ગો ગ્રીન કન્સેપ્ટ: ચારુસેટ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ દ્વારા સાઇકલરેલી
ચાંગા: દિવસે દિવસે સતત વધતી જતી ગરમી, ઘટતો જતો વરસાદ અને સ્વાસ્થ્ય ઉપર થતી અસર, આવી ઘણી બધી મુશ્કેલીનું મુખ્ય કારણ પર્યાવરણમાં વધેલું પ્રદૂષણ છે. કોઈ પણ શહેરમાં-પરિસરમાં સૌથી વધારે પ્રદૂષણ વાહનોને કારણે થાય છે. ગો ગ્રીન કન્સેપ્ટને અમલમાં મૂકવા માટે ચાંગાની વિખ્યાત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી (CSPIT)ના ચમોસ માતૃસંસ્થા મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના વડા ડો. વિજય ચૌધરી ના નેતૃત્વ હેઠળ પ્રાધ્યાપકો દ્વારા તારીખ 19 જુલાઈ 2019, શુક્રવારના રોજ વલ્લભ વિદ્યાનગરથી ચાંગા ચારુસેટ કેમ્પસ સુધી સાઇકલરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચારુસેટ યુનિવર્સિટીના 20 પ્રધ્યાપકોએ ભાગ લીધો હતો અને પ્રદૂષણને દૂર કરવાનો પ્રયાસ કરવાનો સંકલ્પ લીધો હતો.
પ્રત્યેક વ્યક્તિ, ખાસ કરીને યુવાનો એવો સંકલ્પ કરે કે પર્યાવરણને બચાવવા માટે એક દિવસ પૂરતો વાહનોનો ઉપયોગ કરીશું નહીં , તો પણ ઉપરોક્ત વિવિધમુશ્કેલીઓનો હલ થઇ શકે છે. આ સંદેશો લઈને યુવાનોને પર્યાવરણની સુરક્ષા માટે પ્રોત્સાહિત કરવા પ્રાધ્યાપકો દ્વારા સાઇકલરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચારુસેટ સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજીના પ્રિન્સિપાલ ડો. એ. ડી. પટેલે લીલી ઝંડી આપી આ સાઇકલરેલીને પ્રસ્થાન કરાવ્યુ હતું અને જણાવ્યુ હતું કે પર્યાવરણ બચાવો અભિયાન વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહે તે માટેનો આ પ્રયાસ હતો. દર શનિવારે ગો ગ્રીન કન્સેપ્ટને અમલમાં મૂકવાનો અમારા તરફથી પ્રયાસ કરવામાં આવશે.


0 comments: