Wednesday, 29 May 2019

નડિયાદના નવ પૈકી માત્ર બે જ બગીચા બચ્યા : સાત ઉજ્જડ થઈ ગયા

SHARE

નડિયાદના નવ પૈકી માત્ર બે જ બગીચા બચ્યા : સાત ઉજ્જડ થઈ ગયા

નગર પાલિકાની ઘોર બેદરકારીના કારણે લોકો જતા ન હોવાથી બગીચા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા

નડિયાદ,તા.28-જીલ્લાના વડામથક નડિયાદમાં નગરપાલિકા હસ્તકના બગીચાઓ વિકાસ ઝંખી રહ્યા છે. ઉજ્જળ થયેલા આ બગીચાઓના રીનોવેશન અને કાળજીના અભાવે વેરાન બન્યા છે. અત્યારે શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે નગરના બાળકોને રમવા માટેની કોઇ જગ્યા નથી. ત્યારે નગરજનો આવા બગીચાઓના રીનોવેશન કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. નવ બગીચાઓમાંથી અત્યારે ફક્ત બે જ બગીચા કાર્યરત્ હોવાથી ગામને છેડે રહેતા લોકો તેનો ઉપયોગ કરી શક્તા નથી. ઉપરાંત કેટલાંય સમયથી અવાવરુ પડી રહેલા આ બગીચાઓ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બન્યા છે. જેને કારણે જો આ બગીચાઓનું રીનોવેશન કરવામાં આવે, નવા ફૂલ-ઝાડ ઉગાડવામાં આવે અને બગીચાઓની ગુફા, ટાવર નું રીપેરીંગ કરવામાં આવે અને અન્ય રમવાના નવા સાધનો વસાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.ગામમાં નગરપાલિકા નજીક જ આવેલ સરદાર બાગ ઉદ્યાન(રાણી બાગ) અને સંતરામ બેંક ચીલ્ડ્રન પાર્ક બંને ઉજ્જળ પડયા છે. કહેવાય છે કે ચાળીસ વર્ષ પહેલા ૧૯૮૦માં નડીયાદ લાયન્સ ક્લબ દ્વારા રાનીપાર્કની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકાને આ બગીચો ડોનેટ કરવામાં આવ્યો હતો.૧૯૮૦થી આજદિન સુધી તેનુ સંચાલન નગરપાલિકા કરતી રહી છે.આ રાનીપાર્કને લાયન્સ ઉદ્યાન તેમજ સરદાર પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.૩૯ વર્ષ જુનો આ પાર્ક  જ્યારે નવો નવો બંધાયો હતો ત્યારે તે નગરમાં ઉત્તમ બગીચાનું સ્થાન ધરાવતો હતો. આ બાગમાં ચાર હીંચકા, એક ચકરડી, ૪ નીસરણી, ઊંચકનીચક, ટાવર,ફુવારો, ગૂફા જેવી બાળકોને રમવા માટેની અનેક સુવિધાઓ ઉપલબ્ધ હતી.આ ઉપરાંત ૫૦૦થી પણ વધુ ફુલ-છોડ-ઝાડથી હરિયાળુ વાતાવરણ આ બગીચાની ઓળખ હતી. જેમાં સાંજના સમયે મોટી સંખ્યામાં બાળકો રમવા માટે આવતા હતા. નાની બાળાઓ ગોયરો વખતે સાંજનો સમય આ બગીચામાં જ વિતાવતી હતી. આ સમયે આ બાગ કુંવારીકાઓ અને બાળકોથી હર્યો ભર્યો રહેતો હતો. ઉનાળાની ઋતુમાં તો આ બગીચો રાતે ૧૧ વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવતો હતો.એક સમયે બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠતો રાનીપાર્ક આજે સુમસામ ખંડેર હાલતમાં છે.નગરપાલિકાના સત્તાધીશોની અવગણનાને કારણે આજે આ બાગ ભંગાર હાલતમાં ફેરવાયો છે. તેની નિયમિત સારસંભાળના અભાવે આજે બાળકો મોબાઇલ અને ટીવી તરફ વળ્યા છે. આ ઉપરાંત રાનીપાર્કની સામે આવેલા ચિલ્ડ્રન પાર્ક પણ ખંડેર હાલતમાં પડયો છે. આ ચિલ્ડ્રન પાર્ક ૧૯૯૩માં સંતરામ બેન્ક દ્વારા નગરપાલિકાને આપવામાં આવ્યો હતો. રાનીપાર્ક જેવી જ લોકપ્રિયતા અને રોનક આ ચિલ્ડ્રન પાર્કની પણ હતી.  તમામ સુવિધાઓથી ભરપૂર આ પાર્ક આજે વોટર ટેન્કનું ગોડાઉન બની ગયો છે.
આ સંદર્ભે નગરપાલિકાના એક અધિકારીનો રૂબરૂ સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, બગીચાનું  સંચાલન હવે એન્જીયરીંગ ડીપાર્ટમેન્ટને સોંપવામાં આવેલ છે.અમારા ડીપાર્ટમેન્ટમાં આ આવતું નથી. જ્યારે એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટના કેતનભાઈ શાહે જણાવ્યું હતુ ંકે,આ બગીચાનું રિનોવેશન તો અમે કરવા ઈચ્છીએ છીએ પરંતુ તે માટે બોર્ડ તેની ગ્રાન્ટની ફાળવણી કરતું નથી.ગ્રાન્ટ વિના કોઈ પ્રોજેક્ટ પણ તૈયાર કરી શકાય તેમ નથી.કારણ કે કેટલી ગ્રાન્ટ મળે છે તે ખબર પડયા પછી જ અમે તેનો પ્રોજેક્ટ પ્લાન કરી શકીએ. એટલે જ્યારે ગ્રાન્ટ મળશે ત્યારે બગીચાનું રીનોવેશન કામ હાથ ધરાશે.
SHARE

Author: verified_user

0 comments: