Tuesday, 30 April 2019

વડોદરા જિલ્લા કલેકટરની ચોમાસુ આફતોને પહોંચી વળવાની સુસજ્જતાના ભાગરૂપે એનડીઆરએફ સહિત સરકારી ખાતાઓને પંદર દિવસમાં અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેંટ પ્લાન્સ તૈયાર કરી લેવા સૂચના

SHARE
વડોદરા જિલ્લા કલેકટરની  ચોમાસુ આફતોને પહોંચી વળવાની સુસજ્જતાના ભાગરૂપે એનડીઆરએફ સહિત સરકારી ખાતાઓને પંદર દિવસમાં અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેંટ પ્લાન્સ તૈયાર કરી લેવા સૂચના
 

૧લી જુનથી શહેર-જિલ્લામાં પૂર નિયંત્રણ કક્ષો કાર્યરત થઇ જશે

વડોદરાની ઉત્તરે આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં પૂર નિયંત્રણની તકેદારીરૂપે તાલુકા પ્રશાસનોને
ઔદ્યોગિક એકમો સાથે સચોટ સંકલન કરવા અનુરોધ

વડોદરા તા. ૨૯ -  ચૂંટણીઓ યોજવાની અઘરી કવાયતને સફળતાપૂવર્ક સંપન્ન કરીને હવે વડોદરા જિલ્લા પ્રશાસને આગામી ચોમાસાને અનુલક્ષીને ભારે વરસાદ, પૂર અને વાવાઝોડાં જેવી સંભવિત આફતો સામે રાહત-બચાવની સટીક પૂર્વ તૈયારીઓ કરવા અને સુસજ્જતા કેળવવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. તેના અનુસંધાને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે એનડીઆરએફ ઉપરાંત જિલ્લા પંચાયત, વડોદરા મહાનગરપાલિકા, જિલ્લાની નગરપાલિકાઓ, સિંચાઇ-માર્ગ મકાન અને વન સહિતના ખાતાઓ, એસ.ટી., એમજીવીસીએલ ઇત્યાદીને પંદર દિવસમાં, ભૂતકાળના અનુભવો અને બોધપાઠને વણી લેતા અદ્યતન ડિઝાસ્ટર મેનેજમેંટ પ્લાન્સ તૈયાર કરીને કલેકટર કચેરીની ડિઝાસ્ટર મેનેજમેંટ શાખાને મોકલી આપવા સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે ચોમાસાને અનુલક્ષીને તા.૧લી જુનથી વડોદરા કલેકટર કચેરી ઉપરાંત તાલુકા કક્ષાએ, મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત કક્ષાએ પૂર નિયંત્રણ કક્ષો શરૂ કરી દેવાશે.

        જિલ્લા કલેકટરએ  ખાસ કરીને વડોદરાની ઉત્તરે આવેલા ઔદ્યોગિક વિસ્તારોમાં જળભરાવ સહિતની પરિસ્થિતિ ન સર્જાય તેની તકેદારીરૂપે આઇઓસીએલ, જીએસએફસી, રીલાયન્સ જેવા ઉદ્યોગો અને જીઆઇડીસીઝ સાથે સચોટ સંકલન સાધવા અને યોગ્ય આયોજન કરવા તાલુકા તંત્રોને સૂચના આપી હતી. આ ઉપરાંત સિંચાઇ અને માર્ગ મકાન વિભાગોને કાંસોની અસરકારક સફાઇ હાથ ધરવા, રસ્તાઓનું સમારકામ, લો લેવલ બ્રીજીસ, નાળાનું સમારકામ અને સાઇનેજીસ લગાડવાની કામગીરી સમયસર પૂરી કરવા તાકીદ કરી હતી. રેલવેઝને ફાટકો સહિત વ્યૂહાત્મક જગ્યાઓએ ઉચિત વ્યવસ્થા કરવા અને તાલુકા-જિલ્લામાં ભયજનક મકાનોની ઓળખ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.
        તમામ સરકારી દવાખાનાઓમાં જીવનજરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા આરોગ્ય વિભાગને અને આંગણવાડીઓ, મભયો કેન્દ્રો અને વાજબી ભાવની દુકાનોમાં ત્રણ મહિનાનો જથ્થો આગોતરો ફાળવવા પુરવઠા વિભાગને જણાવ્યું હતુ.
        સરદાર સરોવર નર્મદા નિગમને જિલ્લામાંથી પસાર થતી નહેરો સહિતના સ્ટ્રકચરોની યોગ્ય મરામત કરાવી લેવા અને સંલગ્ન કાંસોની સફાઇ કરાવી લેવા તથા એમજીવીસીએલને વીજ રેષાઓ, સબ સ્ટેશન્સનું પ્રી મોન્સુન મેઇનટેનન્સ કરવા અને ચોમાસામાં વીજ પુરવઠો જળવાઇ રહે તે માટેનું જરૂરી આયોજન કરવા જણાવ્યુ હતુ. આરટીઓ, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ ઇત્યાદીને ચોમાસામાં વાહનવ્યવહાર જળવાઇ રહે તે માટેના વિકલ્પો તૈયાર કરવા જણાવ્યુ હતુ. આ ઉપરાંત વરસાદ માપકયંત્રોનું અદ્યતનીકરણ કરી લેવા, બુલડોઝર્સ સહિતની ઉપલબ્ધ સાધન સામગ્રી, યંત્રો, લાઇફ જેકેટસની યાદી બનાવવા, તાલુકાવાર તરવૈયાની યાદી બનાવવા સહિતની સૂચનાઓ આપી હતી. નિવાસી અધિક કલેકટર ડી.આર.પટેલે બેઠકનું સંચાલન કર્યુ હતુ. 

SHARE

Author: verified_user

0 comments: