Monday, 5 August 2019

ખેડા જિલાના ગલ્તેશ્વેર તાલુકાના વાડદમાં શેઢીનાં પાણી ઓસર્યા પછી તંત્રના અધિકારીઓ દોડી આવતા રોષ

SHARE

ખેડા જિલાના ગલ્તેશ્વેર તાલુકાના વાડદમાં શેઢીનાં પાણી ઓસર્યા પછી તંત્રના અધિકારીઓ દોડી આવતા રોષ

ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે શેઢી નદીના પાણી ફરી વળતા છેલ્લાં બે દિવસથી ગ્રામજનો જેલમાં પૂરાયા હતા. ત્યારે વહીવટી તંત્ર ઉંઘતું ઝડપાયું હોવાનો રોષ વ્યક્ત કરાયો છે. તબેલામાંથી ઘોડા ભાગી જાય અને પછી તબેલાને તાળા મારવામાં આવે તેવી પરિસ્થિતિ આજે સર્જાઇ હતી. ગામમાંથી બે દિવસ બાદ શેઢી નદીના પાણી ઓસરતા વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતુ અને શેઢી નદીના કાંઠાના ગામોની મુલાકાતે દોડી આવ્યા હતા. 
જો કે પાણી ઓસરતા ગામમાં ફેલાયેલા કાદવ કીચડને કારણે ગ્રામજનોને ગંભીર રોગચાળો ફેલાવવાની ભીંતી સતાવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે રોગપ્રતિકારક પગલાં ભરવા માટેની લોકમાંગ પ્રબળ બની છે. જો કે ગામની હાઇસ્કુલમાં હજુ પણ દોઢ ફૂટ પાણી ભરાયેલા છે. જેનો નિકાલ ક્યારે થશે અને બાળકો ક્યારે શાળાએ જઇ શકશે તેવા અનેક પ્રશ્નો ગ્રામજનોને સતાવી રહ્યા છે.
બે દિવસ અગાઉ ર બાલાસિનોરના ઉપરવાસના ડુંગરોમાં ભારે વરસાદ પડવાના કારણે ગળતેશ્વર તાલુકામાં આવેલી શેઢી નદીમાં પાણીની આવક વધી હતી. અચાનક રાત્રીના ૧૨ વાગ્યા બાદ શેઢી નદીના પાણીનું લેવલ વધતા કાંઠાના વાડદ, સોનૈયા, તરઘૈયા ગામોમાં  પાણી ફરી વળ્યા હતા. વાડદ ગામની ભાગોળે આવેલ પ્રાથમિક શાળા, દૂધની ડેરી, ભાથીજી મંદિર કમ્પાઉન્ડ, સરસ્વતી હાઇસ્કલ કમ્પાઉન્ડ, હુસૈની ચોક, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, ૬૬ કેવી સબ સ્ટેશન જેવા વિસ્તારોમાં ર ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. જેને કારણે વાડદથી ડભાલી, વાડદથી તરઘૈયા અને સોનૈયા જવાના રસ્તા બંધ થઇ ગયા હતા. જનસંપર્ક તૂટતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂુકાયા હતા.
ગત્ રોજ રાત્રીથી વરસાદ બંધ થતા આ પાણી ઓસરવાના ચાલુ થયા હતા. આથી વહીવટી તંત્ર જાગી ગયું હતું. અને આજે સવારે ગળતેશ્વર તાલુકાના મામલતદાર પોતાના સ્ટાફ સાથે વાડદ ગામની મુલાકાતે આવ્યા હતા. 
શેઢીના પાણીના કારણે વાડદ ગામમાં આવેલ પૂર ઓસર્યા બાદ તંત્ર ગ્રામજનોની મદદે આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. જો કે સતત બે દિવસ સુધી ર થી ૩ ફૂટ ભરાઇ રહેલા પાણી ઓસરતા સમગ્ર ગામમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. વળી વાડદની પ્રાથમિક શાળાની સામે ફેલાયેલા કાદવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઇ રહી છે. ત્યારે ગત્ મહિને આ ગામમાં ફેલાયેલ ગંભીર રોગચાળાનું પુનરાવર્તન ન થાય તેનો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે. જ્યારે ગામની સરસ્વતી હાઇસ્કુલમાં હજુ પણ દોઢ થી બે ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે. 
આગામી ૧૫મી ઓગષ્ટે અહીં તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી થનાર છે, ત્યારે હજુ પણ શાળાના મેદાનમાં પાણી ભરાયેલું રહેવાથી ઉજવણી કરી શકાશે કે કેમ તેવા અનેક પ્રશ્નો ગ્રામજનોમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.સત્વરે સંબંધિત તંત્ર દ્વારા વાડદ ગામમાં જેસીબીથી કાદવ કીચડ દૂર કરવામાં આવે અને રોગચાળો ફેલાતો અટકાવવાના પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉંઠી છે. 
15મી ઓગસ્ટે આ શાળામાં તાલુકા કક્ષાની ઉજવણીનું શું ?
ગળતેશ્વર તાલુકા કક્ષાનો ૧૫મી ઓગસ્ટની ઉજવણી વાડદ ખાતે આવેલ સરસ્વતી હાઇસ્કુલમાં થનાર છે.હાલ આ શાળાના કંપાઉન્ડમાં એક થી દોઢ ફુટ જેટલુ શેઢી નદીનું પાણી વહી રહ્યુ છે.આ અંગે શાળાના આચાર્ય ધર્મેન્દ્રસિંહ સોલંકીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ૧૫મી ઓગષ્ટ ચોમાસાની ઋતુમાં આવે છે અને ગમે ત્યારે વરસાદ પડે તો પાણી ભરાઇ જાય છે.અને ઉજવણીમાં વિક્ષેપ પડે છે. આથી જો ૧૫મી ઓગસ્ટની જગ્યાએ ૨૬મી જાન્યુઆરીની  ઉજવણી અહીં રાખવામાં આવે તો તાલુકા વહીવટી તંત્રને રાષ્ટ્ર પર્વની ઉજવણીમાં સુગમતા રહી શકે છે.
SHARE

Author: verified_user

0 comments: