Thursday, 25 July 2019

કપડવંજ તાલુકાના તોરણાના પ્રગતિશીલ ખેડૂત મોસમી ખેતી અને પશુપાલન વ્‍યવસાય દ્વારા આર્થિક રીતે પગભર બન્‍યા

SHARE

કપડવંજ તાલુકાના તોરણાના પ્રગતિશીલ ખેડૂત મોસમી ખેતી અને પશુપાલન વ્‍યવસાય દ્વારા આર્થિક રીતે પગભર બન્‍યા

તોરણાના શ્રી અમૃતભાઇ પટેલ દર વર્ષે પાંચ એકરમાંથી આધુનિક ખેતી કરી રૂા.બે લાખ કમાય છે
નડિયાદ- ખેડા જિલ્‍લાના કપડવંજ તાલુકાના તોરણાના ૬૭ વર્ષીય પ્રગતિશીલ ખેડૂત અમૃતભાઇ બુધાભાઇ પટેલ પોતાની પાંચ એકર જમીનમાં મોસમી ખેતી અને પશુપાલન વ્‍યવસાય દ્વારા આર્થિક રીતે પગભર બન્‍યા છે.
તોરણાના શ્રી અમૃતભાઇ પટેલ ધોરણ-૭ સુધી જ ભણેલા છે, પરંતુ શરૂઆતથી જ ખેતી કરતા હોવાથી ખેતીનું વિસ્‍તૃત અને ઊંડુ જ્ઞાન ધરાવે છે. તેઓના ખેતરમાં પોતાનો કુવો હોવાથી સિંચાઇ માટે પાણીની તંગી પડતી નથી.
          તેઓએ તેમના ખેતરમાં ૨.૫ વીધામાં લીંબુની વાડી, ૨.૫ વીધામાં ઘઉંની સીઝનમાં ઘઉં ની ખેતી અને ત્‍યારબાદ તે જગ્‍યાએ શકકરીયાની ખેતી, ૧૪ ગુંઠામાં પોતાના ચાર પશુઓ માટે ઘાસચારો જયારે બાકી રહેતી બીજી જગ્યામાં બાજરી, બટાટા જેવી મોસમી ખેતી કરે છે.

           
તેઓ ૬૭ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવા જોમ સાથે જાતે જ ખેતી કરી રહયા છે.  તેઓને ખેતીમાં તેમના ધર્મપત્નિ કમળાબેન તથા દિકરાની વધુ મદદરૂપ થાય છે. જરૂર પડયે જ માણસોની/મજૂરોની મદદ લે છે. તેઓએ અદ્યતન ખેતી અપનાવી છે. તેઓની પાસે ટ્રેકટર, ટ્રોલી, દાંતી, રાપડિયો જેવા ખેતીને લગતા અદ્યતન સાધનો પણ છે. તેઓએ રાજય સરકારની આર્થિક સહાયથી કુવા પર મોટર બેસાડી છે. આમ, પિયતના પાણી માટે તેઓને અદ્યતન સહાય મળવાથી ખેતીમાં વિશેષ અનુકૂળતા આવી છે.

         
તેઓ તેમની ખેતીમાં વીધે-૬૦ મણ ઘઉં, ૫૦ થી ૬૦ મણ બાજરી,૧૦૦ થી ૪૦૦ મણ બટાટા, ૩૦૦ થી ૫૦૦ મણ જેટલા શકકરીયા તથા પશુઓને આખુ વર્ષ ચાલે તેટલું ઘાસ મેળવી રહયા છે.
          તેઓના જણાવ્‍યાનુસાર તેઓ તેમના ખેતરમાં ચાર એચ.એફ ગાયનો ઉછેર પણ કરે છે અને ઘર વપરાશનું દુધ બાદ કરતા દરરોજ ૪૦ લીટર જેટલું દૂધ દૂધ મંડળીમાં ભરે છે. તેઓ ખેતરમાં ખેતી માટે શુધ્ધ બિયારણના જ આગ્રહી છે અને સ્‍ટાન્‍ડર્ડ કંપનીનું તેમજ મંડળીમાંથી બિયારણ ખરીદે છે. ખેતીમાં યુરીયા, છાણીયું ખાતર અને બોરનું પાણી વાપરે છે. જરૂર પડે તો જ દવાઓનો ઉપયોગ કરે છે.
          શ્રી અમૃતભાઇ પટેલ કપડવંજ તાલુકા સહિત તોરણા પંથકમાં નામાંકીત અને પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના ધરાવે છે. તેઓ તેમના પાકના ઉતારાનું વેચાણ મોટા વેપારીઓ તથા કપડવંજ માર્કેડ યાર્ડમાં જ કરે છે. વચેટીયા વગર માલનું સીધે સીધું વેચાણ કરતાં હોવાથી પાકના પુરા રૂપિયા મળી રહે છે. તેઓ વર્ષે દહાડે એક એકરથી લગભગ ૭૫ હજાર જેટલો ચોખ્ખો નફો કરી રહયા છે.

SHARE

Author: verified_user

0 comments: