Wednesday, 29 May 2019

વડોદરા જિલ્લામાં ૨ લાખથી વધુ મહિલાઓને માસિક ધર્મ સ્વચ્છતા વ્યવસ્થાપનની જાણકારી અપાશે

SHARE
વડોદરા જિલ્લામાં ૨ લાખથી વધુ મહિલાઓને માસિક ધર્મ સ્વચ્છતા વ્યવસ્થાપનની જાણકારી અપાશે

ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓ તેમજ મહિલાઓને માસિકધર્મ સ્વચ્છતાનું મહત્વ સમજાવતા
વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

વડોદરાતા.૨૯-વડોદરા જિલ્લામાં મહિલાઓને માસિકધર્મ સ્વચ્છતા વ્યવસ્થાપન સંબંધિત જાણકારી તથા માર્ગદર્શન આપવા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડોદરા જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં જિલ્લાની આયુષ ટીમના ૩૪ તબીબોએ ૫ હજારથી વધુ કિશોરીઓને માસિકધર્મ સ્વચ્છતા વ્યવસ્થાપન (મેન્સ્ટ્રઅલ હાઇજીન) ની ઉંડાણપૂર્વક સમજણ અને માર્ગદર્શન આપ્યુ હતુ.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને માસિકધર્મ અને તે અંગેની સ્વચ્છતા જાળવવા તથા તેની મહત્વતા વિશે જાગૃત્તિનો અભાવ હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના સ્ત્રીવર્ગને સાવચેતી, જાણકારી અને યોગ્ય માહિતી આપવા પ્રત્યક્ષ માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આરોગ્ય, આઇસીડીએસ, શિક્ષણ, આયુષ, ડીઆરડીએ, સામાજિક સંસ્થાઓ સહિતના સંબંધિતો સંકલન કરી જિલ્લા સ્તરે આદર્શ સમન્વયીકરણ કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમ જુન માસથી અમલી થનાર હોય શાળામાં અભ્યાસ કરતી કિશોરીઓ અને અન્ય બહેનોને  IEC મટિરિયલ્સ પરિસંવાદ વિડીયો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
 આગામી એક વર્ષ સુધીમાં જિલ્લાના અંદાજે ૨ લાખથી વધુ મહિલાઓને માસિકધર્મ સ્વચ્છતા વિશે જાણકારી સમજણ અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમના ભાગરૂપે તાજેતરમાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. સુધીર જોષીએ વિશેષ આયોજન કર્યુ. જેમાં ૩૪ દવાખાનાઓ તેમજ આંગણવાડી કેન્દ્રો પર કિશોરીઓ અને મહિલાઓને માસિકધર્મ સ્વચ્છતા (Menstrual Hygiene Management MHM ) સહિત આહારવિહાર દીનચર્યા-ઋતુચર્ચા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

SHARE

Author: verified_user

0 comments: