 10 સભ્ય દુધ સંઘોના એક-એક પ્રતિનિધિ ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની સહકારી દુધ મંડળીઓના 3 પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
SPCDF નું ઉદ્દઘાટન માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા 06 જુલાઈ 2025ના રોજ દેશભરમાં સહકારી ડેરી આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકારના નવા સહકાર મંત્રાલયની રચનાના ચોથા વર્ષ, આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ અને ૧૯૪૦ના દાયકામાં અમૂલ ડેરીની રચનાને પ્રેરણા આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી વર્ષગાંઠની ઉજવણી સાથે સંયોગમાં યોજાયો હતો.
SPCDF નો હેતુ 20 રાજ્યોના 20,000થી વધુ ગામોના 20 લાખથી વધુ દુધ ઉત્પાદક ખેડૂતોને ગુજરાતની બહાર સંગઠિત સહકારી માળખા સાથે જોડવાનો છે, જેથી ખેડૂતોને દુધના વ્યાજબી ભાવ, સમાન મતાધિકાર, આધુનિક સેવાઓની ઉપલબ્ધતા તથા લોકશાહી આધારિત સહકારી વ્યવસ્થાના લાભો પ્રાપ્ત થઈ શકે. GCMMFનુ મજબૂત મેનેજમેન્ટ અને માર્કેટિંગ કુશળતા તથા દુધ સંઘોની કામગીરીના સહયોગથી SPCDF ગામડાંની સહકારી દુધ મંડળીઓથી લઈને દેશભરના ગ્રાહકો સુધી રાષ્ટ્રીય સહકારી ડેરી નેટવર્કને વધુ મજબૂત બનાવશે.
આ પહેલ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના “સહકારથી સમૃદ્ધિ” તથા “વ્હાઇટ રિવોલ્યુશન 2.0” ના વિઝનને સુસંગત છે. જેનો હેતુ દુધ ઉત્પાદક ખેડૂતોને સશક્ત બનાવવા, સહકારી આંદોલનનો વિસ્તાર કરવો, મૂલ્યવર્ધન વધારવું તથા ખેડૂતકેન્દ્રિત વિકાસ દ્વારા ગ્રામ્ય સમૃદ્ધિને ગતિ આપવાનો છે.
ડૉ. જયેન મહેતા તથા સંગ્રામ ચૌધરીના નેતૃત્વ હેઠળ SPCDF દ્વારા સહકારી ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની તથા “સહકારથી સમૃદ્ધિ” ના વિઝનને વેગ આપવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
નવનિયુક્ત હોદ્દેદારોએ ભારત સરકારના માનનીય ગૃહ અને સહકાર મંત્રી આમિત શાહ, ભારત સરકારના સહકાર મંત્રાલય, ગુજરાત સરકાર તેમજ GCMMF અને SPCDF ના બોર્ડ સભ્યો દ્વારા તેમના પર મુકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા દેશભરના દુધ ઉત્પાદકોના સશક્તિકરણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9897407774,
9979407774
0 comments: