Tuesday, 4 November 2025

આઈસીએ વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર ૨૦૨૫ મુજબ અમૂલ વિશ્વની નંબર ૧ સહકારી સંસ્થા તરીકે પસંદ થયું

SHARE
આઈસીએ વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર ૨૦૨૫ મુજબ અમૂલ વિશ્વની નંબર ૧ સહકારી સંસ્થા તરીકે પસંદ થયું


દોહા, કતાર / આણંદ, ભારત : ૪ નવેમ્બર, ૨૦૨૫ :

 ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) ને આઈસીએ વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર ૨૦૨૫ મુજબ પ્રતિ વ્યક્તિ જીડીપી પ્રદર્શનના આધારે વિશ્વની નંબર એક સહકારી સંસ્થા તરીકે સ્થાન મળ્યું છે, જે અંગેની જાહેરાત દોહા, કતારમાં યોજાયેલી આઈસીએ સીએમ ૫૦ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ ૨૦૨૫ના અવસરે પ્રાપ્ત આ માન્યતા અમૂલના લાખો દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવવાના પ્રયત્નો અને સમાવવામાં આવતા વિકાસ, સામાજિક સમાનતા તથા ટકાઉ ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન આપતી તેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA), જેનું મુખ્ય મથક બ્રસેલ્સમાં આવેલું છે અને વિશ્વભરના સહકારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ ટકાઉ વ્યવસાય મોડેલને આગળ ધપાવે છે. દર વર્ષે વર્લ્ડ કો-ઓપરેટિવ મોનિટર, EURICSE (યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓન કો-ઓપરેટિવ એન્ડ સોશિયલ એન્ટરપ્રાઇઝિસ) સાથેના સહયોગમાં, વિશ્વની અગ્રણી સહકારી સંસ્થાઓના આર્થિક અને સામાજિક પ્રભાવનું વિશ્લેષણ કરે છે.
આ સિદ્ધિ અંગે ડૉ. જયેન મહેતા, મેનેજિંગ ડિરેક્ટર, જીસીએમએમએફ (અમૂલ) એ જણાવેલ કે:
“અમૂલ એક એવી બ્રાન્ડ છે, જે સંપૂર્ણપણે ખેડૂતોની માલિકીની છે. તેઓ જ દૂધ સંપાદન કરવાથી લઈને ઉત્પાદન અને માર્કેટિંગ સુધી બધું સંચાલન કરે છે.  અમારું માત્ર આર્થિક યોગદાન નથી, અમારું મોડલ ગરીબીને ઓછી કરવાનું, જાતિ આધારિત સમાનતા અને ટકાઉ સમુદાય જેવા યુએનના ટકાઉ વિકાસ લક્ષ્યો (UN SDGs) ને સમર્થન આપવાનું છે. અમૂલનું સાચુ  ચલણ દૂધ નથી, પરંતુ વિશ્વાસ છે, કરોડો દૂધ ઉત્પાદકો અને અબજો ગ્રાહકોનો વિશ્વાસ. આ સન્માન અમૂલ પરિવારના દરેક સભ્ય માટે ગૌરવનો ક્ષણ છે અને આપણા સ્થાપકોની સહકારી સમૃદ્ધિની દૃષ્ટિને પણ પ્રતિબિંબિત કરે છે.”

ડૉ. મહેતાએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો, જેમના દુરંદર્શી નેતૃત્વ હેઠળ ભારતના સહકારી આંદોલનને નવી ઊંચાઈ મળી છે અને અમૂલ જેવી સંસ્થાઓને વૈશ્વિક સ્તરે પ્રગતિ કરવાની શક્તિ મળી છે.
અમૂલની સફળતા તેના ત્રિ-સ્તરીય સહકારી માળખા પર આધારિત છે, જેમાં ૧૮,૬૦૦ થી વધુ ગ્રામ્ય દૂધ સહકારી મંડળીઓ અને ૩૬ લાખથી વધુ દૂધ ઉત્પાદકો જોડાયેલ છે, જેમાં મોટાભાગે મહિલાઓ જોડાયેલા છે. ફેડરેશને ભારતને દૂધની અછત ધરાવતા દેશમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ગ્રામ્ય જીવન તેમજ રાષ્ટ્રીય પોષણ સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અમૂલ “ધ ટેસ્ટ ઑફ ઇન્ડિયા” ની ભાવનાને સંગઠિત  કરે છે અને વિશ્વભરમાં સહકારી ઉત્કૃષ્ટતાનું પ્રતીક બની રહ્યું છે.

આજે દોહા, કતારમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર સામાજિક શિખર સંમેલન 2025 દરમિયાન વિશ્વના નેતાઓએ એક રાજકીય ઘોષણાપત્ર સ્વીકાર્યું, જેમાં સહકારી સંસ્થાઓ દ્વારા ગરીબી ઘટાડવામાં, સામાજિક સમાવેશન માં, રોજગાર સર્જનમાં અને સામાજિક પરિવર્તનમાં ભજવાતી મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા અપાઈ.
આ અવસરે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 (International Year of Cooperatives 2025) નું સત્તાવાર સમાપન પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નિર્ધારિત કરવામાં આવ્યું કે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ દર દસ વર્ષે એક વખત ઉજવવામાં આવશે, જેથી સહકારિતાના વૈશ્વિક યોગદાનને સતત માન્યતા અને પ્રોત્સાહન મળતું રહે.

સંકલન:કલ્પેશ પટેલ,આણંદ
મો:9879407774,
9979407774
SHARE

Author: verified_user

0 comments: