વલાસણમાં શ્રી મેલડી માતાજીના મંદિરનો ચતુર્થ પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો
નવચંડી યજ્ઞ, ધ્વજારોહણ અને મહાપ્રસાદ સાથે ગંગાસાતમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
આણંદ જિલ્લાના વલાસણ ગામની પવિત્ર પુણ્યધરા પર આવેલ શ્રી સિંદુરીયા કેરડાવાળી શ્રી મેલડી માતાજીના મંદિરના ચતુર્થ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ચતુર્થ પાટોત્સવ તથા નવચંડી યજ્ઞનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ વૈશાખ સુદ-૭ (ગંગાસાતમ), ગુરૂવાર તા. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ ભક્તિભાવ અને ધાર્મિક ઉમંગ સાથે ઉજવાયો હતો. સમગ્ર ગામમાં આ અવસરને લઈને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો અને માતાજીના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે સવારે ૯:૩૦ કલાકે વિધિવત્ મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો, જેમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી યજ્ઞમાં આહુતિઓ અર્પી હતી. બપોરે ૩:૩૦ કલાકે મંદિર ખાતે ધ્વજારોહણ વિધિ ભક્તિપૂર્વક યોજાઈ હતી, જ્યારે સાંજે ૫:૩૦ કલાકે શ્રી ફળ હોમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકે ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.
આ પાવન પાટોત્સવના પૂર્વસંધ્યાએ, બુધવાર તા. ૨૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રે ૯:૦૦ કલાકે માતાજીના પરચાની ભાવસભર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાનું રસપાન પ્રખ્યાત વક્તા શ્રી પ્રવિણભાઈ રાવળદેવ (ધાર પીપળાવાળા) તેમજ સાજીંદા ગ્રુપ દ્વારા કરાવવામાં આવ્યું હતું, જેમાં ભક્તો મંત્રમુગ્ધ બની ગયા હતા.
આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં માઈભક્તો, ગામના અગ્રણીઓ, વડીલો, યુવાનો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભક્તિભાવથી કાર્યક્રમમાં સહભાગી બની આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર આયોજન શ્રી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ, વલાસણધામ દ્વારા સુવ્યવસ્થિત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
સંકલન:કલ્પેશ પટેલ,
નમસ્કાર ગુજરાત આણંદ
મો:-9879407774,
9979407774
0 comments: