Friday, 21 June 2019

શ્રી મધુભાઇ શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં રાજપીપલા ખાતે વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી

SHARE

રોગમુક્તિની સાથોસાથ તન-મનની શાંતિ માટે દરરોજ નિયમિત રીતે યોગસાધના
કરવાની ખાસ હિમાયત કરતાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનાં અધ્યક્ષશ્રી મધુભાઇ શ્રીવાસ્તવ
શ્રી મધુભાઇ શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં રાજપીપલા ખાતે વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની થયેલી ઉજવણી

નર્મદા જિલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આશરે ૧૧૪૫ જેટલાં યોગ
કેન્દ્રો ખાતે અંદાજે ૧.૯૮ જનસંખ્યાએ યોગસાધનામાં લીધો ઉત્સાહભેર ભાગ

યોગ ફોર હાર્ટ કેરની થીમ ઉપર વિશ્વ યોગ દિવસની થયેલી ઉજવણી


        રાજપીપલા –આંતરરાષ્ટ્રીય  યોગ દિન નિમિત્તે આજના વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લાના રાજપીપલા મુખ્યમથકે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ધાબાગ્રાઉન્ડ ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના અધ્યક્ષશ્રી મધુભાઇ શ્રીવાસ્તવે જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ,  નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર સહિત બહોળી સંખ્યામાં શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, યોગ પ્રેમી નગરજનો વગેરેની વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂક્યો હતો.આજે રાજપીપલા નગરપાલિકા કક્ષાના – ૨ યોગ કેન્દ્ર ઉપરાંત પ્રત્યેક તાલુકાકક્ષાએ પણ તાલુકાકક્ષાના બબ્બે યોગ કેન્દ્રો સહિત જિલ્લાભરમાં નિયત અંદાજે-૧૧૪૫ જેટલા યોગકેન્દ્રો ખાતે આજે યોગના કાર્યક્રમો યોજાયાં હતાં

        કાર્યક્રમની શરૂઆતમાં ઝારખંડની રાજધાની રાંચી ખાતેથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં આજના પાંચમા  આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોજાયેલા યોગના કાર્યક્રમનનું જીવંત પ્રસારણ કરાયું હતું, જેને ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યા બાદ યોગ સીડીના નિદર્શન મુજબ યોગમાં ભાગ લેનાર તમામ સાધકોએ પ્રાર્થના સૂક્ષ્મ ક્રિયા, વિવિધ આસનો, કપાલભાતી, પ્રાણાયમ, ધ્યાન, સંકલ્પ અને શાંતિપાઠ કર્યા હતાં. આ પ્રસંગે વિવિધ સામાજિક-ધાર્મિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, નગરજનો વગેરેએ મોટી સંખ્યામાં જિલ્લાકક્ષાની આ ઉજવણીમાં જોડાઇને યોગસાધના કરી હતી.
        યોગ ફોર હાર્ટ કેરની થીમ ઉપર આજે વિશ્વ યોગ દિવસની થયેલી ઉજવણી  પ્રસંગે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના અધ્યક્ષશ્રી મધુભાઇ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આજે સમગ્ર ભારત દેશ ઉપરાંત વિશ્વના દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે મનુષ્યના જીવનમાં યોગનું મહત્વ સમજીને રોગ મુક્તિની સાથોસાથ નત અને મનની તંદુરસ્તી માટે દરરોજ નિયમિત રીતે યોગ કરવાની તેમણે ખાસ હિમાયત કરી હતી. રાજપીપલામાં જિલ્લાકક્ષાની આ ઉજવણીમાં ભાગ લેવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી નર્મદા જિલ્લા પ્રશાસન અને યોગસાધનમાં ભાગ લેનાર તમામ યોગસાધકો અને સંસ્થાઓને તેઓશ્રીએ અભિનંદન આપ્યાં હતાં.

        અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિ આધારિત ખૂબ જ પ્રાચીન એવી યોગ ક્રિય આપણાં મન અને શરીરને શુધ્ધ – સાત્વિક અને કાર્યશીલ રાખવાનું કામ કરે છે. યોગની મૂળ ક્રિયા મારફત ફરીથી લોકોમાં નવજીવન પ્રસ્થાપિત થાય છે તેમજ યોગ દ્વારા સૃષ્ટિ અને પરમાત્મા સાથેની સાર્થકતાનો અનુભવ થાય છે. દિવસના ૨૪ કલાકમાં દરેક વ્યક્તિએ પોતાના આરોગ્ય અને સુખાકારી માટે ઓછામાં ઓછા ૧૦ મિનિટ શારીરિક ક્રિયા અને ૧૪ મિનિટ પ્રાણક્રિયા માટે એમ ૨૪ મિનિટ ફાળવવી જોઇએ તેમ યોગાચાર્ય શ્રી ગૌરીશંકર દવેએ જણાવ્યું હતું.
        નર્મદા જિલ્લામાં આજે થયેલી વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે જિલ્લાકક્ષા ઉપરાંત તમામ તાલુકાકક્ષાએ તેમજ તમામ ગ્રામ પંચાયતો તેમજ જિલ્લાની તમામ પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળા / મહાશાળાઓ વગેરે જેવા અંદાજે - ૧૧૪૫ જેટલા યોગ કેન્દ્રોમાં થયેલી આ ઉજવણીમાં અંદાજે ૧.૯૮ લાખથી પણ વધુ લોકોએ ભાગ લઇને આ ઉજવણીને સાર્થક કરી છે.
        આ પ્રસંગે નિવાસી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ગીતાંજલી દેવમણી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. નિપાબેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એમ. નિનામા, નાયબ માહિતી નિયામક શ્રી વાય.આર.ગાદીવાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી બી.એ. હાથલીયા, સીનીયર કોચશ્રી વિષ્ણુભાઇ વસાવા, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી દિલીપભાઇ દેસાઇ અને શ્રી ભરતભાઇ પરમાર, જુનીયર કોચશ્રી રાજેન્દ્રભાઇ ઠાકોર તેમજ શ્રી ગૌરીશંકર દવે, શ્રી માણેકલાલ શાહ ઉપરાંત શ્રીમતી ભારતીબેન તડવી અને શ્રી કિરણભાઇ વસાવા સહિતના અન્ય પદાધિકારીશ્રીઓ – અધિકારીશ્રીઓ, પોલીસ-હોમગાર્ડઝ જવાનો, વિવિધ સામાજિક – ધાર્મિક – સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહભેર ભાગ લીધો હતો.


SHARE

Author: verified_user

0 comments: