Monday, 27 May 2019

વર્લ્ડ બેંક અને યુનિસેફની ટીમ આંગણવાડીઓની મુલાકાત લેશે પોષણ અભિયાન ઉજવણી

SHARE
વર્લ્ડ બેંક અને યુનિસેફની ટીમ આંગણવાડીઓની મુલાકાત લેશે
પોષણ અભિયાન ઉજવણી
વડોદરા તા.૨૭ - ગુજરાત રાજયમાં પોષણ અભિયાન અંતર્ગત જોઇન્ટ ઇમ્પ્લિમેન્ટ સપોર્ટ મિશન કાર્યક્રમ યોજાનાર છે. તા.૨૭ મે-૨૦૧૯ થી તા. ૩ જુન-૨૦૧૯ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રો પર સુપોષણ સંવાદ, અન્નપ્રાશન દિવસ તેમજ પૂર્ણા દિવસની ઉજવણી ખૂબ મોટા પાયે કરવામાં આવશે. આ કાર્યક્રમનો લાભ સગર્ભા, ધાત્રી અને કિશોરીઓ ઉપરાંત બાળકોને મળશે.વડોદરાની સમા-૮, એકતાનગર-૧૦ ઉપરાંત ચાણસદ-૩ અને દરાપુરા-૩ આંગણવાડી કેન્દ્રો ખાતે વર્લ્ડ બેંકની ટીમ, મધ્યપ્રદેશના અધિકારી, ગુજરાત રાજયના અધિકારીશ્રીઓ તથા યુનિસેફની ટીમ તા.૨૮ મે-૨૦૧૯ના રોજ મુલાકાત લેશે.આ કાર્યક્રમ અંતર્ગત સુપોષણ સંવાદ ઉજવણીમાં સગર્ભાઓને કંકુ તિલક કરી ગોદભરાઇ-સીમંતવિધી કરી આપવામાં આવશે. આરોગ્ય, પોષણ, સ્વચ્છતા, રસીકરણ, સ્તનપાનનું મહત્વ, હિમોગ્લોબીન, વજન અને અન્ય કાળજી રાખવા સંબંધિત માહિતી-માર્ગદર્શન આપવામાં આવશે. નવા જન્મેલા બાળકને તથા તેની માતાઓનું તિલક કરી સ્વાગત કરવામાં આવશે. ધાત્રીઓને શારીરિક કાળજી, રસીકરણ સહિતના મુદ્દાઓની સમજ આપવામાં આવશે.અન્નપ્રાશન દિવસમાં છ માસ પૂર્ણ થયા હોય તે માતા તેના બાળક સાથે આંગણવાડી કેન્દ્ર ખાતે આવી બાળકને ઉપરી આહારની શરૂઆત કરાવશે. બાળકના રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉપરી આહારની જરૂરિયાત સમજાવવામાં આવશે.
       પૂર્ણા દિવસની ઉજવણીમાં કિશોરીઓને પોષણ સંબંધિત સેવાઓની જાણકારી આપવામાં આવશે. આરોગ્ય, જીવન કૌશલ્ય, શિક્ષણની માહિતી, આંતરિક સ્વચ્છતા, વજન અને હિમોગ્લોબીન સહિતની મહત્વની બાબતે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન લોકપ્રચલિત પારંપારિક ભવાઇના માધ્યમથી પોષણની જરૂરિયાત વિશે સમજ આપવામાં આવશે. પોષણ અભિયાન અને તેની અગત્યતાનું મૂલ્ય સમજાવવામાં આવશે.

SHARE

Author: verified_user

0 comments: