ધર્મજ ખાતે ધરોહર ફાઉન્ડેશન તથા સેવા સહકારી મંડળી દ્વારા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટીના સહયોગથી ગાજર ઘાસ(કોંગ્રેસીયુ) નિયંત્રણ તથા પ્રાકૃતિક ખેતી માર્ગદર્શક શિબિર યોજાઇ
તાજેતરમાં ધર્મજ મુકામે ગામની સ્વૈચ્છીક સંસ્થા ધરોહર ફાઉન્ડેશન તથા ધર્મજ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સીટીના સહયોગથી ધરતીપુત્રો માટે માર્ગદર્શક શિબિરનુ આયોજન કરવામાં આવેલ. હાલ ખેતીના દરેક પાકમાં અનેક પ્રકારના નિંદામણ ખેડુતો માટે માથાનો દુ:ખાવો બનતા જાય છે. જેના કારણે મુખ્ય પાકના ઉત્પાદનમાં મોટી ઘટ આવે છે. જે સરવાળે નુકશાનમાં પરિણમે છે. તમામ પ્રકારના નિંદામણમાં મુખ્ય ઉપદ્રવ ગાજર ઘાસ જેને ખેડુતો કોંગ્રેસીયા તરીકે ઓળખે છે તેનો છે. જેના નિયંત્રણ અને નિવારણ માટે એક શિબિર ધર્મજ મુકામે રાખવામાં આવેલ. આણંદ કૃષિ યુનિવર્સીટીના ખુબ જ ઉત્સાહી કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરીયાના ઉમદા સહકારથી આયોજીત આ શિબિરમાં તેમની સંસ્થાના વિષય નિષ્ણાત તજજ્ઞો ડૉ. વિમલ જે. પટેલ (વડા એગ્રોનોમી વિભાગ) , શ્રી ડી. ડી. ચૌધરી (એગ્રોનોમીસ્ટ વીડ મેનેજમેન્ટ) તથા આ વિષય ઉપર ગહન અભ્યાસ કરનાર ડૉ. બી. ડી. પટેલ (નિવૃત્ત વડા એગ્રોનોમી વિભાગ) સૌએ ઉપસ્થિત રહી સુંદર માર્ગદર્શન આપેલ.
કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત સહ શિબિરની ભુમિકા બાંધતા ધરોહર ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશ પટેલે જણાવેલ કે માન. પ્રધાનમંત્રીશ્રીની લાગણી ખેતીની આવક બમણી કરવાની છે. તે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અનેક પાસાંનો સમન્વય જરૂરી છે. તે પૈકીનુ એક એટલે મુખ્ય પાકની સાથે ઉગતા બીનજરૂરી નિંદામણ છે. જે મુખ્ય પાકના ભોગે ઉછરે છે અને સરવાળે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. જેના કારણે ખેતીની નફાકરકતા ઘટે છે અથવા ક્યારેક તો નિંદામણ ખુબ વધી જતાં ખેતીમાં ખોટ પણ આવે છે. વધુમાં તેમણે જણાવેલ કે હવે સમય આવી ગયો છે કે આપણે સૌ ખેતીને એક વ્યવસાયના રૂપમાં સ્વીકારી ગણતરીબધ્ધ આયોજન કરીએ તો ચોક્કસ આવક વધે. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોનુ સ્વાગત સેવા સહકારી મંડળીના અધ્યક્ષ અને ગામના પ્રગતિશીલ ખેડુત રાજેન્દ્રભાઇએ કરેલ.
વિષય નિષ્ણાત ડૉ. બી. ડી. પટેલ(ભરતભાઇ)એ જણાવેલ કે પહેલાં આપણે વર્ષમાં એક જ પાક કરતા હતા. જ્યારે હવે બે થી ત્રણ પાક કરીએ છીએ. તેથી જમીનને આરામ મળતો નથી. વધુમાં જેટલા પિયત અને ફર્ટીલાઇઝર વધ્યા એટલા નિંદામણ પણ વધ્યા છે. બીજી બાજુ ખેતમજુરો તથા સાધનો સમયસર મળે નહીં તો પરિસ્થિતિ વિકટ બને છે. જેમ કે ક્યારેક સાતોડો ખુબ વધી જાય તો મગ કે બાજરીના પાક ખેડી નાંખ્યાના દાખલા પણ જાણવા મળે છે. બીજી બાજુ વિષમ પરિસ્થિતિમાં પણ આ નિંદામણનુ આયુષ્ય લાંબુ હોય છે. આ અંગે તેમણે ખુબ જ માર્મિક ટકોર કરતા જણાવ્યુ કે નિંદામણથી સંપુર્ણ મુક્તિ મેળવવી હોય તો ખેતી છોડી દો! અર્થાત તેનો કાયમી નિકાલ શક્ય નથી. ત્યારે સમયસર નિંદામણને દુર કરતા રહીએ એ જ માત્ર ઉપાય છે. વધુમાં તેમણે જણાવ્યુ કે ગાજર ઘાસ બધે જ થાય છે. જાહેર રસ્તા, ખેતરના ઢાળીયા અને ગૌચરની ખુલ્લી જમીનમાં કોઇ રોપવા જતુ નથી છતાં ઉગે છે. તેના બીજ ખુબ જ ઝીણા હોય છે. તેને ઢોર પણ ખાતા નથી માટે ખુબ ઝડપથી વધે છે. થોડો ભેજ તેના વિકાસ માટે પુરતો હોય છે.
ડૉ. વિમલભાઇએ જણાવેલ કે આ ઘાસના પાન ગાજરાના છોડના પાન જેવા હોય છે તેથી તે ગાજર ઘાસ તરીકે ઓળખાય છે. જેનુ અંગ્રેજી નામ પાર્થેનીયમ છે. સને ૧૯૫૪માં આપણે અમેરિકાથી મેક્સિકોના પી. એલ. ૪૮૦ ઘઉં આયાત કરેલ. તેની સાથે આ ઘાસના બીજ આવેલા હોવાનુ મનાય છે. સને ૧૯૫૬માં ભારતમાં પહેલી વખત આ ઘાસ પુનામાં જોવા મળેલ. ત્યાર પછી આજે તેણે ભારતનો કોઇ ખુણો બાકી રાખ્યો નથી. તેનો ફેલાવો પવન અને પાણી દ્વારા પુષ્કળ પ્રમાણમાં થાય છે. રેલ્વેના પાટા અને રમતના ખુલ્લા મેદાન જેવા બીન પાક વિસ્તારમાં પણ થાય છે. તેનો એક જ છોડ ૫,૦૦૦ થી ૨૫,૦૦૦ બીજ ઉત્પન્ન કરે છે. બીજી અગત્યની બાબત એ છે કે તમાકુ જેવા મુખ્ય પાકના બીજમાં બીજા વર્ષે તે પાકના બીજ લઇએ તો બીજી પેઢીના બીજના કારણે ઉત્પાદન ઓછુ મળે તેવુ આમાં નથી. દરેક પેઢીએ સરખુ જ ઉત્પાદન મળે છે. તેના બીજ શ્વાસ વાટે માનવ શરીરમાં જાય તો શ્વાસ, દમ અને કયારેક લીવર અને કીડનીના રોગ પણ થાય છે. ચામડી ઉપર લાગી જાય તો ખુજલી ઉપડે, લાલ ચકામા થાય અને ચામડી મગરની ખાલ જેવી જાડી થઇ જાય છે. ક્યારેક ઘેંટા – બકરા ખાય તો તેના દુધમાંથી પણ મનુષ્યના શરીરમાં પ્રવેશી રોગો પેદા કરે છે. જાનવરના આંચળને અડી જાય તો આંચળ જાડા થઇ જાય છે. તેના નિયંત્રણ માટે તેને ફુલ આવતા પહેલાં જ તેનો નાશ કરવો જરૂરી છે. દર વર્ષે નવુ નિંદણ ઉગે અને સમયસર નિયંત્રણ ન કરીએ તો ૧૦ થી ૧૫ ગણા દરે વધી જાય.
શ્રી ડી. ડી. ચૌધરીએ જણાવેલ કે આણંદ કૃષિ યુનિવર્સીટી દર વર્ષે ૧૬ થી ૨૨ ઑગષ્ટ દરમ્યાન ગાજર ઘાસ નિયંત્રણ સપ્તાહ ઉજવવામાં આવે છે. હવે ગામ સમૃધ્ધ થયા છે. બાપ – દાદાની રીતે ખેતી કરી શકતા નથી અને મજુરોની કાર્યક્ષમતા પણ ઘટી છે. ત્યારે આ ઘાસનુ નિયંત્રણ સામુહિક રીતે કરવુ જરૂરી છે. તેના માટે બીન પાક અને પાક વિસ્તારમાં અલગ અલગ પધ્ધતિ અપનાવવી જરૂરી છે. આ પ્રશ્ન ફક્ત ખેડુતો પુરતો નથી પણ ગામ અને શહેરોમાં પણ ગાજરઘાસ પહોંચી ગયુ છે. અમારા સપ્તાહની ઉજવણી પહેલાં જ ધર્મજ ગામે જાગૃતિ દાખવી આ શિબિર રાખી છે ત્યારે ધર્મજ “ગાજર ઘાસ મુક્ત ગામ” બને તેવો સહિયારો પ્રયત્ન કરવો જરૂરી છે. શિબિરમાં પ્રશ્નોત્તરી દરમ્યાન કુતુહલવશ પ્રશ્ન પુછાયેલ કે આને કોંગ્રેસીયુ કેમ કહે છે. તેનો સંભવિત ઉત્તર એ થાય છે કે સને ૧૯૫૬માં આવ્યા પછી ત્યારે આ ઘાસ કોંગ્રેસ પક્ષની જેમ આખા દેશમાં ફેલાઇ ગયેલ તેથી તેનુ નામ કોંગ્રેસીયુ પડયુ હોવાનુ મનાય છે. આ શિબિરમાં નિંદામણનાશક દવાઓના અસરકારક છંટકાવ માટે ફ્લેટ હેડ નોઝ્લ પણ ઉપસ્થિત ખેડુતોને નિ:શુલ્ક આપવામાં આવેલ.
શિબિરના બીજા તબક્કામાં ગ્રામસેવક અશ્વિનભાઇ પટેલ દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડુતો આત્મનિર્ભર બને તે માટે માર્ગદર્શન આપવામાં આવેલ. આ શિબિરમાં ગામના આગેવાનો શ્રી હર્ષદભાઇ પટેલ, શ્રી અનિલભાઇ પટેલ, શ્રી જીતુભાઇ પટેલ તથા ગામના પ્રગતિશીલ ખેડુતો અને ખેતી સંભાળી રહેલ મજુરી ભાગના ભાગીયા સૌએ ઉપસ્થિત રહી શિબિરને સફળ બનાવેલ. સેવા સહકારી મંડળીના કર્મઠ કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. પટેલ વાડીના સંચાલકોએ સ્થળ વ્યવસ્થા નિ:શુલ્ક ફાળવેલ અને હીરલ હોટેલ પરિવાર તરફથી પણ ઉમદા સહયોગ મળેલ.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: