Tuesday, 25 June 2019

ચોમાસા દરમિયાન મહી નદી પટ વિસ્‍તારમાં અવર જવર કરવી નહી

SHARE
ચોમાસા દરમિયાન મહી નદી પટ વિસ્‍તારમાં અવર જવર કરવી નહી
નડિયાદ-મહીસાગર જિલ્‍લાના બાલાશિનોર તાલુકાના વણાકબોરી ગામે મહી નદી પર બાંધવામાં આવેલ વણાકબોરી વિયર દરવાજા વગરનો ડેમ છે. આ વિયરની ઉપરવાસમાં આવેલ મહી બજાજ સાગર, કડાણા જળાશય તથા પાનમ જળાશયમાંથી ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના આવરાને ધ્યાનમાં રાખી પાણી છોડવાની પરિસ્‍થિતિ ઉભી થતી હોય છે. તદઉપરાંત વિયર ખાતેના જળાશયમાંથી વીજ ઉત્પાદન માટે છોડવામાં આવતું પાણી પણ વણાકબોરી વિયર ખાતેના જળાશયમાં આવે છે. આ પરિસ્‍થિતિમાં વણાકબોરી વિયર કે જે દરવાજા વગરનો આડબંધ હોવાને કારણે તેની હાલની સંગ્રહશકિતની મહત્તમ સપાટી સુધી પાણી ભરાયા બાદ વિયર પરથી ઓવરફલો થઇ વધારાનું પાણી મહી નદીમાં નીચેવાસમાં વહે છે.
      ચોમાસા-૨૦૧૯ દરમ્યાન વણાકબોરી વિયરની નીચેવાસમાં આવતા મહી નદીના કાંઠા વિસ્‍તારના ગામોના ઇસમોને કોઇપણ હેતુ નદીના પટમાં અવર-જવર ન કરવા, નદીના પાણીમાં ઢોર-ઢાંખર નહી લઇ જવા તથા સાવચેત રહેવા લાગતા વળગતા તમામને જાણ કરવામાં આવે છે. ચોમાસા દરમ્યાન નદીમાં પાણીનો આવરો વધારે હોય/પાણી મોટા જથ્થામાં છોડવામાં આવે તે સંજોગોમાં નદીના પટમાં/નદી કિનારા નજીક ન રહેતાં સલામત જગ્યાએ ખસી જવા તાકીદ કરવામાં આવે છે. અન્‍યથા જાનમાલના કોઇપણ પ્રકારના નુકશાન માટે જળસંપત્તિ વિભાગ જવાબદાર રહેશે નહીં જેની સૌ લાગતા વળગતા તમામ અસરગ્રસ્‍તો, ઇસમો/ખેડૂત ખાતેદારોએ ગંભીરતાથી નોંધ લેવા નડિયાદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવાયું છે.
SHARE

Author: verified_user

0 comments: