યુવાનોએ બર્થડે ગિફ્ટ તરીકે 1 કિલો બાજરીનો લોટ આપવો જોઈએ જેથી તેની કુલેર બનાવી ખાઈ શકાય – ડી. એસ. ગઢવી
સરદાર પટેલ યુનિવર્સિટી આગામી સમયમાં મિલેટ્સ અંગે જાગૃતિ લાવવા મિલેટ્સ કેન્ટીન શરૂ કરશે. – પ્રો. નીરંજન પટેલ
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ દ્વારા મિલેટ ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ
યુનાઈટેડ નેશન દ્વારા વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમસાયન્સ વિભાગ, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. તથા G20 યુનિવર્સિટી કનેક્ટ પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે તારીખ 13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન શાસ્ત્રી મેદાન, વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે 10 કલાક થી રાત્રે 10 કલાક દરમિયાન મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. આ ફૂડ ફેસ્ટિવલમાં મિલેટમાંથી બનાવેલી વિવિધ વાનગીઓ, પરંપરાગત વાનગીઓ અને હસ્તકલાની વસ્તુઓના આશરે 46 જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા હશે જેમાં પ્રદર્શન અને વેચાણ થશે.
આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન સત્ર 13 મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.30 કલાકે શાસ્ત્રી મેદાન ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના કા. કુલપતિ પ્રો નીરંજન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ચારુતર વિદ્યામંડલના પ્રમુખ શ્રી ભીખુભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે આણંદ જિલ્લા કલેકટરશ્રી ડી. એસ. ગઢવી ઉપરાંત આદરણીય મહેમાન તરીકે બ્રહ્માકુમારી આણંદ એકમના જાગૃતિબેન, સોજિત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર વ્યવસ્થા પ્રમુખ શ્રી હસમુખભાઇ પટેલ, શ્રી હરેશભાઈ શાણી, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ડો. ભાઈલાલભાઈ પટેલ, અનુસ્નાતક હોમસાયન્સ વિભાગના અધ્યક્ષ પ્રો. વિનાયકભાઈ પટેલ અને વિભાગના પ્રો. નમ્રતા કોલા સહિત સિન્ડીકેટ સદસ્યો, સેનેટ સભ્યો, વિવિધ સત્તા મંડળના હોદેદારો, વિવિધ સંસ્થાના આચાર્યશ્રીઓ, યુનિવર્સિટીના અધ્યાપકો, વહીવટી સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમમાં પ્રો. વિનાયક પટેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેઓએ મિલેટ્સના મહત્વ વિષે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે ભારતમાં ઘઉના ઉત્પાદનથી ભૂખમરો ગયો પરંતુ ડાયાબિટીસ અને હ્રદયરોગનું પ્રમાણ વધ્યું છે. તેના ઉપાય સ્વરૂપે તેઓએ ઘઉની જગ્યાએ મિલેટ્સ એટલેકે ધાન્યનો આહારમાં ઉપયોગ વધારવાની વાત કરી હતી.
શ્રી ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં મિલેટ્સનો ઉપયોગ થાય છે પરંતુ શહેરી વિસ્તારમાં આ બાબતની જાગૃતતા લાવવી જોઈશે. જે આ કાર્યક્રમ દ્વારા આવશે.
જિલ્લા કલેકટરશ્રી ડી. એસ. ગઢવીએ મિલેટ્સને નવી પેઢીમાં પ્રચલિત કરવી જઈએ તે વિષે વાત કરતાં જણાવ્યું હતું કે યુવાનોએ બર્થડે ગિફ્ટ તરીકે 1 કિલો બાજરીનો લોટ આપવો જોઈએ જેથી તેની કુલેર બનાવી ખાઈ શકાય. ઉપરાંત સેન્ડવીચ અને બ્રેડની જગ્યાએ રોટલાનું સેવન કરાવી આનો પ્રચાર પ્રસાર કરી શકાય.
બી. કે. જાગૃતિબેને જણાવ્યું હતું કે આ મિલેટ્સ ફૂડ ફેસ્ટિવલમાં આપણાં શરીરને સ્વસ્થ્ય રાખવામાં ઉપયોગી તેવા આપણાં ધાન્યોને સ્વીકારવાનો ઉત્સવ છે.
હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજનું સ્વાસ્થ્ય સારું તો દેશનું સ્વાસ્થ્ય સારું રહેશે. નવી પેઢીને અલગ અલગ પ્રકારની વાનગી બનાવીને મિલેટ્સ પોહચાડી શકાય.
પ્રો. નીરંજન પટેલે આ ફેસ્ટિવલની ફળશ્રુતિ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટી આગામી સમયમાં મિલેટ્સ અંગે જાગૃતિ લાવવા મિલેટ્સ કેન્ટીન શરૂ કરશે એવી જાહેરાત કરી હતી.
સમારંભના અંતે પ્રો. નમ્રતા કોલાએ આભાર વિધિ કરી હતી.
આ સમારંભમાં મહેમાનોનું સ્વાગત પાંચધન્યથી કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આશરે 4000 લોકોએ મુલાકાત માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
પ્રથમ દિવસે નિર્મલદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો.
આ ફૂડ ફેસ્ટિવલમાં 52 જેટલા સ્ટોલ કરવામાં આવ્યા છે.
સંકલન-કલ્પેશ પટેલ, વિદ્યાનગર
મો-9879407774,
9979407774
0 comments: