અશોકભાઇ બી. ચૌધરી અને ગોરધનભાઇ પી. ધામેલીયા, ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે સર્વાનુમતે ચૂંટાયા
વિશ્વની સૌથી મોટી ખેડૂતોની માલિકીની ડેરી સહકારી સંસ્થા એટલે કે ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ.(જીસીએમએમએફ) ના ચેરમેનપદે અશોકભાઇ બી. ચૌધરી, (ચેરમેન, મહેસાણા દૂધ સંઘ) અને વાઇસ ચેરમેનપદે ગોરધનભાઇ પી. ધામેલીયા(ચેરમેન, રાજકોટ દૂધ સંઘ) ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.
અમૂલ ફેડરેશનના ચેરમેનની ચૂંટણી તા.૨૨-૦૭-૨૦૨૫ ના રોજ યોજાયેલ, જેમાં અમૂલ ફેડરેશનના ૧૮ સભ્ય દૂધ સંઘોના તમામ ચેરમેનશ્રીઓ હાજર રહેલ. ચેરમેનના પદ માટે અશોકભાઇ બી. ચૌધરીના નામની દરખાસ્ત શામળભાઇ બી. પટેલ (ચેરમેન, સાબરકાંઠા દૂધ સંઘ) દ્વારા કરવામાં આવેલ અને અશ્વિનભાઇ એન.સાવલિયા (ચેરમેન, અમરેલી દૂધ સંઘ) દ્વારા ટેકો જાહેર કરવામાં આવેલ તેમજ વાઇસ ચેરમેનના પદ માટે ગોરધનભાઇ પી. ધામેલીયાના નામની દરખાસ્ત વલમજીભાઇ આર. હુંબલ (ચેરમેન, કચ્છ દૂધ સંઘ) દ્વારા કરવામાં આવેલ અને મોહનભાઇ આર. ભરવાડ (ચેરમેન, અમદાવાદ દૂધ સંઘ) દ્વારા ટેકો જાહેર કરવામાં આવેલ.
સદર ચુંટણી કલેકટર આણંદ જિલ્લા અને રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગરની હાજરીમાં યોજાયેલ. અમૂલ ફેડરેશનમાં વર્ષ ૧૯૭૩ થી ચેરમેનપદની વરણી બિનહરિફ રીતે થતી આવે છે તે પ્રણાલિકાને પુન: જાળવી રાખેલ છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન જીસીએમએમએફએ રૂા.૬૫,૯૧૧ કરોડ (USD ૭.૭ બીલીયન)નું ટર્નઓવર હાંસલ કરેલ જે વાર્ષિક ૧૧.૨ % ની વૃધ્ધિ દર્શાવે છે. આ જ વર્ષ દરમ્યાન અમૂલ ફેડરેશનના દૂધ સંઘો દ્વારા ૧૨૦૦ કરોડ(૧૨ બીલીયન) લીટર જેટલા દૂધનું સંપાદન કરવામાં આવેલ અને રૂા.૯૦,૦૦૦ કરોડ(USD ૧૧ બીલીયન) નું કુલ એકીકૃત વાર્ષિક ટર્નઓવર હાંસલ કરવામાં આવેલ છે. ભારત અને વિશ્વના ૫૦ દેશોમાં ૨૪૦૦ કરોડ (૨૪ બીલીયન) થી વધુ પ્રોડકટ પેકના વિતરણ સાથે અમૂલને બ્રાન્ડ ફાઇનાન્સ યુકે દ્વારા વિશ્વની સૌથી મજબૂત ફૂડ અને ડેરી બ્રાન્ડ જાહેર કરવામાં આવેલ છે.
અમૂલને વૈશ્વિક ડેરી બ્રાન્ડ બનાવવા માટેના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી દૃષ્ટિકોણ માટે જીસીએમએમએફના નવનિયુકત ચેરમેન અને વાઇસ ચેરમેનએ તેઓશ્રીનો આભાર વ્યકત કરેલ. વધુમાં, તેઓએ સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપવા બદલ કેન્દ્રીય અને ગૃહ સહકાર મંત્રી અમિતભાઇ શાહ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત રાજયના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાત રાજયના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ફેડરેશનના સમગ્ર નિયામક મંડળનો તેઓના સતત સહયોગ બદલ આભાર વ્યકત કરેલ. આ ઉપરાંત, ગુજરાતના ૩૬ લાખ દૂધ ઉત્પાદકોનો ખાસ આભાર વ્યકત કરેલ કે જેઓના સમર્પણ અને વિશ્વાસ થકી ફેડરેશનની અવિરત વૃધ્ધિ થઇ રહેલ છે.
સંકલન:કલ્પેશ પટેલ, આણંદ
મો:9879407774,
9979407774
0 comments: