અકોટા માર્ગ પર ૩D પેઇન્ટીંગના અભિનવ અભિગમથી મતદાનનો મહિમા, લોકાતંત્રમાં મતદાતાના મતની તાકાત ઉંચેરી :
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલ
વડોદરા: મતદાન શિક્ષણ અને જાગૃત્તિ કાર્યક્રમ SVEEP હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવી
રહ્યું છે. મતદારોને મતનું મૂલ્ય સમજાવવા અને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા આકર્ષક
રીતે સંદેશ આપવાની પહેલ પણ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલે કરી છે.
વડોદરા શહેરના હાર્દસમા અકોટા માર્ગ પર મતદાન વિશેષ જાગૃત્તિ અર્થે ૩D પેઇન્ટીંગ કરવામાં આવ્યું છે. મતદાતાને મતદાન સમયે વિશેષ શાહીથી આંગળી
પર અનોખું ટપકું કરવામાં આવે છે તે ચિત્રને આકર્ષક રીતે વિવિધ કલાકારોએ રજૂ કરી
વડોદરાના નગરજનોનુ જુદી રીતે જ ધ્યાન આકર્ષ્યુ છે.
જિલ્લા
કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે અકોટા માર્ગ પર કલાકારોને પ્રોત્સાહિત કરવાની
સાથોસાથ નાગરિકોને તા.૨૩મી એપ્રિલે વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
શ્રીમતી શાલિનીએ કહ્યું કે, લોકશાહી રાષ્ટ્રમાં મતદાતાના મતની તાકાત ઉંચેરી છે.
લોકતંત્રને વધુ મજબૂત કરવા મતદાનની મહત્તા નાગરિકોને સમજાવવા ચૂંટણીપંચ દ્વારા સતત
પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મતદાન જાગૃત્તિ કાર્યક્રમો અન્વયે વડોદરાના
નગરજનોને જુદી રીતે આકર્ષી-તેમનું ધ્યાન મતદાન પરત્વે ખેંચવા અકોટા માર્ગ પર ૩D પેઇન્ટીંગ કરવામાં આવ્યું છે. અકોટા માર્ગ પછી વડોદરા શહેરના મુખ્ય
માર્ગો પર અભિનવ અભિગમ સમા ૩D પેઇન્ટીંગ મૂકવા વડોદરા જિલ્લા
ચૂંટણીતંત્ર પ્રયત્નશીલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મતદારોમાં મતદાન જાગૃત્તિ આવે
તે ઉદ્દેશ્ય સાથે વિવિધ સ્થળે આકર્ષક-રંગબેરંગી હોર્ડિંગ્સ પણ શહેરમાં મૂકવામાં
આવ્યા છે.
૩D પેઇન્ટીંગ કરનાર આર્ટિસ્ટ શ્રી કેવલ કહારે જણાવ્યું કે, મતદાનનું
મહાપર્વ આવી રહ્યું છે તા. ૨૩ એપ્રિલે, ત્યારે વડોદરામાં નગરજનોને મતદાન માટે
વિશેષ જાગૃત્ત કરવા મતદાનની જ થીમ પસંદ કરવામાં આવી. વધુમાં વધુ મતદાન થાય તેવો
આકર્ષક અને સચોટ ચિત્રાત્મક સંદેશ ૩D પેઇન્ટીંગના માધ્યમથી મળ્યો. મતદાન એ
મતદાતાઓનો અધિકાર અને ફરજ છે ત્યારે મતદાન માટે ખચકાટ અનુભવ્યા વિના મતદાન થાય અને
મતની તાકાતનું મૂલ્ય મતદાતાઓને સમજાવવું જરૂરી છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૩D પેઇન્ટીંગનો અભિનવ અભિગમ મતદાનની ટકાવારી વધારવામાં નવા પ્રાણ ફૂંકશે
તેવી મને નાગરિક તરીકે અને કલાકાર તરીકે આશા છે. મતદાન માટે લોકજાગૃત્તિ લાવવાની
પ્રવૃત્તિમાં સહભાગી થવા બદલ મને ખુશી અનુભવાઇ છે.
આ
પ્રસંગ SVEEP સંકલન અધિકારી શ્રી સુધિર જોષી, આર્ટિસ્ટ સચિન સહિતના
કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
0 comments: