Wednesday, 13 November 2019

છેવાડાના માનવીનો વિકાસ એ જ રાજ્ય સરકારનો અમોઘ મંત્ર છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

SHARE
છેવાડાના માનવીનો વિકાસ એ જ રાજ્ય સરકારનો અમોઘ મંત્ર છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

આણંદ જિલ્લાના તારાપુર ખાતે યોજાયેલા જનવિકાસ ઝૂંબેશ કાર્યક્રમમાં ૧૭ હજાર જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ હાથોહાથ અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

:: મુખ્યમંત્રીશ્રી ::
રાજ્ય સરકાર ગરીબો, વંચિતો, પીડિતો, શોષિતો, દલિતો, યુવાનો, ખેડૂતોના
હિતોને વરેલી છે : આ સરકાર પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી છે

ગુજરાત સરકાર Government with Difference બની ગઇ છે : સરકારે જનહિત
નિર્ણયો પૂરી ત્વરાથી લીધા છે, કારણ કે, અનિર્ણાયક્તા જ વિકાસને રૂંધે છે

દિવાળી સમયે પડેલા માવઠાના કારણે કૃષિપાકોને જે નુકસાન થયું હોય તે તમામ ખેડૂતોને રાજ્ય સરકાર સહાય આપશે, ખેડૂતો કોઇ પણ પ્રકારની ચિંતા ના કરે


આણંદ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આણંદ જિલ્લાના તારાપુર ખાતે યોજાયેલા જનવિકાસ ઝૂંબેશ કાર્યક્રમમાં ૧૭ હજાર જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ હાથોહાથ અર્પણ કરતા જણાવ્યું  કે, રાજ્ય સરકારની કાર્યશૈલીના ચાર મૂળ સિદ્ધાંતો - પારદર્શક્તા, સંવેદનશીલતા, નિર્ણાયક્તા અને પ્રગતિશીલતાના પાયા ઉપર છેવાડાના માનવીનો વિકાસ એ જ અમારો અમોઘ મંત્ર છે.

ભાલપ્રદેશના પ્રવેશદ્વાર સમા તારાપુર ખાતે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધતા  મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર ગરીબો, વંચિતો, પીડિતો, શોષિતો, દલિતો, યુવાનો, ખેડૂતોના હિતોને વરેલી છે.

આ સરકાર પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી છે. એટલા માટે જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છીએ.

તેમણે ઉમેર્યું કે, પહેલા  કોંગ્રેસના સમયમાં એવું કહેવાતું હતું કે, કેન્દ્ર સરકાર એક રૂપિયો પ્રજાની માટે મોકલે તો એમાંથી માત્ર ૧૫ પૈસા જ લોકો સુધી પહોંચતા હતા. ૮૫ પૈસા વચેટિયા જમી જતા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. જેના પરિપાકરૂપે ગરીબ કલ્યાણમેળાના કાર્યક્રમનો ઉદ્દભવ થયો.

હવે લોકોને તેમના ઘર બેઠા સરકારની યોજનાઓ લાભ મળે છે. વચેટિયાનો સહારો લેવો પડતો નથી. કોઇનો ઝભ્ભો પકડવો પડતો નથી કે  ચપ્પલ ઘસવા પડતા નથી. સંપૂર્ણપણે પારદર્શક્તાથી અને સંવેદનશીલતાથી લોકોને તેમને મળવાપાત્ર લાભ હાથોહાથ મળી રહ્યા છે.
એથી જ હવે શ્રી નરેન્દ્રભાઇ મોદી એક રૂપિયાની યોજના બનાવે તો તેમાંથી સવા રૂપિયા જેટલા લાભ થાય છે.
સરકારી યોજનાના લાભ લેવામાં સાચો રહી ન જાય અને ખોટો ખાટી ન જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, તેમ કહેતા શ્રી રૂપાણીએ ઉમેર્યું કે, ગુજરાત સરકાર government with difference બની ગઇ છે. સરકારે જનહિતના નિર્ણયો પૂરી ત્વરાથી લીધા છે. કારણ કે, અનિર્ણાયક્તા જ વિકાસને રૂંધે છે. જે નિર્ણય કાલે કરવાનો હોય તે આજે જ કરવામાં આવે છે. આ સરકાર ઇમાનદાર અને સ્પષ્‍ટ કામ કરનારાઓની  સરકાર છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, વિધવા માતા બહેનોને તેમના પુત્રની ઉંમરના બાધ વિના પેન્શન આપવાનો નિર્ણય સરકારે એક જ ઝાટકે લીધો છે. વિધવાઓને પણ સમાજમાં સ્વમાનભેર જીવવાનો અધિકાર છે. તેવી જ રીતે ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પણ ત્વરાએ આપવામાં આવે છે.
ગરીબ પરિવાર ઉપર આવેલા ગંભીર આરોગ્ય સંકટ સમયે સરકારની મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના, આયુષ્‍યમાન કાર્ડ કવચરૂપ સાબીત થાય છે.
ગરીબ પરિવારે તેના પરિજનની સારવાર કરાવવા માટે હવે કોઇ પાસે હાથ લાંબો કરવો પડતો નથી. આવા પરિવારને રૂ. ૫ લાખ સુધીની સારવારનો ખર્ચ આપવામાં આવે છે.  દીકરા તરીકે કામ કરીને સરકાર નોધારાનો આધાર અને ગરીબોની બેલી બની છે.
વિરોધીઓને મગરના આંસુ સારવાનું બંધ કરવાની હિમાયત કરતા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્‍ટ શબ્દોમાં કહ્યું કે, દિવાળી સમયે પડેલા માવઠાના કારણે કૃષિપાકોને જે નુકસાન થયું હોય તે તમામ ખેડૂતોને રાજ્ય સરકાર સહાય આપશે. નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતો કોઇ પણ પ્રકારની ચિંતા ના કરે અને ખોટી વાતોમાં દોરવાઇ ન જાય, એમ શ્રી રૂપાણીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,   આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા દીઠ જન વિકાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તારપુર તાલુકામાં કુલ ૪૫ હાજર લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ ઘર બેઠા મળ્યો છે. તે પૈકી આજે ૧૭ હજાર લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. આ બાબતની શ્રી રૂપાણીએ પ્રશંસા કરી હતી અને જિલ્લા વહીવટી તંત્રને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ લાભો ફૂલ નહીં પણ, ફૂલની પાંખડી રૂપ છે. જે લાભાર્થીઓને રાજ્ય સરકારનો ટેકો મળ્યો છે, તે હવે પ્રયત્ન કરી આગળ વધે અને જીવનમાં વિકાસ કરે.
તેમણે આયોધ્યા કેસ મામલે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાને આવકાર્યો હતો અને ૧૩૪ વર્ષના કાનૂની સંઘર્ષ બાદ હવે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થશે, એમ કહ્યું હતું. અંતમાં તેમણે ઉપસ્થિતોને જીવનમાં આગળ વધાવા અને સમૃદ્ધ બનવા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સાંસદ સર્વ શ્રી મિતેશ પટેલ તથા લાલસિંહ વાડોદિયા તથા ખંભાતના ધારાસભ્ય
શ્રી મયુરભાઇ રાવલે પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા.
કાર્યક્રમની રૂપરેખા આપતા કલેક્ટર શ્રી દિલીપ રાણાએ તારાપુર તાલુકામાં ઘરે ઘરે જઇ, લાભાર્થીઓ શોધી, તેને હાથોહાથ લાભો આપવાની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી જન ઝૂંબેશ હવે ખંભાત તાલુકામાં શરૂ કરાશે. સાથે, આવનારા છ માસમાં સમગ્ર જિલ્લાને આ જન વિકાસ ઝૂંબેશ કામગીરીમાં આવરી લેવામાં આવશે તેમ તેમના શાબ્‍દિક ઉદ્દબોધનમાં જણાવ્‍યું હતું.
અંતમાં  પ્રાંત અધિકારી સુશ્રી નિલોફર શેખે આભારવિધિ કરી હતી. 
આ અવસરે પ્રભારી મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, તારાપુરના સરપંચ શ્રીમતી હિનાબેન પટેલ, પૂર્વ મંત્રી સર્વ શ્રી રોહિતભાઇ પટેલ, સી. ડી. પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઇ પટેલ, શ્રી અંબાલાલ રોહિત, અગ્રણી શ્રી રાજેશ પટેલ, શ્રી સુભાષભાઇ બારોટ, શ્રી વિપુલભાઇ પટેલ, શ્રી રમણભાઇ સોલંકી, જિલ્લા પોલીસ વડા શ્રી મકરંદ ચૌહાણ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


SHARE

Author: verified_user

0 comments: